________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્તે સંવાદ વિકાર છે-સંસાર છે, કેમ કે જે ભાવે નવું બંધન થયું તે રાગના કારણે તો જીવને નવો ભવ કરવો પડે છે, માટે નિમિત્તની કૃપાથી (રાગથી) તો જીવ ચાર ગતિમાં રખડે છે. રાગનું ફળ જ સંસાર છે. જો કે તીર્થકરગોત્ર બંધાય એવી જાતનો આત્મભાવસહિતનો રાગ તો સમ્યગ્દષ્ટિને જ હોઈ શકે, તોપણ તીર્થકરગોત્ર બંધાય તે રાગથી તેઓ રાજી થતા નથી પરંતુ તેને નુકશાન કર્તા જ માને છે. જે ભાવે તીર્થકરગોત્ર બંધાય તે ભાવે તીર્થકરપદ પ્રગટે નહિ પણ તે ભાવના નાશથી કેવળજ્ઞાન અને તીર્થંકરપદ પ્રગટે છે.
નિમિત્તે દલીલ કરી હતી રાગ તરફથી અને ઉપાદાન દલીલ કરે છે સ્વભાવ તરફથી. સમ્યજ્ઞાન દ્વારા ખુલાસો એમ થાય છે કે નિમિત્તના લક્ષે થતો તીર્થકરગોત્રનો રાગભાવ તો સંસારના ભવનું કારણ છે અને ઉપાદાનસ્વરૂપના લક્ષે સ્થિરતા તે જ મોક્ષનું કારણ છે, નિમિત્ત તરફના લક્ષે થતો ભાવ ઉપાદાનસ્વરૂપની સ્થિરતાને રોકનાર છે. કોઈ પણ પ્રકારનો રાગભાવ તે સંસારનું જ કારણ છે, પછી ભલે તે રાગ તિર્યંચગોત્રનો હો કે તીર્થકરગોત્રનો હો. જુઓ! શ્રેણિક રાજાને આત્મભાન હતું છતાં રાગમાં અટકયા હતા તેથી તીર્થકરગોત્ર બંધાણું હોવા છતાં, બે ભવ કરવા પડશે.
પ્રશ્ન- બે ભવ કરવા પડે એ સારું નહિ તે તો ઠીક પરંતુ જે ભવે તીર્થંકરગોત્ર બાંધે તે જ ભવે મોક્ષ પામે તો જે ભાવે તીર્થકરગોત્ર બંધાણું તે ભાવ સારો કે નહિ?
ઉત્તર- સિદ્ધાંતમાં ફેર ન પડે. ઉપર જ કહ્યું છે કે “કોઈ પણ પ્રકારનો રાગભાવ તે સંસારનું જ કારણ છે.'
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com