________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મૂળમાં ભૂલ
૭૪
જ્ઞાન, દર્શન, ચારિત્ર એ જ સુખરૂપ છે. શ્રી પ્રવચનસારજીમાં સ્વર્ગના સુખને ઊના ધગધગતા ઘી સમાન કહ્યાં છે; જેમ ઘી પોતાના સ્વભાવથી તો શીતળતા કરનારું છે પરંતુ અગ્નિનું નિમિત્ત પામીને પોતે વિકૃત થતાં તે ઘી દઝાડવાનું કાર્ય કરે છે; તેમ આત્માનો અનાકુળ જ્ઞાનસ્વભાવ પોતે સુખરૂપ છે, પરંતુ જ્યારે તે સ્વભાવમાંથી ખસીને પોતે નિમિત્તનું લક્ષ કરે છે ત્યારે આકુળતા થાય છે, તેમાં જો શુભરાગ હોય તો પુણ્ય છે અને અશુભરાગ હોય તો પાપ છે; પરંતુ પુણ્ય તે ધગધગતા ઘીની માફક જીવને આકુળતામાં બાળનારા છે અને પાપથી તો જીવ સાક્ષાત્ અગ્નિ સમાન નરકાદિમાં અત્યંત દુઃખી થાય છે. માટે હું ભાઈ નિમિત્ત! તું પુણ્યના સંયોગથી જીવને સુખ માને છે પરંતુ તેમાં સુખ નથી. પુણ્યના ફળમાં મળેલાં પાંચ ઇન્દ્રિયોના વિષયોના સંયોગથી જીવને કઈ રીતે સુખ થાય? ઊલટું પાંચ ઇન્દ્રિયોના વિષયનું લક્ષ કરવાથી જીવ આકુળિત થઈને દુઃખ ભોગવે છે, સુખ તો આત્માના અંતર સ્વભાવમાં છે. અવિનાશી શાયક સ્વભાવના લક્ષે, તેની શ્રદ્ધા-જ્ઞાન અને સ્થિરતાથી જ જીવ સુખી થાય છે, માટે અવિનાશી ઉપાદાન સ્વભાવને ઓળખીને તેના લક્ષે ઠરવું જોઈએ અને નિમિત્તનું લક્ષ છોડવું જોઈએ.
આત્માને સુખ જોઈએ છે, આત્માને પોતાના સુખ માટે શું કોઈ બીજા પદાર્થની મદદની જરૂર છે કે પોતાને પોતાના સ્વરૂપની શ્રદ્ધા-જ્ઞાન કરીને તેમાં રમણતા-કરવાની જરૂર છે? સુખી થવા માટે પ્રથમ તેનો ઉપાય તો નક્કી કરવો પડશે ને! એ નક્કી કરવા માટે આ ઉપાદાન-નિમિત્તનો સંવાદ ચાલે છે. અહીં આ હજારો આત્માઓ આવ્યા છે તે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com