________________
મોક્ષમાર્ગમાં દાખલ થયેલા જીવાને અથવા મોક્ષમાર્ગમાં દાખલ કરવામાં જીવોને સહાય કરી કરીને મોક્ષમાર્ગમાં આગળ વધારવા, વધેલાને સ્થિર કરવા અને એમ કરતાં કરતાં આત્મિક ગુણોમાં સ્થિરતા પેદા કરવા, સહાય કરવાનું મન થાય. સહાય કરતો જાય તે આ જાપનો ગુણ કહેવાય છે અને એ સહાયથી પોતે પણ મોક્ષમાર્ગમા આગળ વધતો વધતો મોક્ષે પહોંચી જાય છે.
આ રીતે પાંચે પદોથી અથવા પાંચ પદોમાંથી કોઇપણ એક પદના ધ્યાનથી એટલે કે ભાવપૂર્વક મન-વચન-કાયાના યોગના વ્યાપારપૂર્વક નમસ્કાર કરવામાં આવે તો હજારો ભવો સુધી દુઃખ ભોગવવા લાયક કર્મો બાંધેલા હોય એ જો નિકાચીત રૂપે થયેલા ન હોય તો નાશ પામે છે. એટલે કે હજારો ભવો ભટકવાનું બાકી હતું તેનાથી મુક્ત થવાય છે અને જીવને સમકીતની પ્રાપ્તિ કરાવવામાં સહાયભૂત થાય છે અને જો સારો કાળ હોય, લઘુકર્મી આત્મા હોય તો કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરાવીને ભવનો નાશ કરાવવામાં સહાયભૂત થાય છે.
આથી જ્ઞાની ભગવંતો કહે છે કે ધર્મની તાકાત કેટલી છે ? કોઇ જીવે ક્રુર અને ઘાતકી પરિણામવાળા સિંહ, વાઘ આદિ તિર્યંચનું પૂર્વક્રોડ વરસનું આયુષ્ય બાંધ્યું હોય અને તે નિકાચીત ન હોય તો એ એકાગ્ર ચિત્તે કરેલી આરાધના એ આયુષ્યને ઓછું કરતા કરતા એક અંતર્મુહૂર્તનું કરી શકે છે અર્થાત્ થાય છે. આથી એ સમજવાનું છે કે એ જીવ પૂર્વક્રોડ વરસના આયુષ્ય રૂપે ઉત્પન્ન થઇ ક્રુર અને ઘાતકી પરિણામોથી પાપ બાંધતો બાંધતો પોતાનો સંસાર સંખ્યાતા ભવોનો અસંખ્યાતા ભવોનો કે અનંતા ભવોનો વધારીને દુઃખ દુઃખ અને દુઃખ જ પામવાનો હતો એના બદલે એ બધા કર્મોના બંધથી અટકી જઇને એક અંતર્મુહૂર્તમાં જ એ તિર્યંચપણામાંથી મનુષ્યપણું પામી શકે એવો પરિમિત સંસાર એકાગ્રચિત્તે કરેલો ધર્મ જીવને કરાવી શકે છે. આટલી શક્તિ વર્તમાનમાં મળેલા ધર્મની છે એમ જ્ઞાની ભગવંતો કહે છે.
પરમ પૂજ્ય ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજાએ નમસ્કાર મંત્રની ગીતામાં કહ્યું છે કે – જેનું ચિત્ત પાંચ પરમેષ્ઠિ પદમાંથી કોઇપણ પદથી વાસિત થયેલું હોય એટલે કે ઓતપ્રોત બનેલું હોય તેનું જીવન ધન્ય બનતું જાય છે. પુણ્યાનુબંધી પુણ્ય બાંધતો બાંધતો ઉદયમાં લાવીને ભોગવતો જાય છે અને એ સુખના કાળમાં જીવતો હોવા છતાંય એ સુખની સામગ્રી આર્તધ્યાન પેદા કરાવતી નથી અને આથી જ એ સુખની સામગ્રી દુર્ગતિમાં લઇ જનારી બનતી નથી. તથા સુકૃતની પ્રાપ્તિ કરતો કરતો એ જીવ સંસારનો ક્ષય જેમ બને તેમ જલ્દી થાય એ રીતે પ્રયત્ન કરતો જાય છે.
જ્ઞાનીઓએ નવકાર મંત્રને જાંગુલીમંત્ર તરીકે કહેલો છે એ જેની પાસે હોય એને મોહરાજા રાગ દ્વેષના ઉછાળા પેદા કરાવી શકે નહિ.
આચાર્ય ભગવંત હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે સિધ્ધયોગી એવા અરિહંત પરમાત્માઓ-ગણધર આદિ મહારાજાઓ યોગ એવા બે અક્ષરો પણ વિધાનપૂર્વક સાંભળનાર આત્માને અત્યંત પાપના ક્ષય માટે થાય છે એમ કહે છે.
આ બે અક્ષરો પાપના ક્ષય માટે થતાં હોય તો પંચ નમસ્કાર આદિ અનેક અક્ષરો માટે તો કહેવું જ શું ? (૧) શ્રી પંચ પરમેષ્ઠિ નમસ્કારના સાચા અધિકારી શ્રધ્ધા- સંવેગ આદિ ગુણોથી યુક્ત હોય એવા પુરૂષ
રત્નો કહેલા છે.
(૨) ભદ્રક પરિણામી એટલે સરલ સ્વભાવી જીવો કહેલા છે.
Page 7 of 75