________________
(૩૯૭)
પત્ર ૮૬૬
શ્રી વવાણિયા,ચૈત્ર સુદ ૫, ૧૯૫૫
દ્રવ્યાનુયોગ પરમ ગંભીર અને સૂક્ષ્મ છે, નિગ્રંથપ્રવચનનું રહસ્ય છે, શુક્લ ધ્યાનનું અનન્ય કારણ છે. શુક્લ ધ્યાનથી કેવળજ્ઞાન સમુત્પન્ન થાય છે. મહાભાગ્ય વડે તે દ્રવ્યાનુયોગની પ્રાપ્તિ થાય છે.
દર્શનમોહનો અનુભાગ ઘટવાથી અથવા નાશ પામવાથી, વિષય પ્રત્યે ઉદાસીનતાથી અને મહત્પુરુષના ચરણકમળની ઉપાસનાના બળથી દ્રવ્યાનુયોગ પરિણમે છે.
જેમ જેમ સંયમ વર્ધમાન થાય છે, તેમ તેમ દ્રવ્યાનુયોગ યથાર્થ પરિણમે છે. સંયમની વૃદ્ધિનું કારણ સમ્યક્દર્શનનું નિર્મલત્વ છે, તેનું કારણ પણ ‘દ્રવ્યાનુયોગ’ થાય છે.
સામાન્યપણે દ્રવ્યાનુયોગની યોગ્યતા પામવી દુર્લભ છે. આત્મારામપરિણામી, પરમવીતરાગ-દષ્ટિવંત, પરમઅસંગ એવા મહાત્માપુરુષો તેનાં મુખ્ય પાત્ર છે.
કોઈ મહત્ પુરુષના મનનને અર્થે પંચાસ્તિકાયનું સંક્ષિપ્ત સ્વરૂપ લખ્યું હતું; તે મનન અર્થે આ સાથે મોકલ્યું છે.
હે આર્ય ! દ્રવ્યાનુયોગનું ફળ સર્વ ભાવથી વિરામ પામવારૂપ સંયમ છે.તે આ પુરુષનાં વચન તારા અંતઃકરણમાં તું કોઈ દિવસ શિથિલ કરીશ નહીં. વધારે શું ? સમાધિનું રહસ્ય એ જ છે. સર્વ દુ:ખથી મુક્ત થવાનો અનન્ય
ઉપાય એ જ છે.