________________
અને બીજી જ પળે દરજીએ પ્રાણ છોડી દીધા !
ઈતિહાસના પાને અનેક દૃષ્ટાન્તો મહારાજા પ્રદેશીની રાણી સૂર્યકાન્તા, રાજર્ષિ ભર્તૃહરિની પત્ની પિંગલા, સમરાદિત્ય ચરિત્રની પેટાકથામાં આવતી જિનદાસ શ્રાવકની કુલટા પત્ની, રામાયણની ખલનાયિકા શૂર્પણખા અને રાવણના શત્રુ વરુણરાજની પત્ની, યશોધર રાજાની પત્ની નયનાવલી વગેરે નારીચરિત્રના અઢળક દષ્ટાન્તો જોવા મળે છે.
બનાસકાંઠા જિલ્લાની એક બાઈને પતિએ જ પચાસ હજારનો દાગીનો બનાવી આપ્યો. એક વાર પતિ ધંધાની મુશ્કેલીમાં આવી ગયો. રકમ મેળવવા માટે ગીરવે મૂકવા દાગીના સ્ત્રી પાસેથી માંગ્યા, પણ સુવર્ણના મોહમાં પાગલ બનેલી તે સ્ત્રીએ ન જ આપ્યા. પતિ વહેલી સવારે આપઘાત કરવાની વાત કરીને ઘરમાંથી નીકળી ગયો. એ વાતને ત્રીસ વર્ષ થઈ ગયા છે. હજી પતિનો પત્તો નથી. કોઈ તે બાઈને કહે છે કે,“તું વૈધવ્ય સ્વીકાર અને તારા ઠાઠ-ઠઠારા અને ઉદ્ધત વેષાદિના નખરાં બંધ કરે.''
તો બાઈ આજે પણ જવાબ આપતાં કહે છે કે, “મારા ધણીનું મડદું મને દેખાડો પછી જ તમારી વાત હું વિચારીશ.”
હિડિંબા રાક્ષસી હતી એનો અર્થ એ નથી કે તે ક્રૂર અને ઘાતકી હતી. તેના કુળપરંપરાના સંસ્કાર તેવા જરૂર હતા પણ તે હતી તો આપણા જેવી જ બાઈ. માત્ર તે રાક્ષસ નામના કુળમાં (રાવણની જેમ) જન્મી હતી માટે રાક્ષસી કહેવાઈ હતી.
એટલે તેની પાસે પણ સારા સંસ્કારોની અપેક્ષા તો જરૂર રાખી શકાય, પણ જ્યાં સત્સંગ ન હોય ત્યાં આવી અપેક્ષા ઝાંઝવાના જળ જેવી જ ગણાય. ક્ષણ પહેલાં મારવા આવેલી ખૂની સ્ત્રી, ક્ષણ પછી કામાત્ત બનેલી કામુકા, તે પછી ચાક્ષુષીવિદ્યા આપીને કામ કઢાવવા મથતી વાણિયણ અને તે પછી ભાઈના મોતમાં રાજી સ્વાર્થસંગિની હિડિંબા !
કેટકેટલા તેના રૂપો પલટાતાં જાય છે ! અસ્તુ.
હિડિંબાની વિશિષ્ટ સેવા
હિડિંબા હવે પાંડવોની સાથે રહેવા લાગી. કુન્તી, દ્રૌપદીની તો તેણે એવી ચાકરી કરી કે તેમના મન ટૂંક સમયમાં જ તેણે જીતી લીધા.
સેવા જેવો જગતમાં કોઈ વશીકરણ-મન્ત્ર નથી.
હવે હિડિંબા જ કુન્તી અને દ્રૌપદીને પોતાના ખભે ઊંચકી લઈને પ્રયાણ કરતી. વળી તે પોતાની વિશિષ્ટ શક્તિના લીધે આકાશમાં અદ્ધર ચાલતી.
એક દિવસની વાત છે. પ્રયાણમાં કુન્તીને સખત તરસ લાગી. તેમાં તે ચક્કર ખાઈને બેભાન થઈ ગઈ. ભીમ અને અર્જુન જુદી જુદી દિશાઓમાં પાણી લેવા ગયા પણ બન્ને નિષ્ફળ ગયા. વીલે મોએ બે ય પાછા આવ્યા. પાણી ક્યાંય ન મળ્યું.
આ પરિસ્થિતિ યુધિષ્ઠિર માટે અસહ્ય બની ગઈ. મા બેભાન પડી હતી અને પાણી મળ્યું ન હતું. યુધિષ્ઠિરને સખત આઘાત લાગ્યો. તે મોટેથી પોક મૂકીને રડવા લાગ્યો.
ઓ હસ્તિનાપુરના રાજાધિરાજ ! તારી આ દશા !
ઓ પાંચ પુત્રોની મા કુન્તી ! તું પાણી વિના ટળવળે !
જૈન મહાભારત ભાગ-૧