________________
આખરે ડંકો વગાડી જગતને જાણે કે કહે છે. આ બધાં જ તલસ્પર્શી અભ્યાસોના સારરૂપ કે આટલા વર્ષોના મંથન વડે પ્રાપ્ત નવનીતરૂપ ભાવ છે, તે એ છે કે ‘જિન આગમ જ તારે'. તો આ ૧૨ અંગના યોગાનુયોગ આયોજનરૂપ ૧૨ વિભાગોનું પૂરું અધ્યયન જ જિજ્ઞાસુ માટે અનિવાર્ય બની રહેશે.
એક એક વિભાગમાં ઘણું સંકલનરૂપ તો ઘણું તેમાં સર્જનરૂપ પણ છે. આધારભૂત માહિતી વળી તેના બધાં આધાર ગ્રંથોની પણ વિગત વડે જિજ્ઞાસુ તેનો પણ લાભ લઈ શકે એ લક્ષ્ય બહુ જ પ્રેરક બની રહેલ છે.
૧૨ વિભાગની વિષયસૂચિ, વિષયોની ભિન્નતા સાથે ઊંડાણનો અનુભવ કરાવે છે. નિખાલસતાપૂર્વક કર્તાપણાના દાવા વિના સર્જનશક્તિનું કૌશલ્ય દાખવનાર શ્રી વિજયભાઈ દોશીને જેટલા ધન્યવાદ આપીએ તેટલા ઓછાં છે. શ્રી વિજયભાઈ મૂળથી-પ્રકૃતિથી ભાવુક અને કવિહૃદય ધરાવતાં હોવાથી તેમની શૈલી કાવ્યમય પ્રવાહિતાથી ઘડાયેલી છે અને છતાં યોગ્ય શબ્દ પસંદગી અને અર્થગાંભીર્ય પણ સચવાયા છે. આધ્યાત્મ જગતના ભાવો તર્કબદ્ધ અને તથ્ય સાથે જોડાયેલા હોવાથી ત્યાં શબ્દની પસંદગી કાવ્યાત્મક કરતાં વધુ પ્રમાણભૂત હોવા જોઈએ એની પણ સભાનતા અહીં જળવાયેલી છે, એ સર્જકપક્ષે શ્રેષ્ઠ જાગૃતિ છે.
કોઈપણ સર્જકની સફળતામાં પરદા પાછળનો સહયોગ બહુ મોટું પરિબળ હોય છે તેમ અહીં પણ તેમનાં જીવનસંગિની નલિનીબેનના અદભૂત સહયોગ, સમર્પણ અને સમયદાનની નોંધ લીધા વિના પ્રસ્તાવના અધૂરી જ ગણાય..!
શ્રી વિજયભાઈ દોશીના આ ઉપક્રમ બાદ પણ હજુ એમના સુદીર્ઘ આયુકાળની પ્રત્યેક પળના સફળરૂપે વધુને વધુ ગ્રંથોની પ્રાપ્તિ થાય એવા હૃદયોદ્ગાર સાથે હું તેમના પ્રયત્નની પૂર્ણ અનુમોદના સાથે અદૃષ્ટના આશીર્વાદની અપેક્ષા કરી વિરમું છું.
વિદેશમાં વસવા છતાં વિતરાગ ન વિસરાયા અને વતન છોડવા છતાં સંસ્કાર ન છૂટ્યા એવા જિજ્ઞાસુ જૈન સમાજની માંગણીમાંથી નિપજેલા આવા મોતીઓના મરજીવા જેવા શ્રુતસાગરના અથાગ પ્રયત્નશીલ પુરુષાર્થના કરનાર સર્જકોને અભિનંદનપૂર્વકની અભિવંદના.
સાથે, – તરલાબેન દોશીના જય જિનેન્દ્ર