________________
14
આત્મ સેતુ
આ ઇચ્છા રાગ વગેરે શાનાથી છૂટા પાડવાની વાત આપ કરી રહ્યા છો. આ રાગ વગેરે જેનાથી છૂટા પાડવાં છે. આ તત્વનો ખ્યાલ, સાથે સાથે છે? કોબીના પાન તોડવા કોબી હાથમાં લો તો આખી કોબી તમારા હાથમાં નજર સામે હોય. વ્યક્તિ કોબીના પાન તોડવા જતાં, વ્યક્તિની સમગ્ર ચેતના, જેમાં ઇચ્છા વગેરે છે, તે, તેની સમગ્રતા સાથે ધ્યાનમાં આવે છે?
સત્સંગી : દિવસભર વધુ પ્રમાણમાં અશુભ ભાવો આવતાં હોય છે. ફરી ફરીને પરનો ભંગાર જ હાથમાં આવે છે. મનના ત્રાજવાના એક પલ્લામાં ઇચ્છા, લોભ, ક્રોધ વગેરેનો ભંગાર મૂકતાં જઈએ. તો ભેદજ્ઞાન થાય? દૃષ્ટિ સ્વ સન્મુખ થઈ શકે?
બહેનશ્રી : ...તો એવું બનવા સંભવ છે કે દૃષ્ટિ ભંગાર બાજુ છે અને ફરી ફરીને ભંગારની બાજુ જ વળે. નજર ભંગારની શોધમાં ફર્યા કરે. “ભંગાર” જ્યાં પડ્યો છે એ “ખાલી જગ્યાનો” વિચાર સુદ્ધા ન આવે.
“ખાલી જગ્યા” પર ધ્યાન ન જાય! આપ સૌ ભાગ્યશાળી છો કે આત્મતત્વને જાણવાની ઈચ્છા થઈ છે. ભલે આજે શાસ્ત્રવાચન થકી જાણકારી છે. વાચન પર વિચાર કરી બુદ્ધિ સવાલ કરે છે. આ જાણવાની ઇચ્છા આત્મજિજ્ઞાસા બની તેની જ્યોત જલતી રહે... આ જિજ્ઞાસા અંતરની તરસ બની... જળ વગર જેમ માછલી તરફડે, તેમ આત્મતત્વ માટે તમને તરફડાવે.. આત્માનુભૂતિ થયા વગર શાતા ના વળે... તો આત્મતત્વનો આવિર્ભાવ થયા વગર નહીં રહે. આપ કહો છો, મનના ત્રાજવાના એક પલ્લામાં ભંગાર મૂકતાં જાઓ તો દૃષ્ટિ સ્વ સન્મુખ થઈ શકે? ભંગારનું ગોડાઉન જોયું છે? મનમાં, સ્નેહ, દયા, લોભ, મોહ, ઇર્ષા વગેરેનું ગોડાઉન એટલું મોટું છે, કે, મનના એક પલ્લામાં ભંગાર મૂક્યા કરશો, મૂક્યા કરશો, મૂક્યા કરશો, પણ તેનો અંત નહીં દેખાય. આમ પણ, ભંગારના ભારથી ભારે થઈ, એક પલ્લું નીચે બેસી ગયું છે. બીજુ પલ્લુ ખાલી છે. તે નીચું આવતું નથી, ઉપર રહે છે. બીજા પલ્લામાં ચેતના મૂકવાનું શરૂ કરીએ. ચેતના દેખાતી નથી. હાથથી પકડી શકાતી નથી. વિચારમાં લેવાતી નથી, તેનો ખ્યાલ આવતો નથી, તેનું વજન તો છે જ નહીં. પણ, વજન વગરનું તેનું વજન-મહત્વ ખૂબ છે. બીજા પલ્લામાં જેવી “ચેતના” મૂકાવી શરૂ થઈ કે ભંગારનો ભાર ઓછો થવા લાગે. મનના ત્રાજવાના બન્ને પલ્લા સમતોલ થવા લાગે..! ચેતનતત્વ હાથમાં ક્યાં પકડી શકાય છે?