________________
૪૮૪
મહારાજા શ્રેણિકે પોતાની પુત્રીનાં લગ્ન કૃતપુણ્ય સાથે કર્યા ત્યારે ખુશીથી ઘણો કરિયાવર આપ્યો. વળી, અજ્ઞાત કથાકાર આલેખે છે કે, કયવન્ના શેઠને ત્યાં ‘૯૯ ક્રોડ’ સોનૈયા આવ્યાં. એવી જ રીતે જંબુકુમારના આઠ કન્યાઓ સાથે વિવાહ થયા ત્યારે સ્ત્રીઓને દહેજમાં‘૯૯ ક્રોડ’ સોનૈયા મળ્યાં હતાં.
•
લગ્નવર્ણનઃ
પ્રસ્તુત ચરિત્રમાં કવિશ્રી ગંગારામજીએ (ઢા.૨૧, ક.૧-૫) લગ્ન વર્ણન શબ્દશઃ કવિશ્રી જયરંગમુનિનું (ઢા.૨૧, ક.૧-૧૦) સ્વીકાર્યું છે. આ ઉપરાંત કવિશ્રી ઋષભદાસ અને કવિશ્રી રતનસૂરિજી પણ આ ઘટકાંશમાં પોતાના સમયની રસમ ઉમેરે છે. જે નીચે ટાંકી છે. અહીં પરંપરાગત કથાવસ્તુનું પુનરાવર્તન કર્યું નથી.
રાજકુંવરી (મનોરમા) અને કયવન્ના શાહના લગ્નની વિધિ દર્શાવી છે, જે હિંદુ ધર્મ પ્રમાણે છે. વર-કન્યા લગ્નની ચોરીમાં બેઠાં, હસ્તમેળાપ થયો, છેડા છેડી બંધાણી, સૌભાગ્યવતી સ્ત્રીઓએ લગ્નનાં મંગળ ગીતો ગાયાં, ઢોલ અને શરણાઈના મંગળ સૂરો છેડાયાં, જાનૈયાઓ એકિત્રત થયાં, નગરમાં આનંદ વર્તાયો, અગ્નિદેવની સાક્ષીએ વર-કન્યાએ ચાર ફેરા ફર્યા (કવિશ્રી ઋષભદાસ - ૨૨૫). ચોથા ફેરે વર આગળ અને કન્યા તેની પાછળ હતી. વર-વધૂએ કંસાર ખાધો (કવિશ્રી ઋષભદાસ - ૨૨૫). કુમુદિની અને ચંદ્રની જેમ સરખે સરખી જોડી મળી. રાજાએ પુત્રીને ઘણો કરિયાવર આપ્યો. એક હજાર ગામ ગરાસમાં આપ્યાં. વર પચરંગી વાઘામાં શોભી રહ્યો હતો. કન્યાના હાથમાં સૌભાગ્યનો ચૂડો અને ગળામાં મોતીનો હાર શોભતો હતો. લગ્નમાં આવેલા મહેમાનોની ભોજન દ્વારા ભક્તિ કરવામાં આવી. ભોજનમાં શીખંડ અને સાલપકી (ઊંચી જાતનાં ચોખા) પીરસાયાં. રાજાએ પોતાની ધીયાને દાયજામાં ઘણાં હાથી-ઘોડા આપ્યાં તેમજ એક હજાર ગામ ભેટમાં આપ્યાં. રાજાએ પોતાની પુત્રીને ઘણો કરિયાવર કર્યો. લગ્નપ્રસંગે પહેરામણી કરવામાં આવી (કવિશ્રી રતનસૂરિ - ૧૦૦). કવિશ્રી ઋષભદાસ (૨૨૦) પહેરામણીમાં નવ ક્રોડ સોનૈયાનો ખર્ચ થયો તેવું નોંધે છે. જૂનવાણી લાગતી આ લગ્નપ્રથા અને પહેરામણીની પ્રથા ‘કુંવરબાઈનું મામેરું’ આ કાવ્યમાં પણ જોવા મળે છે. વર્તમાનકાળે પણ હિંદુ સમાજમાં લગ્નવિધિપૂર્વવત્ છે.
કવિશ્રી જયરંગમુનિની કૃતિમાં લગ્નપ્રસંગે આવેલા મહેમાનોને જમાડવાનો રિવાજ છતો થાય છે. કવિશ્રીએ ભોજન સામગ્રીની સ્પષ્ટતા કરી નથી પરંતુ હિંદુ સમાજમાં પૂર્વે લગ્નપ્રસંગે થાળી-વાટકા અને પાણીનો લોટો ઘરેથી લઈ જવામાં આવતો હતો. (ત્યારે ઘરમાં નળ ન હતા. સ્ત્રીઓ તળાવ કે કૂવામાંથી પાણી ભરીને લાવતી હતી.) લાંબી સાફસૂફ કરેલી શેરીમાં મોદ બંધાતી. ત્યાં જમણવાર થતો. જમણવારમાં વર્ષોથી ચાલી આવતું મેનુ દાળ-ભાત, વાલ અને ભીંડાનું શાક તેમજ લાડુ (બુંદીના લાડુ) મોખરે રહેતાં. દિવસના લગ્ન હોય તો, એમાં ૨૦ થી ૨૫ લાડુખાવાનો વિક્રમ તોડનારા ખાધેલું પચાવવા તળાવમાં ઊંચા સ્થળેથી ભૂસકો મારી એક-બે કલાક પાણીમાં તરી લાડુ પચાવતા (અથવા જેટલું ઘી પીધેલું હોય તેટલી છાશ પીતા). સાંજના ભોજનમાં ચૂરમું પીરસાતો. તેમાં નળમાંથી પાણી ચાલ્યું જાય એમ ખાસ્સી માત્રામાં જમનારો જ્યાં સુધી ‘હાંઉ’ ન કહે ત્યાં સુધી ચૂરમામાં ખાડો કરી વાવડી દ્વારા શુદ્ધ ઘી રેડવામાં આવતું. એ યુગમાં બધુ સસ્તું હતું. ઘરમાં ગાય-ભેંસનાં દુઝાણાં હતાં. માણસોના મન મોટાં હતાં. લગ્ન કરનારી કન્યા અને ભાવિ વરરાજા હસ્તમેળાપ