________________
* પ્રાસંગિક નિવેદન
* પ્રથમ આવૃત્તિ *
પ્રસ્તુત ગ્રંથમાં આત્મસત્તારૂપ અખંડ ચેતનાના સ્વાભાવિક અને વૈભાવિક અર્થાત્ વાસ્તવિક અને સંયોગાધીન ઉદ્ભવતા બે પ્રવાહોને રજૂ કરવામાં આવ્યા છે. આત્મસત્તારૂપે-ભગવત્સત્તારૂપે જે અખંડ ચેતના વહે છે તે ‘ધર્મચેતના' છે. શુધ્ધ કે શુભ ભાવનારૂપે પરિણમતી ચેતના કથંચિત્ ધર્માભિમુખ ચેતના છે, અને અશુદ્ધ કે દુષ્ટભાવો રૂપે પરિણમતી ચેતના તે ‘કર્મચેતના’ છે. આ ધર્મચેતના અને કર્મચેતના એવા બે શબ્દ સંકેતો યોજવામાં આવ્યા છે.
આ બંને ચેતના એક જ સિક્કાની બે બાજુ છે. દીર્ઘકાળથી પ્રાણીમાત્રની જીવનયાત્રા મહદ્અંશે કર્મચેતનાયુક્ત રહી છે. આ ધારા ખંડપણે વહે છે. ધર્મચેતનાયુક્ત ધારા શાશ્વતી બને છે. જેમ પ્રકાશ થતાં અંધકાર વિલીન થાય છે, તેમ ધર્મચેતનાની જેટલી સક્રિયતા તે પ્રમાણે ભૂમિકાયોગ્ય કર્મચેતના દૂર થતી રહે છે. અંતે ધર્મસત્તા પૂર્ણપણે પ્રગટે છે; ત્યારે કર્મસત્તાના સૌ પ્રપંચો વિલીન થઈ જાય છે. ધર્મચેતના પ્રારંભમાં જીવનદાતા છે અને અંતમાં મુક્તિદાતા છે, તેના પ્રાગટ્યથી આત્મા અજર, અમર-અજન્મા થઈ જાય છે. આવું સ્વાધીન, સ્વામીપદ સ્વરૂપથી માનવને મળ્યું છે; છતાં આશ્ચર્ય એ છે કે માનવ તેનાથી અજાણ કે વિમુખ છે. અતીતમાં તે કર્મચેતનાવશ વર્તો છે, વર્તમાનમાં વર્ત્યા કરે છે અને અનાગત કાળે શું થશે ? તે તો જ્ઞાનીદષ્ટ સમજવું.
આ બંને ચેતનાની કેટલીક વિચારણા આ ગ્રંથમાં પ્રસ્તુત થઈ છે. જૈન પરંપરાના શાસ્ત્રોના મહાવરાને કારણે, અન્ય પરંપરાની અપેક્ષાએ તે શાસ્ત્રોની પદ્ધતિનો આધાર લેવાનું સવિશેષ બન્યું છે. જૈન દર્શનમાં સચરાચર સૃષ્ટિ વિષેની, ધર્મ-કર્મ વિષેની સુસ્પષ્ટ, સુવ્યવસ્થિત અને સપ્રમાણ કેટલીક વિશિષ્ટતાઓ છે તે વર્ણવામાં આવી છે. જેમ કે છ દ્રવ્ય-પદાર્થોનું નિરૂપણ, નવતત્ત્વોનું અર્થધટન,
૩
ક્રોધાદિ કષાયોનું પરિબળ, સમ્યગ્દર્શન-સાચી દષ્ટિ, તથા મિથ્યાદૅષ્ટિનું ભાવાત્મક સ્વરૂપ, અને મુક્તિ વિષેની શાસ્ત્રોક્ત ક્રમિક પદ્ધતિ ઈત્યાદિ
છે.
દરેક પ્રકરણમાં વિષયને અનુરૂપ હિતશિક્ષા આલેખી છે તે જ્ઞાનીજનોના ઉપદેશની અસલ નોંધ કે સારાંશ છે. જે જે ગ્રંથોનો આધાર લીધો છે તે શાસ્ત્રવેત્તાઓનો, આચાર્ય ભગવંતોનો, કવિઓ અને લેખકો સૌંની સાભાર ઋણી છું આ લેખન એ ગુરુજનોની કૃપાપ્રસાદી છે. આગમો આધારિત લેખનોની વિશેષ સમજ ગુરુગમે સમજવી આવશ્યક છે. અંતમાં પ્રસ્તુત ગ્રંથમાં આત્મસત્તાની ચેતનાના વિવિધ પાસાઓને અલ્પમતિ-શક્તિ અનુસાર સ્વપર શ્રેયની શુભભાવના વડે, અભ્યાસની દૃષ્ટિએ જે ચિંતવનાઓ આકાર પામી છે તેમાં લેખકે નિર્દોષ આનંદ અનુભવ્યો છે. એમાં સૌ સહભાગી થશો તો તે સદ્ભાવ પ્રત્યે કૃતજ્ઞ છું. પ્રસ્તુત લેખનમાં જે કંઈ ક્ષતિ રહી જવા પામી હોય તે સુધારી લેવા તથા મંતવ્ય કરવા નમ્ર અરજ છે. પ્રસ્તુત પુસ્તકલેખનમાં આબૂ પર્વતની ભૂમિમાં પૂ. શ્રી વિમલાબહેન ઠકારની પ્રેરણા મળતી તે બદલ ઋણી છું.
પ્રથમ આવૃત્તિના લેખન સમયે વર્તમાન પ્રસિદ્ધ ગ્રંથોનો પરિચય ન હતો, તેથી તે ગ્રંથોના આધારે કેટલીક પૂર્તિ કરી છે.
પ્રસ્તુત આવૃત્તિ તેત્રીસમાં વર્ષમાં પ્રવેશ કરે છે તેનો યશ શ્રી ભારતીબહેન, શ્રી કુમુદબહેન, શ્રી ઈલાબહેનને છે. કારણ કે આ આવૃત્તિનો સર્વ સહયોગ તેમણે સ્વીકાર્યો છે. તે માટે તેમનું અભિવાદન કરું છું. આનંદ સુમંગળ પરિવારના સ્વાધ્યાય વર્ગમાં તેઓ થોડા સમયથી જોડાયા છે પરંતુ ખૂબ ઉત્સાહથી તત્ત્વના ગ્રંથોનો અભ્યાસ કરી રહ્યા છે. તેની ફળશ્રુતિ પ્રસ્તુત પુસ્તકનું પ્રકાશન છે.
લી. સુનંદાબહેન વોહોરા