________________
નીચે કાણું પાડીને જુએ તો પગ દેખાય આમ લૂ પોઈન્ટવાળાને મૂળ વસ્તુનું ખંડ-ખંડ દર્શન ઊભું થાય છે. છતાં મૂળ વસ્તુ અખંડ છે પણ સમજાવતી વખતે, વાક્યો બોલતી વખતે જુદી વાત નીકળે અને સમજનારનેય પાછા આવરણ હોય, તે સમજે જુદી રીતે.
એટલે આ તો મૂળ સિદ્ધાંત સમજાવો ઘણો અઘરો છે છતાં કારુણ્ય ભાવથી, કૃપાથી દાદાશ્રી શબ્દો દ્વારા સમજાવી શકે છે.
બીજી એક સ્પષ્ટતા કરવાની રહી કે જેમણે બીજી બધી આપ્તવાણીઓનો અભ્યાસ કર્યો હોય તેમને આ આપ્તવાણી વાંચતા એવું લાગશે કે અત્યાર સુધીના આપ્તવાણીના અભ્યાસથી જે તારણ નીકળેલું, તે આ આપ્તવાણીમાં કેમ જુદું પડે છે ? જ્ઞાનીની વાણીમાં વિરોધાભાસ તો ના હોય તો આપ્તવાણીમાં જુદું જુદું કેમ તારણ આપ્યું છે ? દાખલા તરીકે પહેલાની આપ્તવાણીમાં વાંચ્યું હશે કે પ્રતિષ્ઠિત આત્મા’ જ જગતનું અધિષ્ઠાન છે અને તે જ નવા કર્મ બાંધે છે અને આ આપ્તવાણીમાં વાંચશું તો દાદા કહે છે ખરેખર તો જ્ઞાન મળ્યા પછી જે બાકી રહ્યું તે પ્રતિષ્ઠિત આત્મા’ અને અજ્ઞાનમાં જે કર્મ બાંધે છે “પ્રતિષ્ઠિત આત્મા’ નહીં પણ “વ્યવહાર આત્મા” તો આ દેખીતો જે વિરોધાભાસ લાગે પણ ખરેખર જ્ઞાનીનો અંતર આશય સમજાય તો તેમ નથી જ.
જ્યાં સુધી પોતાને આત્માનો અનુભવ થયો નથી ત્યાં સુધી પોતે અજ્ઞાની છે. એટલે અજ્ઞાન દશામાં ડિસ્ચાર્જ કર્મોમાં એકાકારપણે જ વર્તે છે અર્થાત્ પોતે દેહ રૂપે જ વર્તે છે, નામ રૂપે વર્તે છે, અહંકાર રૂપે વર્તે છે. ડિસ્ચાર્જ પરિણામ પોતે જ છે, પોતે જ કરી રહ્યો છે, એમ વર્તે છે. વર્તન અને શ્રદ્ધા એકપણે વર્તે છે. જેમ વાણી એ ડિસ્ચાર્જ છે અને “હું બોલ્યો' એ માન્યતા, એમાં એકાકાર જ, તન્મયાકારપણે વર્તે છે. એટલે ઘણી વખત મુમુક્ષુને વાત સમજાવવા માટે આત્માની ઊંડાણની હકીકતનો વિગતવાર ફોડ પાડવાને બદલે દાદાશ્રી પ્રતિષ્ઠિત આત્મા જ કર્મ બાંધે છે એમ કહે છે. કારણ કે અજ્ઞાની પોતે ડિસ્ચાર્જ થતા પ્રતિષ્ઠિત આત્મામાં જ વર્તે છે. એટલે તન્મયાકાર થવાથી ઑટોમેટિક ચાર્જ થયા જ કરે છે.