________________
88
આત્મ સેતુ
અપમાનની સામે અપમાન કર્યું, ધૃણા સામે ધૃણા કરી, તો વહેલો-મોડો, સામેથી જોરદાર જવાબ આવી શકે. તેનો ઉત્તર વધારે જોરાવર આપવાનો બને. વળી તેનો ઉત્તર...........! જે નથી મળ્યું, જે નથી મળતું, સદ્ભાવનાની કદર નથી થતી તે બતાવે છે કે સદ્ભાવનાનો પ્રતિભાવ આવો પણ હોય શકે. તે સમજાવે છે, ઘણા, અપમાન, કદરહીનતાની સામે લડાઈ શરૂ કરી તો તેનો અંત ક્યાં? પરસ્પરની પ્રતિક્રિયાની પૂર્ણાહુતિ ક્યાં? શું પરસ્પરના સંબંધો એક પ્રતિક્રિયા યુદ્ધ બની રહે છે? શું પરસ્પરના સંબંધો પ્રતિક્રિયાભર્યા વર્તન-વૃત્તિ-ભાવમાં ઊભા રહીને જ વિચારી શકાય છે? શું પરસ્પરના સંબંધો “મૈત્રીક્રિયા"નો “ક્રિયાયોગ” ન બની શકે? તો સવાલ થાય છે કે “જેવા સાથે તેવા ન થઈએ તો અમારે ટકવું કઈ રીતે? જીવનનો વ્યવહાર ચલાવવો કેવી રીતે?” પ્રતિક્રિયાના ઠંડા યુદ્ધના મેદાનમાં ઊભા રહીને વિચારવાને બદલે મૈત્રીભર્યા મનમાં ઊભા રહી, મૈત્રીક્રિયાયોગના આસન પર બેસી ન વિચારી શકાય? કર્મચક્રની ગતિ ઓછી કરવાના આ અવસર છે. આ પ્રયત્ન કરતાં અચકાટ થાય છે? વધુ તકલીફો આવી પડવાની બીક લાગે છે? પણ સત્કર્મ કદિ નિષ્ફળ જતાં નથી. તેનું સારું પરિણામ આવે જ છે. સદવૃત્તિમાં શ્રદ્ધા રાખીએ. સદ્ભાવનાના બાહ્ય પરિણામ મનવાંચ્છિત નથી મળ્યા અને મનના ઊંડાણમાં સદ્ભાવનાની ભૂમિ અજાણી લાગે છે. અજાણી ભૂમિ પર જતાં બીક લાગશે, અસલામતી ગભરાવશે, ઇચ્છા-આશા નિરાધાર થતાં લાગશે.... પણ અંતરમાં એક આધાર વિદ્યમાન છે. તમારી-મારી અંદર એક એવું તત્વ છે જેને આધારે આ નિરાધારપણું છે. આ તત્વ તરફ, આ આધાર તરફ એક કદમ આગળ વધાશે તો એ આધાર આપણી તરફ બે કદમ આગળ આવશે. માનસની એક નવી ભૂમિકા તૈયાર થશે. એકલા હોવાની વાસ્તવિકતા સમજવાની આ અમૂલી તક છે. આ નિરાધારપણું કેટલું કિંમતી છે. વાચન-પ્રવચન કે વાતચીતમાં ઘણીવાર સાંભળવાનું થયું હશે, કે “મનુષ્ય એકલો આવે છે, એકલો જવાનો છે... રોજિંદા અનુભવમાં મિત્રમંડળ-સ્વજનોની વચ્ચે રહેતા હોઈએ. એકલા હોવાની વાત પથ્થર પર પાણીની જેમ મન પર સૂકાઈ જાય. તરસી ધરતી પર વર્ષોની જેમ આ વાત મનમાં અંદર ન ઉતરે! કોઈ જન-સ્વજન હાજર ન હોય તો ગમતું નથી. સાથ-સંગાથ શોધવા નજર દોડતી રહે છે. એકલા રહી નથી શકાતું. બીજા માટે પ્રયત્ન થતાં જ રહે છે, થતાં જ રહે છે. અત્યારે મનની ધરતી તરસી છે! એકલતાની કિંમત સમજી, આ અનેરી તકને સ્વીકારી એકલતાની સાથે રહેતા થઈએ.