________________
આ રીતના ગુરુના સ્વરૂપનો જાણ આત્મા, પોતાના આત્માના કલ્યાણ કે હિત વિના બીજી એક પણ વાત ગુરુ પાસેથી ઇચ્છે પણ નહિ. ગુરુ પણ પોતાના પરિચયમાં આવનારના આત્માના સંસારથી નિસ્તાર વિના બીજી ઇચ્છા પણ કરે નહિ. તેથી જ પોતાની પાસે આવનારને ‘ધર્મલાભ’ વિના બીજા આશીર્વાદ પણ આપતા નથી. આના પરથી સુજ્ઞજનો ગુરુ શું આપે અને ગુરુ પાસે શું ઇચ્છાય તે સારી રીતના સમજી શકે છે. તેમ કરી પોતાના કલ્યાણને પણ નિશ્ચિત કરે છે. કેમ કે, ભગવદ્ભાવ પેદા કરવા જેમ દેવતત્ત્વની ઉપાસના છે તેમ ગુરુભાવ પેદા કરવા માટે જ ગુરુતત્ત્વની ઉપાસના કરવાની છે.
સુગુરૂ તેજ કે જે એ સુદેવે બતાવેલા માર્ગે ચાલનારા છે, એમની આજ્ઞા મુજબ વર્તનારા છે, એમની આજ્ઞાથી વિરુધ્ધ રીતિએ નહિ ચાલતા એમની આજ્ઞાનો જ પ્રચાર કરનારા છે. કંચન કામિનીના માત્ર ત્યાગી જ નહિ પણ વૈરી છે એટલે પોતે રાખે નહિ બીજા પાસે રખાવે નહિ અને રાખતાને સારા માને નહિ એવા છે. તમે ઘરબારી છો માટે સારા છો એમ માને નહિ પણ ફ્તી રહ્યા છો એમ માને અને કહે. એવા છે કે- દુનિયાનો રસિયો આવે ત્યારે કહે કે બંગલા એ કેદખાના છે સંસાર એ નરકાવાસ છે તેજ સુગુરૂ છે પણ સંસારને સ્વર્ગવાસ કહે એ સુગુરૂ નથી.
સંસારની દુ:ખમયતાને હૃદયમાં જચાવવાનું કાર્ય તેજ કરે કે જે સંસાર સાગરથી તરી પરને (બીજાને) તારવાને ઇચ્છતા હોય અથવા તો જે સંસારથી વિરક્ત બની એ જ્ઞાનીની આજ્ઞા મુજબ સ્વપર કલ્યાણની સાધનામાં જીવનનો વ્યય કરતા હોય. જે આત્માને સંસારમાં રસ આવે છે તે સ્વયં તરી પણ નથી શકતો અને પરને તારી પણ નથી શકતો. આજ હેતુથી જ્ઞાનાદિથી વિભૂષિત જૈન મુનિઓ સિવાય અન્ય કોઇ જ આ સંસાર સાગરના સાચા તારક નથી કારણ કે જે પોતાનો ઉધ્ધાર ન કરી શકે તે પારકાનો ઉપકાર પ્રાયઃ ન કરી શકે, જે સ્વયં તરવાને સમર્થ છે તે જ પારકાને સારી રીતે તારવા માટે સમર્થ છે. લાકડાની કે લોઢાની એમ નાવા તો બેય કહેવાય પણ લાકડાની નાવા તારે જ્યારે લોઢાની નાવા ડુબાડે ! જેનામાં તરવાની લાયકાત નથી તેનામાં બીજાને તારવાની લાયકાત નથી. જે આત્મા જ્ઞાની હોય, ક્રિયામાં તત્પર હોય, શાંત હોય, ભાવિતાત્મા હોય અને જિતેન્દ્રિય હોય તે જ પોતે તરે અને બીજાને તારી શકે.
તારક બનનારો આત્મા એકલો જ્ઞાની હોય તે ન ચાલે, પણ સમ્યજ્ઞાન મુજબની યથાશક્તિ ક્રિયા કરવા માં એ તત્પર હોવો જોઇએ. ક્રિયામાં તત્પરતા પણ ક્યારે ટકે ? ત્યારે જ કે જ્યારે તે શાંત હોય માટે એકલો જ્ઞાની તથા ક્રિયા કરનારો પણ ન ચાલે એટલે સાથે એ શાંત પણ જોઇએ, જેથી તે ક્રિયા તત્પર રહી શકે. એ શાંતિ પણ સદ્ભાવના હોય તો જ ટકે અને સદ્ભાવના ટકાવવાને માટે ઇન્દ્રિયો ઉપરનો કાબુ હોવો અતિ જરૂરી છે. ઇન્દ્રિયો ઉપર કાબુ તો ત્યારે જ મૂકાય કે જ્યારે વિષયની રસિકતા ઘટે અને વિષયો અસાર અને આત્મનાશક સમજાયા વિના વિષયની રસિકતા પણ ન ઘટે, વિષય પણ અસાર ત્યારે જ સમજાય કે જ્યારે એના આત્મનાશક સ્વરૂપનું બરાબર ભાન થાય. આખા સંસારનું સ્વરૂપ સમજે એ સમજ્યા પછી મમતા છોડી ઇન્દ્રિયો પરનો કાબુ મેળવી સદ્ભાવના ટકાવે તો શાંતિ આવે, શાંતિ આવ્યાની ક્રિયા ફ્ળ અને એ ક્રિયાને ફ્લીભૂત કરનાર જ્ઞાન હોવું જોઇએ. આ ગુણોવાળો સ્વયં તરે અને બીજાને તારે તે સુગુરૂ એટલે જૈનશાસનના ભગવાનની આજ્ઞા મુજબ જીવનારા ગુરૂ કહેવાય છે.
જે આત્મા સંસારથી તરવાના માર્ગમાં પ્રગતિ કરે છે તે જ આત્મા પારકાને તારવા શક્તિ ધરાવે છે. બાકી જેણે પોતાનું કલ્યાણ કર્યું નથી અને આરંભ સમારંભની તથા પાપની પ્રવૃત્તિથી જેણે પોતાના આત્માને બચાવવાનો માર્ગ લીધો નથી તે પારકાને કઇ રીતિએ બચાવે ?
Page 47 of 191