________________
(૩.૧) પાવર ચેતનનું સ્વરૂપ
૮૯
હાજરીથી થાય કાર્યો, છતાં આત્મા રહ્યો અક્રિય
પ્રશ્નકર્તા : ચેતન જો કંઈ કરી ન શકે તો એને ચેતન કેમ કહી શકાય ?
દાદાશ્રી : ચેતન તો ખરું જ, ચેતન વગર તો કામ થાય જ નહીં ને! આ તો એવું છે, આત્મા આ શરીરમાં હોય તો જ તમે જીવી શકો અને તો જ તમે આ બધું કાર્ય કરી શકો. આત્મા કશું કરતો નથી, હાજરી જ ફક્ત. આ આત્માની હાજરીથી અંદર બધાં કામો થાય છે. ઉપદેશ આપી શકાય, બધું આપી શકાય પણ આત્મા આપતો નથી. આત્માની હાજરીથી થાય છે આ.
જેમ આ સૂર્યને લઈને આપણે કોઈ પણ જાતનો અહીં આગળ પાવર ઊભો કરીએ, તેથી કંઈ સૂર્ય પાવર નથી આપતો આપણને અને સૂર્ય આમાં હાથ ઘાલતોય નથી. અને એ પાવરથી આપણે અહીં જમણ બનાવીએ, ન્હાવા-ધોવાનું ગરમ પાણી બનાવીએ ને બધું બનાવીએ તો એમાં સૂર્યને કશું લેવાદેવા નથી. એની હાજરીથી બધું થાય છે. એવું આત્માની હાજરીથી આ બધું થઈ રહ્યું છે. આત્મા પોતે કર્તા નથી. પોતે અક્રિય છે. કંઈ પણ કરી શકે નહીં એનું નામ ચેતન. કંઈ પણ કરવું હોય તોય કરી શકે નહીં અને કરવું હોય તો એને આ પાવર ચેતનથી પૂતળું બને તો કરાય એ, નહીં તો થાય જ નહીં.
આ તો બહુ ઊંડી વાતો છે. અમે તો લોકોને એટલું કહી દીધું કે માણસમાં જ્યાં ચેતન માને છે ત્યાં ચેતન નથી ને ચેતન જાણતા નથી તે જગ્યાએ ચેતન છે ને ચેતન તો ખુદ પરમાત્મા છે. ચેતન છે તે અચેતન કોઈ દહાડો થાય નહીં ને અચેતન છે તે ચેતન કોઈ દહાડો ના થાય.
પ્રશ્નકર્તા ઃ તો આટલી બધી ક્રિયા બને, આમાં આત્મા કરે છે શું ?
દાદાશ્રી : બધી ક્રિયાનો આત્મા જ્ઞાતા-દ્રષ્ટા જ છે, જ્ઞાતા-દ્રષ્ટાપરમાનંદી છે. ક્રિયાશક્તિ એનામાં નથી અને લોક આરોપ કરે કે એણે જ કર્યું. પણ આત્મામાં ક્રિયાશક્તિ જ નથી, જ્ઞાતા-દ્રષ્ટા શક્તિ જ છે. બીજી કર્તા શક્તિ જ નથી એનામાં. કર્તા શક્તિ જડમાં છે. એ આ લોકોને શી રીતે સમજાય ?