________________
સામાયિક ભાવ -
૭
નથી હોતો એટલે તેમના પ્રત્યે દ્વેષભાવ પણ નથી હોતો. ત્યાં માત્ર મધ્યસ્થ ભાવ (neutrality) જ હોય છે, અથવા ઉપેક્ષાવૃત્તિ હોય છે. જ્યાં રાત નથી ત્યાં દિવસ પણ નથી. આ કંદ (duality)ની વાત હંમેશા યાદ રાખવાની. એટલે આ બધાની મધ્યમાં, વચ્ચે રહેતાં શીખવાનું. આપણાં વાવેલાં કર્મના ઉદયને અનુરૂપ સુખદુ:ખ, હર્ષશોક, લાભહાનિ, માનઅપમાન, આનંદવિષાદ, પ્રશંસાનિંદા - આ બધું તો જીવનમાં આવ્યા જ કરવાનું. આ બધાં કર્મોના ઉદય વખતે મધ્યસ્થ રહેવાનું. આ સમ એટલે મધ્યસ્થતા, એ સમ શબ્દનો બીજો અર્થ આપણે જોયો.
હવે ‘સમ' શબ્દનો ત્રીજો અર્થ – સમાન એટલે એક સરખા (equal) છીએ, આત્માના ગુણોમાં ઊંચાનીચા નથી એ સમાનતાના અર્થમાં.
એ કઈ સમાનતા? કે આપણે બધા જૈન છીએ એટલે સમાન છીએ અને જે જૈન નથી તે અજૈન છે – હિન્દુ છે, વૈષ્ણવ છે, મુસ્લિમ છે – એ બધા અલગ છે, સમાન નથી, એમ? ના, એમ નહિ, પણ મારી અંદર, તમારી અંદર, બીજાં બધાંની અંદર જે ચેતના રહેલી છે... જે આપણને દેખાતી નથી. આપણને માત્ર બહારનાં શરીર દેખાય છે – આકાર દેખાય છે, રૂપ દેખાય છે, રંગ દેખાય છે, ધર્મનાં લેબલ દેખાય છે, સંપ્રદાયના વેશ અને ટીલાટપકાં દેખાય છે, ભાષાના ફરક દેખાય છે – પણ આ બધાંને વીંધીને તેની અંદર, તેની પાછળ જે સત્ (real) તત્ત્વ રહેલું છે, તે તો આપણને દેખાતું જ નથી!
બધાંની અંદર રહેલ તે સમાન તત્ત્વને વેદાન્તીઓએ “બ્રહ્મ’ કહ્યો, આપણે “આત્મા’ કહ્યો, ખ્રિસ્તીઓએ ‘soul' કહ્યો, મુસ્લિમોએ એને ‘રૂહ’ શબ્દથી ઓળખાવ્યો.