________________
(૧૦૪)
મનુષ્ય દેહની દુર્લભતા
અને
સફળ બનાવવાનો યથાસંભવ ઉપાય
પત્ર ૬૯૨
દુર્લભ એવો મનુષ્યદેહ પણ પૂર્વે અનંતવાર પ્રાપ્ત થયા છતાં કંઈ પણ સફળપણું થયું નહીં; પણ આ મનુષ્યદેહને કૃતાર્થતા છે, કે જે મનુષ્યદેહે આ જીવે જ્ઞાનીપુરુષને ઓળખ્યા, તથા તે મહાભાગ્યનો આશ્રય કર્યો. જે પુરુષના આશ્રયે અનેક પ્રકારના મિથ્યા આગ્રહાદિની મંદતા થઈ, તે પુરુષને આશ્રયે આ દેહ છૂટે એ જ સાર્થક છે. જન્મજરામરણાદિનો નાશ કરવાવાળું આત્મજ્ઞાન જેમને વિષે વર્તે છે, તે પુરુષનો આશ્રય જ જીવને જન્મજરામરણાદિનો નાશ કરી શકે કેમકે તે યથાસંભવ ઉપાય છે. સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ હશે તે વ્યતીત થયે તે દેહનો પ્રસંગ નિવૃત્ત થશે. તેનો ગમે ત્યારે વિયોગ નિશ્ચયે છે. પણ આશ્રયપૂર્વક દેહ છૂટે એ જ જન્મ સાર્થક છે, કે જે આશ્રયને પામીને જીવ તે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે.
(૨) તમે તથા શ્રી મુનિ પ્રસંગોપાત ખુશાલદાસ પ્રત્યે જવાનું રાખશો. બ્રહ્મચર્ય, અપરિગ્રહાદિ યથાશક્તિ ધારવાની તેમને સંભાવના દેખાય તો મુનિએ તેમ કરવામાં પ્રતિબંધ નથી.
* (૩) શ્રી સદ્ગુરુએ કહ્યો છે એવા નિગ્રંથ માર્ગનો સદાય આશ્રય રહો. હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ, સ્ત્રી, પુત્રાદિ કોઈ પણ મારાં નથી; શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય.
* આત્મભાવનારૂપ આરાધના મંત્ર.