________________
(૧૧) મહાવીર દેવ ભાગ-૩
અભિમાની ગૌતમ ઉચ્ચરે :‘ રે ! દ્વિજ કહું ઝટ અર્થ હું,
તો દઈ શકે શું?'’ વચન બોલ્યા, શરત કરવા, મર્મનું. ૨૫
અર્થ :— તે સંદેહ ટળવાથી હું તમારો ઉપકાર માનીશ. તેમજ તમારા પણ યશની વૃદ્ધિ થશે. મારા ગુરુ શ્રી મહાવીર બોલતા નથી, માટે આ કાવ્યનો અર્થ મને કહો.
તે સાંભળીને અભિમાની એવા ઇન્દ્રભૂતિ ગૌતમ બોલી ઊઠ્યા કે રે! દ્વિજ એટલે બ્રાહ્મણ હું તને ઝટ જો અર્થ કહું તો તું મને શું આપીશ? એવું મર્મનું વચન શરત કરવા બોલ્યા. ।।૨૫।।
તે વિપ્ર વદતો : “જો મને સંતોષ અર્થી થાય તો હું શિષ્ય બની સેવા કરું; તમને ન જો સમજાય તો ?’’ ગૌતમ કહે : “તો ભાઈ ને શિષ્યો લઈ તુજ ગુરુ કને દીક્ષા લઉં, એ વચન આપું; આણ શંકા નહિ મને.” ૨૬
અર્થ :– ત્યારે બ્રાહ્મણરૂપે રહેલ ઇન્દ્ર બોલ્યા કે જો મને અર્થથી પૂરો સંતોષ થશે તો હું તમારો શિષ્ય બની સેવા કરીશ. પણ તમને જો તેનો અર્થ ન સમજાય તો શું કરશો? ત્યારે ઇન્દ્રભૂતિ ગૌતમ કહેજો ન સમજાય તો હું મારા ભાઈઓને તથા સર્વ શિષ્યોને લઈ તારા ગુરુ પાસે જઈ દીક્ષા લઉં; એ તને વચન આપું છું. એમાં જરા પણ શંકા મનમાં આણીશ નહીં. ।।૨૬।।
ઇન્દ્રે કરાવી સુપ્રતિજ્ઞા, કાવ્ય ગૂઢ કહે હવે ત્રિકાળમાં ષટ્ દ્રવ્ય, ગતિ સૌ, નવ પદાર્થો સંભવે; વ્રત, સમિતિ, ગુપ્તિ, સમ તત્ત્વો અસ્તિકાયો પંચ છે સુધર્મ સિદ્ઘિમાર્ગ સમ્યગ્, જીંવ છકાય અનંત જે. ૨૭
૧૧૧
અર્થ :– ઇન્દ્રે આમ સુપ્રતિજ્ઞા કરાવી, હવે તે ગૂઢ અર્થવાળું કાવ્ય કહ્યું કે ‘ત્રણે કાળમાં છ દ્રવ્ય, સૌ મળીને ચાર ગતિઓ અને નવ પદાર્થો સંભવે છે, પાંચ વ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, સાત તત્ત્વો તેમજ પાંચ અસ્તિકાય છે. દશ લક્ષણરૂપ સદ્ઘર્મ, સિદ્ધિનો માર્ગ સમ્યગ્દર્શન છે, તેમજ છ કાયવાળા જીવો જગતમાં અનંત છે. ।।૨૭।।
વર્ષી વિશ્વ, લેશ્યા, વિધિ-જનિત ફળ; જ્ઞાન આનું જે ઘરે, તે મુક્તિગામી ભવ્ય આત્મા આત્મદર્શન પણ કરે.' ગૌતમ ઘણા ગભરાય, ‘નહિ તો આ વાત વેદ વિષે દીસે, નથી સાંભળી કર્દી કે વિચારી, કેમ કરવું તે વિષે? ૨૮
અર્થ :– તથા વિશ્વ કેટલું મોટું છે, લેશ્યાઓ કેટલી છે? તેમજ વિધિપૂર્વક વર્તવાનું ફળ શું છે? એનું જ્ઞાન જે ઘરે તે ભવ્યાત્મા આત્મદર્શન પણ કરે એમ કહ્યું છે તો તેનો અર્થ મને કહો.
ઇન્દ્રભૂતિ ગૌતમ ઘણા ગભરાવા લાગ્યા કે આ વાત તો વેદમાં ક્યાંય દીઠી નથી, કે સાંભળી નથી કે કદી વિચારી નથી તો હવે તે વિષે કેમ કરવું? ।।૨૮।।
અતિ ગૂઢ અર્થ ભરેલ કાવ્યે વિપ્ર મુજને મૂંઝવે, સર્વજ્ઞ કે શ્રુતકેવળી વિણ કોણ ઉત્તર સૂચવે?