________________
(૨૯૫)
સાચી શ્રદ્ધા
પરમકૃપાળુદેવનું શરણું રાખવું બીજું હે પ્રભુ, આપણે સર્વેએ એટલું લક્ષમાં રાખવાનું છે કે આપણી ઈચ્છાએ, સ્વેચ્છાએ કોઈ સાચા પુરુષને પણ જ્ઞાની છે એમ નિરધારી લઈએ તો પણ કલ્યાણ નથી. તો આ જીવ આ જ્ઞાની, આયે જ્ઞાની એમ માની પ્રેમ વેરી નાખે તો તેનું માનવું સાચું ક્યાંથી હોય? માટે જ “હું કંઈ જાણતો નથી, મારામાં જ્ઞાની અજ્ઞાનીની પરીક્ષા કરવા જેટલી બુદ્ધિ નથી,” એમ દઢ નિશ્ચય કરી, “હે પ્રભુ, સંતના કહેવાથી શ્રીમદ્ સદ્ગુરૂદેવ શ્રી દેવાધિદેવ શ્રીમદ્ રાજચંદ્ર પરમાત્માનું શરણ ગ્રહું છું અને તેના વચન, તેની આજ્ઞા પ્રમાણે મારે વર્તવાના ભાવ કરું છું. આ ભવમાં ઠેઠ મરણ સુધી, આખર પળ સુધી મને તે પરમપુરુષ શ્રીમદ્ રાજચંદ્ર દેવનું શરણ હો. એ સિવાય આ ભવમાં કંઈ ઈચ્છતો નથી”. એ ભાવના, એ પ્રતીતિ, એ શ્રદ્ધા, એ દઢતા કર્તવ્ય છે. ઠાર ઠાર પ્રેમ વેરી નાંખવા યોગ્ય નથી. અસંગ અપ્રતિબંધ માર્ગ કહ્યો છે. આપણને રસ્તો બતાવનારનો પરમ ઉપકાર છે. તેમનો યથાયોગ્ય વિનય કરવો એ કર્તવ્ય છે, પણ નિરંતર હૃદયમાં રાખવા યોગ્ય,
સ્મરણ કરવા યોગ્ય, ભાવવા યોગ્ય, તો તે પરમકૃપાળુદેવ છે. એ દષ્ટિ થયે કલ્યાણ છે. અને તે ભૂલી, બીજે જ્યાં મન, વચન કાયાએ પ્રેમ કરવા આવે પ્રેરાય છે, તે ભૂલાવો છે.માટે નીક ફાટીને ખાડામાં ભરાય તેવો વ્યર્થ પુરુષાર્થ ત્યજી, ક્યારામાં પાણી જાય, આત્માનું કલ્યાણ થાય તે દષ્ટિ કરાવવા પરમ પૂજ્ય પ્રભુશ્રીજીએ જણાવ્યું છે. તે નિરંતર લક્ષ રાખી તે જ દષ્ટિ કર્તવ્ય છે. બીજું બધું હવે ભૂલી જવા જેવું છે. સમજ્યા ત્યાંથી સવાર ગણી તે પરમ પુરુષ પર જેટલો પ્રેમ, ભક્તિભાવ થાય તેટલો ઓછો છે. “તુંહી” “તુંહી” ત્યાં કરવા યોગ્ય છે.