________________
જપ કરવો હોય ત્યારે કોઈ શાંત/નીરવ સ્થાનમાં, ધ્યાન માટેના કોઈ પણ આસનમાં સ્થિર થવું. પછી આંખો બંધ કરીને સ્પષ્ટ ઉચ્ચારપૂર્વક જપ શરૂ કરવો અને, જાણે બીજાની વાત સાંભળતાં હોઈએ એ પ્રમાણે, જપના ધ્વનિને કાન દઈને સાંભળવામાં ચિત્ત પરોવવું. જપ માટે પોતાને ઈષ્ટ ગમે તે મંત્ર, ઈષ્ટદેવનું નામ કે આત્મજાગૃતિમાં ઉપયોગી એવું કોઈ એકાદ પદ લઈ શકાય. આરંભ વિશ મિનિટ કે અર્ધા કલાકથી કરવો. પછી સમય વધારતા જવું. રોજ નિયમિત કલાક-દોઢ કલાક આ અભ્યાસ થતો રહે તો થોડા વખતમાં, ચિત્તમાં ઊઠતા બીજા વિચારો ઘટતા જઈ, ચિત્ત જપ-ધ્વનિમાં વધુ ને વધુ ઓતપ્રોત થતું
જશે.
ઉચ્ચારપૂર્વકના જાપમાં ચિત્ત એકાગ્ર થતું જાય એ પછી, મોટેથી ઉચ્ચાર કર્યા વિના-જીભ અને હોઠનું હલનચલન રહે પણ જપનો અવાજ કોઈને ન સંભળાય એ રીતે-જપ કરવો. આ પદ્ધતિ થોડી વધુ એકાગ્રતા માગે છે. તેથી પ્રારંભમાં થોડો વિક્ષેપ અનુભવાશે, પણ એનો અભ્યાસ વધતાં ચિત્ત જપ સાથે જોડાયેલું રહેતું થશે. એ પછી, જીભ અને હોઠનું હલનચલન પણ બંધ કરી, માત્ર માનસિક જપ કરવો. જાણે સામે આલેખાયેલા મંત્રાક્ષરો વાંચતા હોઈએ એ રીતે, બંધ આંખે, કલ્પનાથી અંતશ્ચક્ષુ સામે મંત્રાક્ષરો જોવા પ્રયાસ કરવો. આ અભ્યાસમાં પ્રગતિ થતાં ઘણીવાર સાધકના મનશ્ચક્ષુ સમક્ષ મંત્રાક્ષરો જાણે તેજલીસોટાથી આલેખાયા હોય એટલા સ્પષ્ટ ઉપસી આવે છે, ને તેનું ચિત્ત શાંત થઈ જાય છે; તો કોઈ વાર જપ આપોઆપ બંધ પડી જાય છે, તે વખતે જપ કરવા પ્રયાસ ન કરતાં, ચિત્તની એ ઉપશાંત