________________
૫૮૫
સંદેશો મોકલાવ્યો કે, ‘‘શતાનીક! મૃગાવતી રાણી આપી દો. આ સ્ત્રીરત્ન મારા ભાગ્યનું છે. અન્યથા યુદ્ધમાં સર્વસ્વ ગુમાવશો.’’
લોહબંધ દૂત અવંતી (ઉજ્જયિની) આવ્યો. તેણે શતાનીક રાજાને સંદેશો આપ્યો. શતાનીક રાજાએ દૂતનો તિરસ્કાર કર્યો. તેને ધકેલી મૂક્યો અને ‘દાસીપતિ’નું બુરુદ આપ્યું. ચંડપ્રધોતન રાજા ઉકળી ઉઠયો. તેણે કૌશંબી નગરીની ચારે બાજુ પડાવ નાંખ્યો. બન્ને રાજાઓ વચ્ચે યુદ્ધ થયું. શતાનીક રાજાનું મૃત્યુ થયું. મૃગાવતી રાણી હવે શીલરક્ષાના ઉપાય વિચારવા લાગી.
તેણે વિશ્વાસુ દાસીને ચંડપ્રધોતન રાજા પાસે મોકલી. દાસીએ રાણીની આજ્ઞા મુજબ કહ્યું, ‘‘રાજન્! મૃગાવતીરાણી આપને ખૂબ પ્રેમ કરે છે. તે આપની રાણી જ છે. ઉદાયન કુમાર હજુ બાળકુંવર છે. બળવાન શત્રુઓ આક્રમણ કરી નગરીને કબજો કરી લેશે. તેથી તમારું જ શરણું છે. તમે મહારાણીના લઘુવયના પુત્રની શત્રુઓથી રક્ષા કરો.’’ રાણીનો સંદેશો સાંભળી ચંડપ્રધોતન રાજા ખુશ થઈ ગયો. કામાંધ ચંડકૌશિક રાજાએ પૂછાવ્યું કે, ‘પુત્રની રક્ષા કઈ રીતે કરું?' મૃગાવતી રાણીએ દાસી મારફતે કહેડાવ્યું કે, ‘‘અવંતી નગરીમાં પાકી ઈંટો છે તે મંગાવો તે ઈંટો વડે કૌશંબી નગરીની ચારે બાજુ મજબૂત કિલ્લો બનાવો. આ કાર્ય પૂર્ણ થતાં જ હું મારું સર્વસ્વ તમને સોંપીશ.''
મૃગાવતી રાણીના સહવાસને ઈચ્છતા ચંડપ્રધોતન રાજાએ સત્વરે લશ્કર દ્વારા ઈંટો મંગાવી. મૂર્ખ ચંડપ્રધોતન રાજાએ પાકી ઈંટો મેળવવા અવંતી નગરીનો કિલ્લો જ તોડી નાંખ્યો. ચૌદ ગામના રાજાઓના
લશ્કરને એક શ્રેણિમાં પંક્તિબદ્ધ ઊભા રાખી આ ઈંટો પહોંચાડવાનું કાર્ય પૂર્ણ કર્યું. આ લશ્કરે એક હાથમાંથી બીજા હાથમાં ઈંટ આપી, કૌશંબી નગરીમાં મંગાવી. અલ્પ સમયમાં કૌશંબી નગરીને ફરતો કિલ્લો તૈયાર થઈ ગયો. આ કિલ્લામાં તોપ, શત્રુઓ પર ફેંકવાના પથ્થર, યંત્રો રાખવાની વ્યવસ્થા કરવામાં આવી. આ કિલ્લાને ફરતી સુરક્ષા માટે ખાઈ ખોદવામાં આવી. મૃગાવતી રાણીના કહેવાથી ઘણા સમય સુધી ચાલે તેટલું ધન-ધાન્ય, ઇંધનાદિ કૌશંબી નગરીમાં ચંડપ્રધોતન રાજાએ ભરાવ્યું. રે! વિષયાંધ વ્યક્તિઓ સ્ત્રીઓનાં કહેલાં સર્વ કાર્યો કરે છે.
ચંડપ્રધોતન રાજા મૃગાવતી રાણી પાસે આવ્યો. તેણે કહ્યું, ‘‘દેવી ! મેં તમે કહેલા સર્વ કાર્યો પૂર્ણ કર્યાં છે. હવે તમે મારી માંગણી પૂર્ણ કરો.’' ચંડપ્રધોતન રાજાના વચનો સાંભળી મૃગાવતી રાણીએ કહ્યું, ‘‘રાજન્! પ્રજાપાલક રાજા અન્યાયને રોકે છે, સ્વયં આનાચાર નથી કરતા. પરસ્ત્રીનો સંગ કરનાર આ લોકમાં પ્રતિષ્ઠા ગુમાવી નિંદાપાત્ર બને છે અને પરલોકમાં દુર્ગતિ મેળવે છે. હે નરપતિ! સતી સ્ત્રીઓના શીલભંગ જેવા દુષ્કૃત્યો કરતાં તત્ત્વજ્ઞાનનો વિચાર કરો.''
ચંડપ્રધોતન રાજાને પારાવાર પસ્તાવો થયો. મૃગાવતી રાણી દ્વારા તે છેતરાયો. દેશ-પરદેશમાં તે ઘણો અપમાનિત થયો તેમજ વગોવાયો.
અભયકુમાર ગણિકાથી છેતરાયા
ઉજ્જયિની નરેશ ચંડપ્રધોતન રાજાએ પોતાના સાઢુભાઈ શ્રેણિકરાજાને દૂત મારફત કહેડાવ્યું કે, ‘તમારું કલ્યાણ ઈચ્છતા હો તો અનુપમ વંકચૂડ હાર, સેચનક હાથી, અભયકુમાર અને ચેલ્લણાને વિના વિલંબે મોકલી આપો.’ આ સાંભળી શ્રેણિક રાજાનો પારો સાતમા આસમાને પહોંચ્યો. તેમણે તરત જ દૂત દ્વારા કહેડાવ્યું કે ‘જો તમે તમારી કુશળતા ઈચ્છતા હો તો અગ્નિરથ, અનિલગિરિ હાથી, વજ્રબંધ દૂત અને શિવાદેવી રાણી શીઘ્રાતિશીઘ્ર મોકલી આપો. આ સમાચાર સાંભળી બદલો લેવા ચંડપ્રધોતન રાજાએ મોટી