________________
(૩૨૭)
એમની ભક્તિ તથા સેવા સિવાય બીજા પ્રકારની ઈચ્છા, શુભ તેમ જ અશુભને દૂર કરવા, સતત પ્રયત્ન આદરવો અને એમાં ફળીભૂત થવા એમ જ ઉપાય છે કે સદ્ગુરુના ચરણમાં ચિત્ત રાખવું. બીજું બધું કરતાં એમનું સ્મરણ ન ચૂકવું. એ ચરણ ઉપાસના અર્થે એમના પુસ્તકનું ભક્તિપૂર્વક વાંચન કરવું અને શ્રીએ આજ્ઞા કરી છે તેમ આત્માર્થે સામાયિક, ચૈત્યવંદન અને દેવવંદન નિયમિત કરી કર્મનો ક્ષય કરવો.
ચિત્તને સદ્ગુરુમાં જોડવા સિવાય બીજી બધી ચિંતાને ત્યાગવી, એમના શરણમાં રહેવાથી હવે આત્માને કોઈ જાતની ચિંતા નથી.
‘મોટાને ઉત્સંગ બેઠાને શી ચિંતા’
(સ્તવન)
માટે આત્માર્થે એટલી ભાવના કરવાનું જરાપણ ન ચૂકવું. પોતાના આત્માને જ હવે તો સંતોષવો. બીજાને સંતોષવા તો ઘણું કર્યું પણ તેથી આત્માને કોઈએ સુખનો બદલો ન આપ્યો, અને કોઈ આપી શકે તેમ નથી.
માત્ર પોતાના કર્મો જે પૂર્વે બાંધ્યાં છે તેના ઉદયને લઈને આ જીવ સુખ, દુ:ખ,માન, અપમાન ભોગવે છે. તે માટે બીજાને દોષ ન દેતાં સમતા ધારણ કરવી અને સર્વનું અંતઃકરણપૂર્વક શુભ ઈચ્છવું. તેમને હિતકારી તેમ જ મધુર અને શાંત વચન સંભળાવવા, તેમ જ શ્રીમદ્ સદ્ગુરુનો અલૌકિક ધર્મને પોતે પામ્યા છે તેને શોભાવી શકશે.
માટે શ્રીની આજ્ઞા મુજબ ‘ખમી ખૂંદવું, જરાં સામો શબ્દ કોઈને ન કહેવો.’ હિત થનાર હોય તેને જ જ્ઞાનીની આજ્ઞા વિચારીને ન છૂટકે કહેવું. સર્વ જીવ સિદ્ધ સમ છે. કોઈ મોટો નાનો નથી. કર્મને આધીન થઈ અનેક સ્વભાવમાં વર્તે છે. અજ્ઞાનથી કર્મબંધન કરે છે તો તેમાં પોતે નિમિત્ત ન બનવા, જેમ બને તેમ, બહુ કાળજી રાખવી, નહીં તો સાથે પોતે બંધાશે અને અનંત દુ:ખ આત્માને પમાડશે.
હવે આ આત્માની દયા ધારી તેને બંધનથી છોડાવવો.