________________
સર્વોપલબ્ધિના ભોગનો યોગ હોવાથી જીવને ઇન્દ્ર કહેવાય છે. તેનું લિંગ અગર ચિહ્ન તે ઇન્દ્રિય છે. અથવા બીજા શબ્દોમાં જીવ વડે દેખાયેલ યા સરજાયેલ તે ઇન્દ્રિય છે. તેના પણ ચાર પ્રકાર છે. નામસ્થાપના સુગમ છે.
દ્રવ્યેન્દ્રિય :
દ્રવ્યેન્દ્રિયના બે ભેદ છે. એક નિવૃત્તિ અને બીજી ઉપકરણ. નિવૃત્તિના પાછા બે ભેદ છે. એક બાહ્ય અને બીજી અત્યંતર. બાહ્ય નિવૃત્તિ અનેક પ્રકારની હોય છે. અભ્યન્તર નિવૃત્તિ બધાને સરખી હોય છે. અભ્યન્તર નિવૃત્તિરૂપ ક્ષોત્રંદ્રિય બધાની કદંબ જાતિના પુષ્પ જવી હોય છે, ચક્ષુઇન્દ્રિય માંસનો ગોળો અથવા મસૂરના ધાન્ય જેવી હોય છે, ધ્રાણેંદ્રિય અતિમુક્તક પુષ્પ જેવી હોય છે, રસનેંદ્રિય ક્ષુરપ્ર એટલે અસ્ત્રાની ધાર જેવી હોય છે અને સ્પર્શનેંદ્રિય સૌ સૌના શરીરની આકૃતિ પ્રમાણે વિવિધ પ્રકારની હોય છે. આન્તર નિવૃત્તિ ઇન્દ્રિયની શક્તિ તે ઉપકરણેન્દ્રિય છે. વાતપિતાદિ દોષો વડે ને શક્તિનો ઉપઘાત થાય તો આન્તર નિવૃત્તિ ઇન્દ્રિયની હયાતિમાં પણ શબ્દાદિ વિષયોનું ગ્રહણ થઇ શકતું નથી.
ભાવેન્દ્રિય :
ભાવેન્દ્રિય બે પ્રકારે છે. એક લબ્ધિસ્વરૂપ અને બીજી ઉપયોગસ્વરૂપ. ઇન્દ્રિયાવરણ કર્મનો ક્ષયોપશમ તે લબ્ધિઇન્દ્રિય છે અને શબ્દાદિ વિષયોમાં ઇન્દ્રિયોને થતો પરિચ્છેદ (જ્ઞાન) તે ઉપયોગઇંદ્રિય છે. લબ્ધિઇન્દ્રિય હોય તોજ દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થાય છે.
ઉપયોગઇન્દ્રિયની અપેક્ષાએ સર્વ જીવો એકેન્દ્રિય છે, કારણ કે-એક કાળે બે ઇન્દ્રિયોનો ઉપયોગ કોઇને હોતો નથી.
લબ્ધિઇન્દ્રિયની અપેક્ષાએ સર્વ જીવો પંચેન્દ્રિય છે, કેમકે-બક્લાદિ વનસ્પતિઓને વિષે બીજી ઇન્દ્રિયોનો ઉપલંભ થાય છે.
દ્રવ્યેન્દ્રિયોની અપેક્ષાએ જીવોનો એકેન્દ્રિયાદિ વ્યવહાર થાય છે.
બાહ્યેન્દ્રિય રહિત છતાં લબ્ધિઇન્દ્રિય વડે સર્વ જીવો પંચેન્દ્રિય હોય છે, કારણ કે-બકુલાદિ વનસ્પતિઓમાં પાંચે ઇન્દ્રિયોનો ક્ષયોપશમ પ્રત્યક્ષ થાય છે. એમ જે કહ્યુ તેની વિશેષ સમજ એ છે કેબકુલવૃક્ષ - શૃંગાર યુક્ત સુંદર સ્ત્રી મદિરાનો કોગળો કરે, અગર તેના શરીર વડે સ્પર્શ કરે, અગર ઓષ્ઠ વડે ચૂંબન કરે તો ફ્ળવાળું બને છે. એજ રીતે ચન્દનાદિના ગન્ધ વડે, સારૂં રૂપ જોવા વડે અગર મધુર શબ્દોના ઉચ્ચારણ વડે પણ તેને ફૂલવાપણું દેખાય છે.
ચંપક વૃક્ષ - સુગંધી જળના સિંચન વડે પુષ્પોદ્ઘમાદિકને કરે છે. તિલક વૃક્ષ - સ્ત્રીના કટાક્ષ વડે અંકુરિત થાય છે. વિહરક વૃક્ષ
- પંચમ સ્વર વડે પુષ્પ-અંકુરાદિકનો ઉદગમ કરે છે.
ઇન્દ્રિયોની પ્રાપ્તિનો ક્રમ :
પ્રથમ લબ્ધિન્દ્રિય પ્રાપ્ત થાય. ત્યાર બાદ દ્રવ્યેન્દ્રિય પ્રાપ્ત થાય. દ્રવ્યેન્દ્રિયમાં પ્રથમ બાહ્ય તથા નિવૃત્તિ ઇન્દ્રિય પ્રાપ્ત થાય. પછી આંતર નિવૃત્તિ ઇન્દ્રિયની શક્તિરૂપ ઉપકરણેંદ્રિયની પ્રાપ્તિ થાય, અને અન્તે ઇન્દ્રિયાર્થ-ઇન્દ્રિયને વિષયનો પરિચ્છેદ અર્થાત્ ઉપયોગ થાય છે.
પરિષહોને નમાવનારા :
માર્ગથી નહિ ડગવા અને વિશેષ નિર્જરા કરવા જે સહન કરવા યોગ્ય છે, તે ક્ષુધા, તૃષા, શીત, ઉષ્ણાદિ ૨૨ પ્રકારના પરિષહો છે. તે સર્વ પરિષહોને શ્રી અરિહંતદેવો નમાવે છે.
Page 22 of 65