________________
•
કયવન્ના ચરિત્રમાં ચરિત્ર નાયકનું નામ ‘કૃતપુણ્ય - કયવન્નો' પ્રત્યેક કવિઓએ એક સમાન જ આલેખ્યું છે. આ કથાનકમાં આવતા અન્ય પાત્રોના નામમાં થોડો ફેરફાર જોવા મળે છે. જો કે મગધ દેશ, રાજગૃહી નગરી, મહારાજા શ્રેણિક, રાણી ચેલ્લણા (કવિશ્રી ગુણસાગરજીએ ઢા.૧, ક.૪માં ચેલ્લણાને બદલે સુનંદાનો ઉલ્લેખ કર્યો છે), મહામંત્રી અભયકુમાર, સાર્થવાહ (કવિશ્રી ગંગારામજીએ સાર્થવાહનું નામ ધનપતિ ટાંક્યું છે) સેચનક હસ્તી, કંદોઈનો ઉલ્લેખ પ્રત્યેક કૃતિમાં એકરૂપ છે.
ઉપરના કોઠા પરથી જણાય છે કે, કવિશ્રી સાધુરતનસૂરિ અને કવિશ્રી દીપ્તિવિજયજીએ ‘(દાન) કુલકની વૃત્તિ' પરથી પોતાની કૃતિનું આલેખન કર્યું છે. તેમની કૃતિમાં શેઠાણીનું નામ સુમિત્રા છે અને રાસનાયિકાનું નામ અનુક્રમે સોહાસણિ (સૌભાગ્યવતી) અને ધનવતી (સૌભાગ્યવતી) છે. આમ, બન્ને કૃતિઓમાં નામના સંદર્ભે શબ્દભેદ છે પરંતુ અર્થભેદ નથી. દીપ્તિવિજયજીએ ચારે સ્ત્રીઓનાં નામ ઉપરાંત પૂર્વ પતિનું નામ જિનદત્ત અને રાજકન્યાનું નામ મનોરમા ટાંક્યું છે.
૪૦૬
કવિશ્રી જયરંગમુનિ અને કવિશ્રી ગંગારામજીએ કૃતિના આલેખનમાં યતીન્દ્રવિજયજી કૃત ‘કયવન્ના ચરિત્રમ્'નો આધાર રાખ્યો છે. એવું કૃતિના પાત્રોના નામોલ્લેખ પરથી જણાય છે. પ્રત્યેક નામમાં સામ્યતા છે. કવિશ્રી વિજયશેખરજીની કૃતિમાં ફક્ત ધન્ય શેઠ સિવાય પ્રત્યેક નામમાં જુદાપણું જોવા મળે છે.
અજ્ઞાત કવિશ્રી (કથા)ની કૃતિમાં નામોલ્લેખમાં ધરખમ ફેરફાર છે. આ કથા ‘સુકતાવલી'ના આધારે લખાયેલી છે.
તે સિવાયના સર્વ કવિઓએ પોતાની કૃતિનું આલેખન ‘આવશ્યક સૂત્રની વૃત્તિ' અને ‘ભરહેસરની વૃત્તિ’ના આધારે કર્યું છે તેથી તેમની કૃતિઓમાં નામના સંદર્ભમાં ઘણી સામ્યતા જોવા મળે છે. શેઠના નામ અંગે શબ્દભેદ છે પણ તે નહીંવત્ છે. જેમકે - ધનાવાહ, ધન્ય, ધનેશ્વર, ધનદત્ત અને ધનપાળ. એવી જ રીતે શેઠાણીનું નામ ભદ્રા કે સુભદ્રા અંકિત થયું છે.
•
પુનર્જન્મ ઃ
ચરિત્ર નાયકની ગતિ અંગે ભિન્નતા જોવા મળે છે. જેમકે કવિશ્રી રતનસૂરિજી, કવિશ્રી લાલવિજયજી, કવિશ્રી મલયચંદ્રજી અને કવિશ્રી ગંગારામજી કૃતપુણ્યને મોક્ષગામી (પંચમગતિ) દર્શાવે છે. તે સિવાયના સર્વ કવિઓ તેમની દેવગતિ નોંધે છે. હા! દેવગતિમાં પણ ઉત્પત્તિ સ્થાન અંગે કવિઓ એકમત નથી. કોઈ કવિએ સુધર્મા દેવલોક, કોઈએ બ્રહ્મદેવલોક, તો કોઈએ સર્વાર્થસિદ્ધ વિમાનની ગતિ આલેખી છે પરંતુ ચરિત્રનાયકને વૈમાનિક ગતિનો પરવાનો મળ્યો એમાં સર્વ કવિઓ પોતાની એકમતે સાખ પૂરાવે છે.
શાસ્ત્રકારો કહે છે, ‘‘નિર્ધન હોવા છતાં દાનવીર હોય, સમર્થ હોવા છતાં ક્ષમાશીલ હોય, યુવાન હોવા છતાં કષ્ટસહિષ્ણુ હોય, જ્ઞાની હોવા છતાં મૌન રાખનારો હોય, સુખસામગ્રી હોવા છતાં ઈચ્છાવિનાનો અને દયાવાન હોય તેવો મનુષ્ય સ્વર્ગે- શ્રેષ્ઠ ગતિમાં જાય છે.’’
પ્રસ્તુત કથાનકમાં કયવન્નાકુમારના ચાર ભવનો ઉલ્લેખ થયો છે. કયવન્નકુમાર પૂર્વે ગોવાળના ભવમાં તપસ્વી સાધુને નિર્દોષ આહાર વહોરાવી બીજા ભવમાં સૌભાગ્યના સ્વામી બન્યા. તે જ ભવમાં મુનિપણું અંગિકાર કરી સંયમનું શુદ્ધ પાલન કરી દેવલોકમાં દેવપણે અવતર્યા. ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં
=