________________
૩૭૬
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
હોય. કારણ સર્વજ્ઞ તો કોને કહેવાય, એનો આપને દાખલો આપું. અહીંથી એક માણસ કહેશે, હું અમદાવાદ જઉ છું. એવું કહીને આપણે અહીંથી ઊઠ્યો. પછી આપણને બીજો કોઈ પૂછે કે પેલા ભઈ ક્યાં ગયા ? ત્યારે કહીએ, એ તો અમદાવાદ ગયા. આપણે ત્યાં વ્યવહાર આવી છે. હવે ખરી રીતે તો હજુ દાદરના સ્ટેશનેય નથી પહોંચેલા, તોય આપણા લોક કહે છે કે અમદાવાદ ગયા. એને શાથી એમ કહે છે ? એ ખોટું કહે છે ? ત્યારે કહે, ના. એય ખોટું નથી કહેતો, પણ વાત કરેક્ટ છે. ત્યારે કહે, શી રીતે કરેક્ટ છે ? તો કહે, એણે કારણ તો સેવવા માંડ્યા છે એટલે કાર્ય થવાનું જ છે. કાલે થશે પણ થઈ જવાનું છે. એટલે આપણા લોક ખોટાય નથીને ! એ ખોટું નથી. એનાં કારણ સેવવા માંડ્યા માટે એ કાર્ય થશે. એટલે પોતે કારણ સર્વજ્ઞ કેમ કહેવાય છે કે સર્વજ્ઞ થવાના કારણો સેવવા માંડ્યા છે માટે એ સર્વજ્ઞ થશે. ખરેખર સર્વજ્ઞ નથી આજે. જ્ઞાની પુરુષ કારણ સર્વજ્ઞ, દાદા ભગવાન કાર્ય સર્વજ્ઞ
પ્રશ્નકર્તા: આપના પુસ્તકમાં આપના માટે સર્વજ્ઞ શબ્દનો પ્રયોગ કરેલો છે. હવે અમારી સમજે જ્યારે પૂર્ણ કેવળજ્ઞાની હોય તો જ સર્વજ્ઞ કહેવાય. અત્યારે આ કાળમાં સર્વશની એટલે પૂર્ણ કેવળજ્ઞાનીની હસ્તી અત્યારે હોઈ શકે નહીં. તો કયા શબ્દ ભાવમાં આનો પ્રયોગ કર્યો છે ?
દાદાશ્રી : મારા માટે નથી લખ્યો, હું તો જ્ઞાની છું. આ કાળમાં સર્વજ્ઞનો જન્મ થતો નથી. પણ આપણે જે સર્વજ્ઞ લખ્યું છે એ દાદા ભગવાનને માટે સર્વજ્ઞ લખ્યું છે, એ સર્વજ્ઞ છે અને અમે (જ્ઞાની) કારણ સર્વજ્ઞ છીએ.
ભગવાને બે પ્રકાર કહ્યા; કાર્ય સર્વજ્ઞ અને કારણ સર્વજ્ઞ. જે કારણો સેવી રહ્યા હોય તે થવાના જ છે, થોડા વખત પછી. કોઈ કોઈ એવા કારણથી જ સર્વજ્ઞ થવામાં સહેજ કચાશ રહેલી છે, પણ કારણ સર્વજ્ઞ, સર્વજ્ઞ થવાના કારણો તો નિરંતર સેવ્યા જ કરે છે. અને કાર્ય સર્વજ્ઞ એટલે સંપૂર્ણ કેવળજ્ઞાન, કંઈ બાકી ના રહે. ત્રણસો સાંઈઠ ડિગ્રી હોય, ત્યારે સર્વજ્ઞ કહેવાય. આ તો અમને ત્રણસો છપ્પન ડિગ્રી છે, ચાર ડિગ્રી ઓછી,