________________
પોતાના બાપના પણ જે દોષો સંત હોય-સાચા હોય અને જે દોષો અસત હોય-સાચા ન હોય તે બધાને વધારી વધારીને કહેવાની જે જે ટેવ હોય તે માણસ પિશુન કહેવાય. એવા પિશુનનો જે સ્વભાવ તેનું નામ પૈશુન્ય અર્થાત્ સંકલેશવાળા મન અને વચનની પ્રવૃત્તિ. એ પૈશુન્યની ટેવ નીતિના ચન્દ્રને માટે રાહુ સમાન છે. ઉત્તમતાના હંસને માટે ચોમાસાની મોસમ સમાન છે. કરૂણાના હરણને માટે સિંહ સમાન છે. સધર્મની જમીનને ખોદી નાખવા માટે હળ સમાન છે. દાક્ષિણ્યના મદનને માટે મહાદેવ સમાન છે. પોતાના કુળની મર્યાદાની કમળવેલ માટે હિમપાત સમાન છે. અર્થાત્ જ્યાં પૈશુન્ય હોય ત્યાં નીતિ, ઉત્તમતા, કરૂણા, સદ્ધર્મ, દાક્ષિણ્ય અને કુળની મર્યાદા વગેરે ગુણો ટકી શકતા જ નથી.
જે લોકોના મનમાં પૈશુન્ય વૃત્તિ ભરેલી હોય છે તેઓ રાત દિવસ બીજાના દોષોને જ જોયા કરે છે.
પિશુનવૃત્તિવાળો માણસ કૂતરા કરતાં ય નઠારો છે. કૂતરો બીજે ભલે ભસતો હોય પરંતુ ઉજળા વેશવાળા અને પોતાના પાલક ચિરપરિચિત માલિક તરફ તો કદી ભસતો જ નથી. એટલે પિશુને માણસ કરતાં કૂતરાને પણ ગુણવાળો કહેલ છે. તુચ્છ બુધ્ધિ ચાડીયો માનવ અવસ્થાથી ઉપજતી દુઃસ્થિતિને પામે છે.
૧૧. પરોપકાર ગુણ
ઉપકારના બે પ્રકાર છે. (૧) દ્રવ્ય ઉપકાર (૨) ભાવ ઉપકાર ખાનપાન વગેરે આપીને બીજાઓને સહાય કરવી તે દ્રવ્ય ઉપકાર.
દુ:ખથી પીડા પામતા પ્રાણીઓનાં ઉપર ઉપકાર કરીને જ્ઞાન આપવું. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ કરાવવી અને સચ્ચારિત્ર શીખવવું એનું નામ ભાવ ઉપકાર ગણાય છે.
જે લોકો સામાન્ય બુદ્ધિનાં-તુચ્છ પ્રકૃતિનાં અને પોતાના કલ્યાણ તરફ લક્ષ્ય વગરના હોય છે તેઓ ઉપકારને પણ કરી શકતા નથી.
મનુષ્ય જો સદા નિર્મળ યશને ચાહતો હોય તો અને નિર્વાણના સુખની વાંછા રાખતો હોય તો તેણે પરોપકારની પ્રવૃત્તિ તરફ જ પોતાની મતિને રાખવી તેનાથી વિમુખ ન થવા દેવી.
૧૨. વિનય ગુણ
જે માનવમાં ઉપર જણાવેલા બધાય ગુણો હોય પણ એક વિનય ગુણ ન હોય તો તે ભવા સાગરને તરવા સમર્થ થતો નથી.
જે વડે કર્મ દૂર કરી શકાય તેનું નામ વિનય. તેના બે ભેદ છે. (૧) દ્રવ્ય વિનય (૨) ભાવ વિનય. દ્રવ્યને માટે રાજ રાજેશ્વર વગેરેની સેવા કરવી તે દ્રવ્ય વિનય.
કર્મોનો નાશ કરવા માટે જ્ઞાનવાળા-દર્શનવાળા તથા ચારિત્રવાળાઓની સેવા કરવી તે ભાવવિનય. જે પુરૂષો વિનય ગુણ કેળવે છે તેઓ જશ મેળવે છે-લક્ષ્મીને રળે છે-વાંછિતની સિધ્ધિ પામે છે-અપૂર્વ ગૌરવ અને પૂજા તથા બહુમાન મેળવે છે તેમાં સંદેહ નથી.
Page 13 of 197