________________
())))))))))))))))))))))))
સંશોધન તપ
જૈન સાહિત્ય સંશોધન ક્ષેત્રે ડૉ. ભાનુબેનનો આ પાંચમો ગ્રંથ છે. માન-સન્માન કે અન્ય કોઈ પ્રકારની અપેક્ષા વિના એક ગૃહિણી શ્રાવિકા આવી જ્ઞાન સાધના અને આવી શ્રુત સેવા સતત કરતા રહે એ એમના માટે પુણ્યોદય અને શુભ કર્મનું નિર્માણ હશે, પણ જૈન શાસનની એ ઉત્તમ સેવા છે. ઉપરાંત અન્ય ગૃહિણી શ્રાવિકા માટે પ્રેરકબળ છે.
જૈન કથા સાહિત્ય સાગર જેટલું વિશાળ અને ગહન છે. આ સાહિત્યના ચયન અને મંથનમાંથી જ્ઞાનના મોતી સાંપડે છે. ભાનુબેને અહીં જે વિષય પસંદ કર્યો છે એ છે ‘કયવન્ના રાસમાળા', જૈન સાહિત્યમાં જેમ ‘શ્રીપાળ-મયણા રાસ' આદિ પ્રચલિત છે એટલી જ પ્રચલિત આ કયવન્ના કથા છે. આ બે કથા વચ્ચે ઘટનાનું સામ્ય પણ છે. એટલે એ વિશેષ ખ્યાતિ પ્રાપ્ત છે. આ કથાનો નાયક કૃતપુણ્ય છે, એટલે જે પૂર્વજન્મના પુણ્ય લઈને જન્મ્યો છે.
આ કથાના પ્રયોજન વિશે આ સંશોધિકા કહે છે - ‘“કૃતપુણ્ય કથાનકના રચયિતા મધ્યકાલીન કવિઓનો કથા પ્રયોજનનો હેતુ એક સમાન છે. જિનેશ્વરપ્રરૂપિત દાન, શીલ, તપ અને ભાવ આ ચાર પ્રકારના ધર્મમાંથી દાનધર્મનું માહાત્મ્ય દર્શાવવા કવિઓએ પોતાના કાવ્યમાં કથાવસ્તુ તરીકે કૃતપુણ્યનું ચરિત્ર ગૂંટ્યું છે.’’
આ શબ્દોથી વિશેષ એ સ્પષ્ટ થાય છે કે આ કથાનાયકે પોતાની કથા માટે ઘણાં કવિઓને આકર્ષ્યા છે. સંશોધક ભાનુબેને આ બધી જ રચનાઓ પાસે જઈ એનો તુલનાત્મક અભ્યાસ કરી ભગીરથ મહાભારત કાર્ય કર્યુંછે.
આ બધી કથાઓની મૂળ હસ્તપ્રત વાંચવી, ઉકેલવી અને એના સ્વરૂપનો એટલે કે પદ્યગધ-રાસ-સજ્ઝાય આદિનો અભ્યાસ કરવો, એના તારણો કાઢવા, આટલો બધો શ્રમ અને પરિશીલન બહેન ભાનુબેને કર્યો એ એક મહાન તપ છે.
છ પ્રકરણ, પરિશિષ્ટ અને સંદર્ભ ગ્રંથ સૂચિથી છવાયેલો આ ગ્રંથ વાચકને કથા આનંદ, ભિન્ન ભિન્ન કથા રસનો વિહાર તો કરાવે જ પણ ઉપરાંત જૈનધર્મના તત્ત્વજ્ઞાનનો પરિચય કરાવી વાચકને ઉર્ધ્વલોકમાં લઈ જઈ મોક્ષ પ્રાપ્તિનો પંથ દર્શાવે છે.
શ્રુતપૂજા એ જિનપૂજા છે.
ભાનુબેને આ જિનપૂજા કરી છે. આ ગ્રંથ વાંચતા લેખિકાની તપોમય આંતર સૃષ્ટિના આપણને દર્શન થાય છે. વાસ્તવિક જીવનમાં તપ હોય તો જ આવી શ્રુતપૂજાના મનોરથ અને ભાવ
જાગે.
કૌટુંબિક જીવનની વ્યસ્તતા અને ફરજો વચ્ચે આવા સંશોધન તપની અનુકૂળતા કરી આપવા માટે ભાનુબેનનો પરિવાર યશનો અધિકારી છે. આપણે સર્વે આ મનોરથને વંદન કરીએ અને હજી વધુ આવા ગ્રંથોની ભાનુબેન પાસે આશા રાખીએ.
ધન્યવાદ!
તા. ૨૪.૦૫.૨૦૧૫
ડૉ. ધનવંત શાહ drdtshah@hotmail.com
()))))))))))))))))))