________________
(૨૬૭)
સમજણ એ જ સુખ અણસમજણ એ જ દુઃખ અધમાધમ અધિકો પતિત સકળ જગતમાં હુંય; એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે શુંય ?
આપના પત્રમાં લખેલી હકીકત પૂ. મહારાજશ્રીને વાંચી જણાવી છે. તે વિષે પૂ. મહારાજશ્રીએ કહ્યું તે ઉપરથી નીચેની બોધશિક્ષા તેમના જ શબ્દોમાં લખી જણાવી છે. આત્મકલ્યાણનો લક્ષ રાખી વારંવાર વિચારી, તે પ્રમાણે પ્રવર્તવાનો પુરુષાર્થ કરશો તો સુખી થશો અને સારી ગતિ થશે. તેમાં લખેલી સવિગત હકીકત જાણી જણાવી છે. તે વિષે પૂ. મહારાજશ્રીએ કહ્યું તે લખી જણાવું છું તે હૃદયમાં કોતરી રાખશો, ભૂલશો નહિ.
મહાત્મા જ્ઞાની કૃપાળુદેવનો બોધ હોય તે સાંભળી તે શિખામણ લક્ષમાં રાખે તો કર્મ ન બંધાય એમ જ્ઞાનીઓની શિખામણ છે, તે ધ્યાનમાં લેવી ઘટે છેજી. બીજું ભાઈ આપ ડાહ્યા છો તો આપને અકળાવવું, મુંઝાવું કે ગભરાવું ના થવું જોઈએ. જે શાતા અશાતા આવે તથા બાંધેલા કર્મથી જે ઉદય આવે તે બધું સમભાવે સહન કરવું કર્તવ્ય છે. જીવે પૂર્વે કર્મ બાંધ્યાં છે તે ઉદય આવે છે. ઋણ સંબંધે સગાંવહાલાં મળી આવ્યા છે. તે ભોગવતાં સમભાવે સહન કરવું. સમતા, ક્ષમા, ધીરજ કરવી અને બધું ખમી ખૂંદવું. જે કર્મ ઉદયમાં આવે છે તે ભોગવીને તેથી છૂટાય છે. તેમાં હર્ષ શોક ન કરવો. સમભાવે સહન કરવું એ તપ છે. તેથી અકળાઈ જઈ, ગભરાઈ જઈ, ખોટી ચિંતવણા કરવી નહીં, જે અહીંથી જતો રહું, છૂટી જાઉ, મરી જાઉં એવો કોઈ સંકલ્પ કરવો નહિ. એમ જો જીવ કરે તો કર્મ બાંધે અને કર્મ તો ગમે ત્યાં બાંધ્યાં પ્રમાણે ભોગવવાં પડશે. પણ સમભાવે તે ખમવાં. અકળાઈને ક્યાં આકાશમાં ચઢી જશો ? જ્યાં જશો ત્યાં કર્મ બે ડગલાં આગળને આગળ જ છે. માટે સમતાએ સહન કરવાં. આપણને કોઈ દુઃખ આપે, અભાવ કરે, અપમાન કરે, તો તેનો ખરો ઉપકાર ગણવો. આપણે બાંધેલા કર્મ છોડાવવામાં તે મદદ કરે છે. તે વિના છૂટાત નહીં એમ સવળું લેવું. આથી વધારે દુ:ખ ભલે આવે તો પણ ગભરાવું નહિં. જીવે નરકમાં દુ:ખ વેઠયાં છે. તેના હિસાબમાં અહીં તો શું છે ? ફક્ત અંતરાય તૂટયો નથી. તેથી દુ:ખ