________________
પ્રતિક્રમણમાં ઉપયોગી ઉપકરણોનું વિવેચન
ધર્મભાવનાની વૃદ્ધિ કરે તેવા સાધનોને ઉપકરણ કહેવાય. ૧) સ્થાપનાચાર્યજી - પ્રતિક્રમણ ગુરૂસાક્ષીએ કરવું જોઈએ. જો ગુરૂની અનુકૂળતા ન હોય તો, નવકાર અને પંચિંદિય સૂત્ર હોય તેવું પુસ્તક, ગુરૂસ્થાને સ્થાપી, સામાયિક-પ્રતિક્રમણની ક્રિયા કરવી જોઈએ. ૨) કટાસણું -દોઢ હાથ જેટલું સમચોરસમાપનું, કાણાં વગરનું, સફેદ ઉનનું હોવું જોઈએ. કટાસણું સૂક્ષ્મ જીવોની રક્ષા થઈ શકે તે માટે અખંડ રાખવાનું છે. સામાયિક કરતાં શરીરમાં એક ઉર્જાનો પ્રવાહજન્મે છે, તે ઉનનું કટાસણું હોય તો જમીનમાં ઉતરી જતો અટકીને શરીરને ઉર્જામય રાખે છે. ૩) મુહપત્તી - મુહપત્તી સુતરાઉ કાપડની, સામાન્યરીતે એક વેત અને ચાર આંગળીની હોય છે. મુહપત્તીની ત્રણ કોર ખુલ્લી અને એક કોર બાંધેલી હોવી જોઈએ. કારણ સંસારની ચાર ગતિ નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવ આમાં આત્માનો છૂટકારો કરવા માટે એક મનુષ્ય ગતિ જ સમર્થ છે તે દર્શાવ્યું છે. મુહપત્તી સ્વચ્છ હોવી જોઈએ. મુહપત્તી મુખ પાસે રાખવાના બે કારણ છે. ૧- જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધનો પ્રત્યે વિનય સાચવવો. બોલતાં ચૂંકન ઉડે તેનો વિવેક જાળવવો. ૨- સૂત્રો બોલતાં હવામાંના સૂક્ષ્મ જીવો મુખમાં ચાલ્યા ન જાય અને તેમની રક્ષા થાય. મુહપત્તીનું પડિલહેણ, પચાસ બોલ બોલવાપૂર્વક કરવાનું હોય છે. પુરૂષોએ પચાસ બોલ, અને સ્ત્રીઓએ ચાલીસ બોલપૂર્વક મુહપત્તીનું પડિલેહણ કરવાનું હોય છે. ૪) ચરવળો - સામાયિકમાં ઉઠતા-બેસતા, ભૂમિની પ્રમાર્જના કરવા માટે વપરાય છે. ચરવળો ૩ર આંગળ જેટલો હોય છે. તેમાં ચોવીસ આગળની દાંડી (આત્મા ૨૪ દંડકથી દંડાય છે) અને આઠ આંગળની દશીઓ (આત્માને આઠ પ્રકારના કર્મબંધથી મુક્ત કરવા) એવું દર્શાવવામાં આવેલ છે. ચરવળાની દાંડી લાકડાની જ હોવી જોઈએ. ચોરસ દાંડી સ્ત્રીઓ માટે વપરાય છે. ગોળ દાંડી પુરૂષોએ વાપરવાની હોય છે. ચરવળા વિના ક્રિયામાં ઉભા થવાય નહીં, તેમ જસ્થાનફેર પણ ન કરાય.