________________
આત્મ સેતુ તમારામાં એ કયુ બિંદુ છે જે અનુભવે છે? જે આ વાત-વિચારનો આધાર છે? વાંચન-પ્રવચનના શબ્દોને હાલ તેના ભાવ અને અર્થ ધારણ કરવાનો આધાર નથી, ભૂમિકા નથી. આ શબ્દો થોડે ઘણે અંશે ગ્રહણ થઈ, શબ્દોના ખાલી ખોખા મનમાં વહેતા વિચારના વહેણમાં વહી જાય..! અત્યારે, આ શબ્દો જે બોલાઈ રહ્યા છે. આ શબ્દો, જે ભાવસૃષ્ટિમાંથી આવી રહ્યા છે, તે ભાવજગતનો આધાર છે તેને! વાંચન-શ્રવણના શબ્દોના અર્થના ઊંડાણમાં ઊતરી જવાય. તેના ભાવનો સ્પર્શ, શબ્દને અને સાંભળનારને થઈ જાય... સાંભળનારની સાથે આ શબ્દો, કદાચ શબ્દ તરીકે ન રહે, પણ સાંભળનારના ભાવજગતમાં તે પ્રસરતા રહે, તે તમારી સાથે રહે, વિચારસરણીમાં ગૂંથાતા રહે, તેને યાદ રાખવાનો સવાલ ઓછો થાય...! સત્સંગમાં, સ્વ-સંગમાં રહેવાનો પ્રયત્ન કરવો. આત્મા ક્યાંક દૂ...ર છે એમ તો છે નહીં. તમે જ ચેતન-આત્મા છો. વાંચન-શ્રવણ પ્રમાણેની અનુભૂતિ નથી, તો હાલ શાની અનુભૂતિ છે? આજનું, અત્યારનું, આ સમયનું તમારૂં “સશું છે તે જોવા-સમજવાનો પ્રયત્ન કરી શકાય. કયા વિચારો મનની સપાટી પર તરી આવે છે? કઈ જરૂરિયાત, ઊતાવળ, અકળામણ ખેંચે છે? એનો સ્પષ્ટ ખ્યાલ આવવા દો. આ સઘળું જોનાર “કંઈક” છે. જોનારને જુઓ!
તા. ૨૭ સપ્ટેમ્બર ૨૦૦૦
સત્સંગી : શાસ્ત્રવાચનથી એમ જાણ્યું કે ભેદજ્ઞાન કરવું. ભેદજ્ઞાન કરવું હોય, તો, ધારો કે એક કોબી હોય. તેના એક પછી એક પાન તોડીને છૂટાં કરતાં જઈએ. એટલે કે એક ઇચ્છા થઈ, તેને છૂટી પાડી. આ રાગ થયો તેને છૂટો પાડ્યો. કોબીના એક એક પાન તોડતાં જઈએ. એક પછી એક બધા વિચારોને છૂટાં પાડીએ પછી બાકી બચે તે ધ્રુવ આત્મા?
બહેનશ્રી : મનુષ્યને કોબીની ઉપમા આપવામાં આવે, તો ઘણું ખરું, આ કોબી એક જાદુઈ કોબી છે. આ કોબીમાં એક પાન તોડતાં બીજા પાંચ પાન ઊગી આવે છે. એક ઇચ્છા પૂરી થઈ, અથવા આપ કહો છો તેમ છૂટી પાડી. તરત બીજી પાંચ ઇચ્છાઓ ફૂટી નીકળે, તેનું શું? આ પાંચમાંથી એક ઇચ્છા “તોડી”, બીજી પાંચ ઇચ્છા જન્મી. એક પાન તોડતાં પાંચ પાન ઊગી આવે તો સઘળા પાન ક્યારે તોડી રહેવાશે?