________________
આત્મ સેતુ વર્તમાનમાં, પોતાનામાં જે પણ થઈ રહ્યું છે, જે વિચાર, વૃત્તિ, ભાવ થઈ રહ્યાં છે, તેને થવાનો અવકાશ ચેતન તો આપે છે. પોતે પોતાની તરફ પાછુ ફરીને જોતો નથી. પોતાનાથી દૂરને દૂર દોડ્યા કરે છે. ચિંતામાં, ઉપાધિમાં, ટેન્શનમાં તણાતો જાય છે. મનમાં ઉમટતા વાસનાના ઘોડાપૂરમાં ફસાતો જાય છે, ત્યારે પણ પોતે છે તો ચેતન
એ કયો અવકાશ છે જેમાં બે વિરોધી ભાવો રહી શકે છે? જેમાં પ્રેમ અને નફરત બન્નેને જગ્યા મળે છે.
જ્યાં ગમા અને અણગમા બન્ને વસે છે. જે પોતાની અંદર અને બહાર જોઈ શકે છે. જેમાં ન્યાય અને અન્યાય બન્ને છે.
જ્યાં પ્રામાણિકતા અને કપટ બન્ને છે. જે કોઈને આપી દેવા અને આંચકી લેવા આતુર છે.
જ્યાં ગુસ્સાનો દાવાનળ પ્રગટે છે અને કરૂણાની સરિતા વહે છે. જે કોઈને મારવા દોડી શકે છે અને જીવાડવા મરી શકે છે. જે મનમાં ને મનમાં મુંઝાઈ શકે છે અને મનથી ખીલી શકે છે. જેમાં મન છે. મન અકળાય મન રાજી થાય. મન અફળાય મન પછડાય. મન મૂકીને કામ થાય, મનની ચોરી થાય. મન મોટુ હોય, મન ટૂંકુ હોય. મન ગરીબડું બની કરગરે, મન અભિમાની થઈ રાજ કરે. મન મોર બની ગહેકે, કોયલની જેમ ટહુકે. મન સ્નેહના શબ્દ વહાવે, શત્રુતાના કહેણ કહાવે. મનમાં કંઈ કેટલાય ખેલ રચાય, ચેતના એ સઘળા ખેલને અવકાશ આપ્યા કરે. પાપ અને પુણ્યને અવકાશ આપે. બંધન અને મુક્તિને અવકાશ આપે. ચેતના, અવકાશ આપી શકવા હંમેશા ખાલી હોય. આપણને ખબર ન હોય, પણ તે, આકાશની જેમ “કંઈ ન હોય” શૂન્ય હોય. એ ચેતન સભર શૂન્ય, તેની પવિત્રતા અને ગુણોથી છલકાતું હોય. એક વખત, તેના પર દૃષ્ટિ પડી જાય. બસ એક વખત, એ તરફ ધ્યાન વળી જાય, શત શત વૃત્તિધારાએ સ્વથી બહાર વહેતી ચેતન ઉર્જા પોતાની ચેતના તરફ વળી જાય,