________________
30
આત્મ સેતુ
સત્સંગી : બહાર સમતા રાખવા પ્રયત્ન કરીએ, ત્યારે અંદર ગુસ્સાનો જ્વાળામુખી વધારે...
બહેનશ્રી : જો તમને એમ કહેવામાં આવે કે તમે તમારી પૂરેપૂરી શક્તિથી ક્રોધ કરી લો... તો? તો, તમને કદાચ એમ થશે કે આ કેવી વાત? વડીલો, સમાજ, ધર્મ કહે છે “ક્રોધ ન કરવો”, “સમતા રાખવી”. અને થાય છે શું કે નથી પૂરી સમતા રહેતી. કારણ કે ક્રોધ આવે છે. નથી પૂરો ક્રોધ થતો કારણકે સમતા રાખવી છે. ચહેરા પર સમતાના પ્રયત્નો કાં સમતાનું મહોરૂ હોય છે. અંદરમાં ક્રોધનો અગ્નિ ભભૂકે છે. બહાર ખોટી સમતા અંદરમાં સાચો ક્રોધ! પરિસ્થિતિ એવી થાય છે કે અંદર ક્રોધ ભેગો થતો જાય છે. ક્રોધ સ્વભાવ બની જાય છે. તેનો અગ્નિ જીવને પ્રજાળ્યા કરે છે. બહાર નીકળવાની તક શોધ્યા કરે છે. જીવ સતત પોતે પોતાની સાથે સંઘર્ષમાં રહે છે. ક્રોધ ઉછાળા મારે છે પણ નીકળી નથી શકતો. સમતા રાખવી છે પણ રહી નથી શકતી.
વ્યક્તિએ પોતાના ક્રોધને સમજવાની કોશિશ કરવી ઘટે. તેનું દમન નહીં, પણ શમન કરવાના ઉપાય કરવા જરૂરી છે. જેથી ક્રોધનું વિસર્જન થઈ શકે. સમતાનું સર્જન થઈ શકે.
સત્સંગી : ક્રોધનું શમન કઈ રીતે કરવું?
બહેનશ્રી : આપને ક્રોધ આવે છે ક્યારે?
સત્સંગી : (થોડીવાર વિચારીને) વિચાર કરતા એમ લાગે છે કે ક્રોધ ક્યારે નથી આવતો એ કહેવું સહેલું છે.
બહેનશ્રી : (હસતાં) તો શું એમ સમજવું કે આપ ક્રોધી છો?
સત્સંગી : એમ કહી શકાય. (હસીને)
બહેનશ્રી : વ્યક્તિ અન્ય સાથે સંબંધમાં આવતાં તેને કંઈને કંઈ ગુસ્સાના કારણો મળ્યાં કરતા હોય તેમ લાગે છે. ઘરમાં બાળકો કહ્યું ન કરે. પતિને પત્ની સાથે કે પત્નીને પતિ સાથે મતભેદ થાય. સમાજમાં-પરિવારમાં માન ન સચવાય. મહેનત કર્યા છતાં ધાર્યું પરિણામ ન આવે. કામ ધંધામાં હરીફાઈ થાય.