________________
કરું!! (આ છે પ્રત્યાખ્યાન) અર્થાત્ પોતાના દુઃખના કારણ તરીકે અન્યોને દોષિત જોવાનું છોડી, પોતાના જ પૂર્વે કરેલા ભાવો અર્થાત્ પૂર્વના પોતાના જ પાપ કર્મોનો જ દોષ નિહાળી, અન્યોને તે પાપોથી છોડાવવાવાળાં સમજીને, ધન્યવાદ આપો (THANK YOU! - WEL COME!) અને નવાં પાપથી બચો.
જો આપ સુખના અર્થી છો, તો આપ દરેકને સુખ આપો! અર્થાત્ આપ જે આપશો, તે જ આપને મળશે; આવો છે કર્મનો સિદ્ધાંત. આપના વર્તમાન દુઃખનું કારણ આપે પૂર્વે કરેલ પાપ કર્મો જ છે, તેથી જો આપ દુઃખ ન ઇચ્છતા હો તો વર્તમાનમાં આપ બીજાને દુઃખ આપવાનું બંધ કરો અને ભૂતકાળમાં આપે જે બીજાને દુઃખ આપેલ હોય તેનો પશ્ચાતાપ કરો, તેનું ચિંતન કરી મનમાં પસ્તાવો કરો-માફી માંગો.
અત્રે કોઈને પ્રશ્ન થાય કે જગતમાં તો પાપી પણ પૂજાતાં જણાય છે, અત્યંત સુખી જણાય છે. તો તેનો ઉત્તર એવો છે કે તે તેઓના પૂર્વ પુણ્યનો પ્રતાપ છે, જયારે પાપીને વર્તમાનમાં ઘણાં ગાઢાં પાપોનો બંધ પડતો જ હોય છે કે જે તેઓના અનંત ભવિષ્યમાં અનંત દુઃખોનું કારણ બનવા શક્તિમાન હોય છે. તેથી કોઈનાં પણ વર્તમાન ઉદય ઉપર દ્રષ્ટિ ન કરવી કારણ કે તે તો તેના ભૂતકાળના કર્મો ઉપર જ આધારિત હોય છે, પરંતુ માત્ર વર્તમાન પુરુષાર્થ ઉપર દ્રષ્ટિ કરવાં જેવી છે કારણ કે તે જ તેનું ભવિષ્ય છે. અર્થાત્ કોઈ પોતાનો વર્તમાન ઉદય બદલી શકવા પ્રાયઃ શક્તિમાન નથી, પરંતુ પોતાનું ભવિષ્ય ઘડવા શક્તિમાન છે અને તેથી જ જીવ પુરુષાર્થ કરી સિદ્ધત્વ પણ પામી શકે છે ૪ * સુખી થવાની ચાવી