________________
>>>>
>>>
‘ગાગરમાં સાગર’
ગાગરમાં સાગરની જેમ આગમના અનેક પાસાઓના આસ્વાદ સુશ્રાવક વિજયભાઈ દોશીએ આ પુસ્તકમાં કરાવી મનુષ્ય જીવન અધિક સુખ સંપન્ન થાય એવો ભગીરથ પ્રયાસ કર્યો છે.
‘શ્રુત ભીની આંખોમાં વીજ ચમકે' આવું શિર્ષક આપી, વિજયભાઈ કેવા નૈસર્ગિક કવિ છે તેની એક ઝાંખી આપે છે. હું જ્યારે શાર્લોટમાં સ્કોલ૨ તરીકે પ્રવચન આપવા ગયેલો ત્યારે પ્રવચન શ્રેણિના છેલ્લા દિવસે તેમણે ત્યાં બેઠાં બેઠાં જ એક મૌલિક કવિતા મારા પ્રવચનો ઉપર બનાવી અને સંગીત સાથે સકળ સંઘને સંભળાવી ત્યારથી જ તેમના કવિત્વ હૃદયને તથા તેમના શાસ્ત્રીય સંગીતના ઊંડા જ્ઞાનનો મને પરિચય થયો હતો. તેમના ધર્મપત્ની તપસ્વી નલિનીબેને પણ આ ભગીરથ કાર્યમાં સિંહફાળો આપેલ છે.
આ પુસ્તકની શરૂઆત જૈનમ્ જયતિ શાસનસ્થી કરીને વિજયભાઈએ એમનું સમ્યગ્દર્શન કેટલું મજબૂત છે તેની સાક્ષી પૂરી છે. બાર વિભાગોનું દળદાર પુસ્તક એક ગ્રંથ સમાન ભાસે છે. ઉત્તરાધ્યયન સૂત્રની વાત વિભાગ-૪માં, સમકિતની વાત વિભાગ-૬માં, કર્મ નિવારણની વાત વિભાગ-૮માં તથા કથાનુયોગ વિભાગ-૧૧માં મને ખૂબજ આકર્ષી ગઈ છે. ખૂબ મનન અને ચિંતન દ્વારા લખાયેલ આ પુસ્તક વાચકવર્ગ માટે પણ પુરુષાર્થ માંગી લે છે. વિભાગ-૧૧ના શિર્ષક પ્રમાણે ખરેખર કથાનુયોગથી તત્ત્વ સ૨ળ ભાસે છે.
વિભાગ-૧માં પરમ પૂજ્ય આચાર્ય શ્રી રામચંદ્રસૂરીશ્વરજીની વાત કરેલ છે. તે ખરેખર યુગપ્રધાન આચાર્ય હતાં. શાસ્ત્રીય મર્યાદામાં રહીને શ્રી વિજયભાઈએ કરેલો આ ભગીરથ પ્રયાસ લઘુકર્મી આત્માઓને આત્માની પ્રતીતિ કરાવે તો નવાઈ નહીં.
શ્રી વિજયભાઈના આ પ્રયાસથી વાચકવર્ગને એક નવી દિશા સાંપડશે અને લઘુકર્મી આત્માઓની દશા બદલાય એટલે કે આત્માનું ઉત્થાન થાય, આત્માનું કલ્યાણ થાય, આત્મા ગુણસ્થાનકે આગળ વધે તો આશ્ચર્ય નહીં!
અમેરિકા જેવા ભૌતિક સામગ્રીના ઢગલા વચ્ચે રહેનારી પ્રજાને આ પુસ્તકના વાંચનથી જીવનચર્યામાં શ્રાવકપણું લાવવાનું મન થાય એવી રીતે આ પુસ્તકની ગૂંથણી છે.
પ્રભુ તેમને લાંબુ સ્વાસ્થ્યપૂર્વકનું આયુષ્ય આપે જેથી હજુ આવા ઘણાં તાત્ત્વિક પુસ્તકો સમાજને મળે.
પ્રો. નોતમભાઈ વકીલ
(ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ) ધર્મ તત્ત્વ ચિંતક
****************** 19 ******************
–