________________
(૨૬૦)
કલ્પના ટાળવાનો ઉપાય
બીજું એક સમ્યક્ત્તાનની ભાવના કર્તવ્ય છે. અનંતકાળથી જીવ અનંત દોષ કરતો આવ્યો છે, પરંતુ જો આ ભવમાં સર્વ દોષો ટાળવાના હથિયારસનું સમકિત પ્રાપ્ત થાય તો આ કાળમાં મોક્ષ પામવા સમાન છે. જીવને પોતાની કલ્પના કોઈને કોઈ રૂપમાં આડી આવે છે તે ટાળવા પ.ઉ.પ.પૂ.શ્રી પ્રભુશ્રીજી વારંવાર ઉપદેશ કરે છે અને જણાવે છે કે “એક પ.કૃ.દેવ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુને ગુરુ માનો. તે મહાઅવલંબનરૂપ છે. સફરી જહાજ છે. અમે તેને ભજીએ છીએ. અને એ નિર્ભય રસ્તો શોધી તેનું અવલંબન લઈ નિઃશંક સત્ય માનવા જણાવીએ છીએ. એ એક જ દૃષ્ટિ કર્તવ્ય છે. તેમાં પોતાની કલ્પના ઉમેરી કોઈ અમને, ફ્લાણાને કે ગમે તે બીજા ઉપાસકને ઉપાસ્યરૂપ માનશે તો તેના સ્વચ્છંદથી માનવાનું ફળ તેવું આવવા યોગ્ય છે. કોઈ વાત કરનારને વળગી ન પડવું. તે જેમ જણાવે, આજ્ઞા કરે તે પ્રમાણે જો આપના ભાવ ફરે તો ‘વાળ્યો વળે જેમ હેમ' એવી દશા આવતાં જીવની યોગ્યતા વધશે. નુરભાઈ પીરભાઈ કરીને જેમણે મતિકલ્પના ઊભી રાખી છે તે હજી સ્વચ્છંદ વેદે છે. એક પ.કૃ.દેવની ભક્તિ પરમ પ્રેમે કર્તવ્ય છે; તેમાં સર્વ જ્ઞાનીઓ આવી ગયા, સર્વ જ્ઞાનીઓના ઉપાસક મહાપુરુષો આવી ગયા. પોતે પણ પડી રહેતો નથી.’’ આપને આ વિષે જણાવવા સૂચના થવાથી લખ્યું છે. આપે અનેકવાર સાંભળ્યું હશે તો પણ વિશેષ વિચારવા જણાવેલું છે, તે લક્ષમાં રાખી સત્પુરુષની દૃષ્ટિએ ભાવના ભક્તિ કર્તવ્ય છે. વિશેષ શું લખવું ? “આણાએ ધમ્મો આણાએ તવ્યો.’’ આજ્ઞાનું આરાધન એ જ ધર્મ, આજ્ઞાનું આરાધન એ જ તપ. હે ભગવાન્, હવે ભૂલ રહે નહિ. અલ્પ સાધન બને તો અલ્પ પણ યથાર્થ થાય એ જ ભાવ નિરંતર રાખવા યોગ્ય છે. પોતાના દોષ જોઈ તેનો પશ્ચાતાપ કરી તે દૂર કરી સદ્ગુરુશરણે જે થાય તે જોયા કરવા યોગ્ય છે.
હું મારું હૃદયથી ટાળ, પરમારથમાં પીંડજ ગાળ; હરખ શોક મનનો ધર્મ, તું પોતે પરિબ્રહ્મ.
*