________________
(૨૫૬)
આ કઠીણ કલિકાળમાં સમ્યક્દર્શન પામવું તે મોક્ષ પામવા તુલ્ય પ.કૃ.દેવે કહ્યું છે તથા વિશેષમાં એ પણ જણાવ્યું છે કે, જે જીવ ચોથા ગુણસ્થાનકે આવે તેને આત્માની પ્રતીતિ ગણધર જેવી હોય તો એ સમ્યક્દર્શનનું બળ કેટલું છે તે ઉપરથી સમજાય તેમ છે. માત્ર પ્રારબ્ધકર્મ જ તેની અને મોક્ષની વચમાં ઊભું છે. તે દૂર થયે સમકિતી જીવનો અવશ્ય મોક્ષ થનાર છે.
એવા મહાભાગ્યવંત સમકિતી જીવોને વારંવાર નમસ્કાર હો ! ‘‘આણાએ ધમ્મો આણ્ણાએ તવ્યો’’ એમ શ્રી ભગવંતે જણાવ્યું છે. ત્યાં ધર્મ અને તપને ગૌણ કરી આજ્ઞાને મુખ્ય કરી છે, કારણ કે પુરુષાર્થને સત્પુરુષાર્થ કરનાર આજ્ઞા જ છે. તેમાં પણ પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞાને મોક્ષનું કારણ ગણી છે. શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ પરોક્ષ છે અને તે જીવને અધિકારી થવા માટે કહી છે. મોક્ષ થવા માટે પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા જોઈએ.
આ જ મોક્ષનું દ્વાર છે.
એ વિનાનો જીવે જેટલો પુરુષાર્થ કર્યો તે સંસારાર્થે થયો છે અને એ સંસારદાવાનળમાંથી બચવા જ્ઞાની પુરુષો કરૂણા લાવી જીવોને (૧) બોધ આપી જાગૃત કરે છે, (૨) આજ્ઞા પ્રત્યે રુચિ ઉત્પન્ન કરાવે છે, (૩) જ્ઞાની પ્રત્યે પૂજ્ય બુદ્ધિ ઉત્પન્ન કરાવે છે.
જ્ઞાની પુરુષની અલ્પ પણ આજ્ઞા આરાધતાં જીવનું અનંત કોટિ કલ્યાણ છે. સંસારની સમૃદ્ધિ તો સ્વપ્ન સમાન છે. પણ આજ્ઞારૂપી સત્પુરુષની પ્રસાદી મોક્ષે પહોંચાડયા વિના મૂકે તેવી નથી.
સારા બીજને જમીન અને પાણીનો યોગ થતાં તે ઊગી નીકળે છે તેમ સત્પુરુષે બોધબીજ વાવ્યું હોય તેને આજ્ઞા ઉઠાવવારૂપી પુરુષાર્થ અને સત્સંગરૂપ પાણીનું પોષણ મળે તો અવશ્ય આત્મકલ્યાણરૂપ ફણગો ફુટી નીકળે એ સ્વાભાવિક છેજી.
સત્સંગ, વૈરાગ્ય, આત્મવિચાર વિગેરે જે જે આત્મકલ્યાણનાં નિમિત્તોની જરૂર છે એ આપણે સર્વેએ પ્રાપ્ત કર્યે જ છૂટકો છેજી.