________________
૩૫
વ્યૂહરચનામાં સફળ બન્યા. વીરદત્તના પ્રશ્ન પર પડદો નાખી દેવા શેઠે નગરજનો અને કુટુંબીજનોની સમક્ષ કુળદેવીની માયાજાળ બિછાવતાં કહ્યું,
‘‘કુળદેવીએ મને જણાવ્યું તે ખૂબ જ આશ્ચર્યકારી છે. દેવીએ કહ્યું કે, જન્મતાની સાથે અપહૃત થયેલું તમારું બાળક તો ક્યારનું સ્વર્ગવાસી થયું છે. તમારા હિત માટે મેં બીજા જ કોઈને ‘વીરદત્ત' ખતવી આટલા દિવસ અહીં રાખ્યો હતો. બાર વર્ષ દરમિયાન ‘વીરદત્ત' દ્વારા જે કાર્ય કરાવવાનું હતું તે કરાવી લીધા બાદ મેં જ તેને ભાગી જવા માટે વિવશ કર્યો છે. તેની ચિંતા કરશો નહીં. પુન: આનંદથી જીવન જીવો.’’
કુળદેવીની વાત જાહેર કરતાં સ્વજનો અને લોકો શાંત થઈ ગયા. શેઠ મૂછ પર તાવ દેતા મનોમન ખુશ થવા લાગ્યા. નાટક આબાદ ભજવાઈ ગયું અને વારસદારની પ્રાપ્તિ પણ થઈ ગઈ! ખરેખર! સાગરનો તાગ મેળવી શકાય, આકાશની અમાપતાને પણ અંદાજી શકાય પરંતુ કપટી મનુષ્યોના અસલ સ્વરૂપને ઓળખવું અતિ દુઃષ્કરછે!
બીજી બાજુ ધન્યાને અચાનક મહેલના ભોંયરામાંથી સુવર્ણનિધિ મળ્યો. હજાર સોનામહોરો કૃતપુણ્યને અપાઈ ગઈ હતી. અણીના અવસરે સુવર્ણનિધિ પ્રાપ્ત થતાં ધન્યાની ચિંતા દૂર થઈ ગઈ. તેનું જીવન પલટાઈ ગયું. ધન્યાએ પ્રતાપી પુત્રને જન્મ આપ્યો. ગર્ભસ્થ કાળમાં ધન્યાએ પુણ્ય કાર્યો કરવાના મનોરથ જાગ્યા તેથી તે બાળકનું નામ ‘‘પુણ્યનિધિ’ રાખ્યું. ધન્યા પુત્રને ઉછેરવામાં ખોવાઈ ગઈ. પુણ્યનિધિના હસતા મુખને જોઈ ધન્યાને કૃતપુણ્યના વિયોગમાં આશ્વાસન મળવા લાગ્યું. દિવસો, મહિના અને વર્ષો પસાર થઈ ગયા. બાર બાર વર્ષનો સમય વીતવા છતાં, કૃતપુણ્ય તરફથી કોઈ પત્ર-સંદેશો ન મળ્યો. એક દિવસ ધન્યાને આશાપ્રદ સમાચાર સાંભળવા મળ્યા.‘ધનપતિ સાર્થવાહ રાજગૃહી નગરીમાં બાર વર્ષે પાછો આવી રહ્યો છે.’ આ સમાચાર સાંભળી ધન્યાનું મન નાચી ઉઠયું. ‘સાર્થવાહ સાથે પતિદેવ પણ કમાણી કરી પાછા ફરશે,’ એ વિચારે ધન્યા રોમાંચિત બની ઉઠી. ધન્યા આખી રાત પડખા ઘસતી રહી. એણે ઊંઘનું મટકુંયે ન માર્યું.
ધન્યા વહેલી પ્રભાતનો ઝાંખોપાંખો ઉજાસ થતાં જ સાર્થવાહના પડાવે પહોંચી ગઈ. આશાભરી આંખે આમતેમ જોવા લાગી. ત્યાં જ ખાટલા પર સૂતેલા કૃતપુણ્યના દર્શન થતાં તેનું મન મયૂર નાચી ઉઠ્યું. ધન્યા વિસ્મયભરી નજરે કૃતપુણ્યને જોઈ રહી.
સૂર્યદેવનું આગમન થતાં કૃતપુણ્યની આંખો ઉઘડી. પ્રભાતના સમયે કૃતપુણ્ય વિસ્મય અનુભવી રહ્યો હતો. આંખ ખુલતાં જ જુદું જ દૃશ્ય નજરે પડ્યું હતું. ધન્યાને જોઈ તેને વધુ આશ્ચર્ય લાગ્યું. તેને ક્ષણવારમાં સમજાઈ ગયું કે, ‘ધનદેવ શેઠ અને શેઠાણીએ મને ભ્રમમાંથી બેવકુફ બનાવવાનો બાલિશ પ્રયાસ કર્યો. ઋદ્ધિ-સિદ્ધિ પચાવી ન પાડે તે શંકાથી જ શેઠે મને છૂટો કર્યો છે.’ ૧. કૃતપુણ્યના પુત્રનું નામ ધન્યાએ ‘સુદર્શન’ રાખ્યું. (કયવન્ના શેઠ, લે. વિમલકુમાર ધામી, પૃ. ૨૨૧)
ભરતેશ્વર બાહુબલિની વૃત્તિમાં કૃતપુણ્યના પુત્રનું નામ આપ્યું નથી. યતિન્દ્રવિજયજી કૃત ‘શ્રી કયવના ચરિત્રમ્’માં કૃતપુણ્યના પુત્રનું નામ‘ પુણ્યનિધિ’ છે.
ܗ