________________
78
આત્મ સેતુ
પ્રતિકૂળ સંજોગો, આપણા ભાવ, વિચાર, વાણી વર્તનનું ફળ છે. મનમાં ગ્રંથિઓનો સંગ્રહ ભર્યો પડ્યો છે. પરિવાર, સંબંધો, સત્તા, સંપત્તિ વધારી સુખી થવાના પ્રયત્નો ચાલે છે, તેમાં ફેરફાર કરી સુખી થવાશે તે ખ્યાલમાં ક્યાંક ભૂલ પડી છે. ફેરફાર પોતાનામાં કરવાનો છે. શરૂઆત ઉલટી થઈ છે. જવું છે પૂર્વમાં અને ચાલીએ છીએ પશ્ચિમમાંથી પશ્ચિમમાં. રાત પછી રાત જ આવ્યા કરે. ફરીયાદ રહે કે અંધારૂ દૂર થતું નથી પણ જ્યારે ખબર પડે કે “ઓહ! મારી દોટ ઉલટી છે. દિશા બદલવાની છે. દિશા બદલાતા સુખના સૂર્યના દેશનો આછો આછોય ઉજાસ દેખાશે. આપણી ભીતર નજર કરીએ. મનમાં પડેલી ગાંઠો ઉકેલવાનો પ્રયત્ન કરીએ. મનની ગૂંચ ઉકેલવા પોતાની મદદ લઈએ. સ્વમિત્ર સારા-નરસા સંજોગોમાં સાથે જ છે. મનના ઘા રૂઝવવામાં, ગૂંચવણો ઊકેલવામાં સ્વનો સહકાર મળશે. આપણી શક્તિઓ વ્યવહાર અને અન્ય સાથેની લેણ-દેણ પૂરી કરવા જેટલી સીમિત નથી. આપણામાં અનર્ગળ શક્તિઓ છે. આગ્રહ અને માન્યતાની સીમાથી જરા દૂર હઠીને આપણે આપણને સમજવાનો પ્રયોગ કરીએ. તમે અસીમ શક્તિ ધારણ કરો છો. એ શક્તિને જગાવવી એ તમારો ધર્મ છે. આઘાત-પ્રત્યાઘાત તો આવવાના. તે શાંતિથી ખમી ખાવાની શક્તિ ઉજાગર કરીએ. મનની વ્યગ્રતાને પૂજા-ભક્તિમાં વહી જવા દઈએ. હળવા થતાં રહીએ. સંતોષની સીમા વધારતાં રહીએ. આપણા દુઃખી અહંકારને અસીમના ચરણે મૂકી, હરિનું સ્મરણ કરીએ. કરતાં જઈએ ઘરનું કામ, લેતા જઈએ હરિનું નામ...
તા. ૧૨ જાન્યુઆરી ૨૦૦૪
સત્સંગી : મને ચિંતા છે કે હું ધર્મ કરી શકીશ કે નહીં? આપ કહો છો, જતું કરવું, હળવા થવું, સંતોષ રાખવો... એ કંઈ ધર્મ ઓછો જ છે?
બહેનશ્રી : આપ શાને ધર્મ કહો છો?
સત્સંગી : પૂજા-ભક્તિ, પ્રતિક્રમણ સામાયિક, વ્રત-તપ વગેરે ધાર્મિક ક્રિયાઓ કરવી તે ધર્મ.
બહેનશ્રી : આ ધાર્મિક ક્રિયાઓ આપ જાણો છો?