________________
૪૯૯
ઘરનું ધ્યાન રાખવાની ભલામણ કરી. વાંસણીમાં ધન ભર્યું અને સૂવા માટે ખાટલો લઈ જ્યાં વહાણ લાંગર્યાં હતાં ત્યાં આવ્યો. (૩૮-૪૪)
કવિશ્રી ૠષભદાસજી : નાયિકાએ કહ્યું, ‘‘આપણે બે માંથી ત્રણ થઈશું તેથી પેટ ભરવાનો કોઈ ઉપાય અજમાવો.’’ નાયકે કહ્યું, ‘“મેં કદી વ્યાપાર કર્યો નથી. મને કાંઈ સૂઝતું નથી.’’ હવે નાયિકાએ કહ્યું, ‘“તમે સાર્થપતિ સાથે પરદેશ જાઓ. એ તમારા પિતાના મિત્ર હોવાથી તમારી દેખરેખ કરશે.'' બન્ને રેંણાકના આવાસો અડાણે મૂકી ધનને વાંસણીમાં ભરી, ચોખા, દાળ, લોટ અને લાડુ કોથળીમાં ભરી નાયિકા પોતાના પતિને મૂકવા । સાર્થમાં ગઈ. તેણે સાર્થપતિને ભલામણ આપતાં કહ્યું, ‘‘આ તમારો ભત્રીજો વ્યાપારમાં અબુધ છે. એ જન્મથી જ સુખ-સાહ્યબીમાં ઉછર્યા છે. તમે એમના પર હેતદૃષ્ટિ રાખજો.’’ સાર્થપતિએ કહ્યું, “બહેન! એ મારા પુત્ર સમાન છે. હું ડબલ-ચોબલ ધન કમાવી આપીશ. તમે લગીરે ચિંતા ન કરશો.'' નાયિકા આશ્વાસનજનક વેણ સાંભળી આનંદિત થઈ ગઈ. તે પતિને સાર્થમાં મૂકી નિરાશ વદને પાછી ફરી. ‘બાર વર્ષે પાછા ફરેલા પતિનો પુનઃ વિયોગ થયો. મેં જરૂર પાપકર્મો કર્યાં હશે, તેનું આ ફળ છે.’ આમ નાયિકા કર્મવાદને વાગોળતી ખિન્ન હ્રદયે ઘરે પહોંચી. ઘરના કામકાજમાં તેનું ચિત્ત પરોવાયું નહીં. (૧૩૬-૧૪૩)
કવિશ્રી ગુણવિનયજી : ‘દ્રવ્ય હોવઈ તઉ હું હિવઈ, માંડું વિવહાર.' સાર્થના સમાચાર સાંભળી નાયક વ્યાપારાર્થે પરદેશ જવા નીકળ્યો. એક સૂના દેવળની સમીપમાં ખાટલો ઢાળી સૂઈ ગયો. (ઢા.૭, ૬.૬)
કવિશ્રી કલ્યાણરત્નજી : ‘ધન વિના મનોરથ ક્યાંથી પૂર્ણ થશે?' એવું વિચારી નાયકે કહ્યું, ધન વિના એક ઘડી વરસ જેટલી લાંબી લાગે છે. અર્થાત્ ગૃહસ્થીને ઘર વિના એક ઘડી પણ ચાલે નહીં તેથી નાયકે પરદેશ જઈ વેપાર કરવાનો મનસૂબો ઘડયો. (૧૮-૧૯)
કવિશ્રી ગુણસાગરજી ઃ ગામના લોકોએ નાયકને ઉપાલંભ આપતાં કહ્યું, ‘‘હવે ઠેકાણે આવ્યો છે. પહેલાં જો સુધર્યો હોત તો? આ પુત્ર નથી પણ શત્રુ છે. તેની ચિંતામાં માવતર પરલોક સિધાવી ગયા.’’ લોકોના કટાક્ષ યુક્ત માર્મિક શબ્દો સાંભળી નાયક અત્યંત ખેદ અનુભવવા લાગ્યો. ત્યારે નાયિકાએ કહ્યું, ‘પ્રાણેશ્વર! તમે લોકોના વેણ તરફ ધ્યાન ન આપો. લોકો તો ગમે તેમ બોલે.’’ નાયકે કહ્યું, ‘‘પ્રિયે! હું પરદેશ જઇ ઘણું કમાઈને આવીશ.’’ નાયિકાએ વ્યાપાર માટે પોતાની પાસે રહેલા એક હજાર સોનૈયા આપતાં કહ્યું, ‘‘હાથીનાં પગ નીચે સસલાં સમાઈ જાય, તેમ મોટાના ઘરખર્ચમાંથી નાનાનું આખું ઘર ચાલે છે.’’ નાયકે કહ્યું, ‘‘આટલા ધનથી શું થાય? હું કરોડો સોનામહોરો કમાઈશ ત્યારે આપણી અભિલાષાઓ પૂર્ણ થશે.’’ નાયક હવે રોક્યો રોકાય એમ ન હતો ત્યારે નાયિકાએ રાજીખુશીથી કહ્યું, ‘‘તમે પરદેશમાં ક્ષેમ-કુશળ રહેજો. કુળદેવતા તમારી આશા પૂર્ણ કરે.’’ તેવા સમયે સાર્થવાહના સમાચાર મળ્યા. નાયક સાર્થવાહ સાથે પ્રવાસમાં જોડાયો ત્યારે નાયિકાએ ભાતામાં લાડુ આપ્યાં. (ઢા.૨, ક.૧-૬)
પરસ્ત્રીગમન કે વેશ્યાગમનના કારણે નાયકે પોતાની પ્રતિષ્ઠા ગુમાવી હતી. તેની મેલી મંથરાવટી ની ધજા નગરમાં ફરકી રહી હતી, તેથી નગરમાં તેને કોઈ કામધંધો મળવો મુશ્કેલ હતો. આ કારણે નાયક દોકડા કમાવવા પરદેશ જવા રવાનો થયો. મહાનાયિકાને મોટાઈનો મોહ ન હતો. તે પ્રત્યેક સંજોગોને ખૂબ હળવાશથી અને સ્વસ્થતાપૂર્વક લેતી. તે ભીતરથી માયાળુ સ્વભાવની હતી.