________________
અને અણસમજના કારણે અથવા આસક્તિ અથવા રાગના કારણે દુરાચારનું સેવન થયેલું હોય એને અંતઃશલ્ય કહેવાય છે. આ શલ્યના કારણે પોતાના અંત:કરણમાં વારંવાર લજ્જા પેદા થતી હોય અને એ લજ્જાના કારણે આલોચના કરવાની ઇચ્છા ન થાય એટલે આલોચના કર્યા વિના મરણ પામવું તે અંતઃશલ્ય મરણ કહેવાય છે.
એવી જ રીતે ભગવાનના વચનથી વિરુધ્ધ વચન જેને ઉત્સુત્ર કહેવાય છે એ ઉત્સુત્ર જાણી જોઇને બોલે અથવા અજાણતાથી બોલાઇ જાય એનો મિચ્છામિ દુક્કડં દઇને આલોચના કરે નહિ અને મરણ પામે તે અંત:શલ્ય મરણ કહેવાય છે. જેમકે મરિચિ અહીં પણ ધર્મ અને ત્યાં પણ ધર્મ આટલું બોલ્યા પછી આલોચના વગર મરણ પામ્યા માટે સ્થલથી બારભવ સુધી અને સૂક્ષ્મથી અસંખ્યાતા કાળ સુધી સમકીતની પ્રાપ્તિ ન થઇ શકી તે અંત:શલ્ય મરણ કહેવાય છે.
(૭) તદ્ભવ મરણ :- જે ભવમાં પોતે હોય તે ભવનું આયુષ્ય બાંધીને મરણ પામવું તેને તદ્ભવ મરણ કહેવાય છે. આ મરણ નારકી અને દેવને હોતું નથી કારણ કે નારકીના જીવો નરકનું આયુષ્ય બાંધતા નથી અને દેવના જીવો દેવનું આયુષ્ય બાંધતા નથી. તેમજ યુગલિક મનુષ્યો અને યુગલિક તિર્યંચોને પણ આ મરણ હોતુ નથી એ સિવાયના બાકીના જીવોને હોઇ શકે છે.
(૮) બાલ મરણ :- મંદ મિથ્યાદ્રષ્ટિ જીવો અને સમકીતી જીવોનું જે મરણ તે બાળમરણ એટલે પુણ્યથી મળેલી સામગ્રી એકાંતે દુ:ખ રૂપ છે. દુ:ખનું ફળ આપનારી છે. દુ:ખની પરંપરા વધારનારી છે. આવી બુધ્ધિ પેદા કરીને એ વિચારોને અંતરમાં સ્થિર કરીને જીવન જીવે અને મરણ પામે તે પહેલા ગુણસ્થાનકપણાનું બાળમરણ કહેવાય છે તથા સમકીતી જીવોને પુણ્યથી મળેલી અનુકૂળ સામગ્રી એકાંતે દુ:ખ આપનારી હોવાથી છોડવાલાયક જ છે અને આત્મિક ગુણોને પેદા કરવા લાયકની સામગ્રી ગ્રહણ કરવા લાયક જ છે તેમજ જે ગુણો પેદા થયેલા હોય તે ગુણોને સ્થિર કરવા લાયક જ છે એવી બુદ્ધિ અંતઃકરણમાં સ્થિર કરીને જીવન જીવે અને મરણ પામે તે સમકિતી જીવોનું બાલમરણ કહેવાય છે.
(૯) બાલપંડિત મરણ :- જે જીવોને એટલે સમકીતી જીવોને સાતે કર્મોની સ્થિતિ અંતઃકોટાકોટી સાગરોપમની હોય છે તેમાંથી સંખ્યાતા પલ્યોપમ જેટલી સ્થિતિ ઓછી થાય ત્યારે દેશવિરતિનો પરિણામ પેદા થાય છે. એ દેશવિરતિવાળા જીવોનું મરણ તે બાલપંડિત મરણ કહેવાય છે.
(૧૦) પંડિત મરણ :- સાધુપણું લઇને સાધુપણામાં મરણ પામવું તેને પંડિત મરણ કહેવાય છે. સામાન્યથી પહેલા-ચોથા-પાંચમાં અને છઠ્ઠા ગુણસ્થાનકવાળા સાધુપણાનો સ્વીકાર કરી શકે છે. પહેલા ગુણસ્થાનકમાં રહેલા ગાઢ મિથ્યાદ્રષ્ટિ જીવો અનંતાનુબંધિ સંજવલન કષાયના ઉદયથી સંયમનો સ્વીકાર કરે છે તે દ્રવ્ય ચારિત્ર કહેવાય છે કારણ કે એ ચારિત્રનો સ્વીકાર કરી પૂર્વક્રોડ વર્ષ સુધી નિરતિચારપણે પાલન કરે તો પણ પોતાના આત્મામાં રહેલી ગ્રંથી મજબૂત કરે છે અને નવમા ગ્રેવેયકના સુખને મેળવવા માટે ચારિત્ર પાળે છે. આ જીવો સંયમમાં મરણ પામે તો પણ તે વ્યવહારથી પંડિત મરણ કહેવાય છે એટલે દ્રવ્ય પંડિત મરણ ગણાય છે.
પહેલા ગુણસ્થાનકમાં રહેલા કેટલાક જીવો પોતાની ગ્રંથીને ઓળખીને સુખ દુ:ખરૂપ લગાડી. ગ્રંથીભેદ કરવા માટે કોઇ ભારે કર્મીતાના કારણે છઠ્ઠા ગણસ્થાનકના પરિણામને ન પામેલા હોય અને પામવાના પુરૂષાર્થ માટે ચારિત્રનો સ્વીકાર કરે અને ચારિત્રમાં મરણ પામે તો તે જીવોનું મરણ ભાવથી પંડિત મરણ કહેવાય છે. આ જીવો અનંતાનુબંધિ સંજ્વલન કષાયના ઉદયથી સંયમનો સ્વીકાર કરે છે પણ તે પ્રશસ્ત કષાયથી સંયમનો સ્વીકાર કરે છે.
Page 68 of 75