________________
જાણે કે આધુનિક શ્રવણ.
થોડાક દિવસ તો સીધું ચાલ્યું. પણ એક વખત વાતો કરતાં રામુએ પ્રસ્તાવ મૂક્યો કે, “મને આવા ગામડામાં ગમતું નથી. વળી સાસુ-સસરાની મજૂરણ થવા હું અહીં આવી નથી. માટે આપણે આ ગામ છોડીને મોટા શહેરમાં જતાં રહીએ.”
ધડ કરતોકને દરજીએ જવાબ દીધો, “એ કદાપિ નહિ બને. પિતા મારે મન ભગવાન છે અને માતા ભગવતી. એમની સેવા એ તો મારું આજીવન વ્રત છે.”
રામુ સમજી ગઈ કે એની દાળ કોઈ પણ હિસાબે ગળે તેમ નથી. એને જોઈતા'તા શહેરના વિલાસ, શહેરના નવયુવાન સાથીઓનો સંગ, મુક્ત-જીવન, સહ-જીવન, બે-રોકટોક જીવન ! આમાનું કશુંય આ અલ્લડ યુવતીને સ્વપ્ન ય જડે તેમ ન હતું.
જમાનાના ઝેરી પવનની આ ગુલામડીએ મનોમન સઘળું પ્લાનિંગ કરી લીધું.
વળતે દિવસે એ પિયર ગઈ. એના નાના ભાઈ છગનને એણે રડતી આંખે સઘળી વાતો કરીને છેવટે કહ્યું, “વીરા મને કોઈ પણ રીતે તું આ કારાવાસમાંથી ઉગાર.”
ખૂબ વિચાર કરતાં પતિનું કાટલું કાઢી નાંખવાનો નિર્ણય લેવાયો. બીજે જ દિવસે છગન બનેવી પાસે ગયો. એને ઘેર આવવા અને બેનને લઈ જવા જણાવ્યું. પણ બનેવીએ કહ્યું, “તારી બેન હાલ ભલે પિયરમાં રહે. પાછા આવવાની શી ઉતાવળ છે ?'
પણ તો ય પરાણે દરજીને છગન ઘેર લાવ્યો.
દૂધપાક-પૂરીનું જમણ થયું. રાત પડી. વાતો કરતાં કરતાં સહુ સૂઈ ગયા. મધરાત થઈ. રામુ અને છગન, ભાઈ-બેન ઊઠ્યા. વિષકટોરો તૈયાર કરીને દરજી પાસે આવ્યા. ભરઊંઘમાંથી એને જગાડ્યો.
છગને કહ્યું, “આ ગ્લાસ પી લો.” દરજીએ કહ્યું, “પણ છે શું એ તો કહો? મારે કશું પીવું નથી. મને કેમ ઊઠાડ્યો ?”
છગને કહ્યું, “ગ્લાસ પીવો જ પડશે. તને તારું મોત બોલાવી રહ્યું છે. મારી બેનનું જીવન તેં ભાંગી નાંખ્યું છે. મા-બાપના ભગત સાથે મારી બેનને હું બાંધી રાખવા માંગતો નથી. જો આ ઝેરનો પ્યાલો છે. તારે પીવો જ પડશે.”
આટલું કહીને છગને દરજીની બોચી પકડી લીધી. બેન મદદ કરવા દોડી આવી. બન્નેએ ભેગા મળીને ઝેર પાઈ દીધું.
ચીસ નાંખતો દરજી ધરતી પર પટકાઈ પડ્યો. હજી એ છેલ્લા ભાનમાં હતો ત્યાં બેને પોતાના ભાઈને કહ્યું, “એને પૂરો જ કરી નાંખજે, જોજે કાચો રહી ન જાય.”
સવારના ચાર વાગ્યા હતા. ગાડામાં દરજીને નાંખીને સાત કિલોમીટર દૂર આવેલા કોક ગામના પાદરે એને નાંખી દીધો.
સન્નસીબે ત્યાં જ નાનું દવાખાનું હતું. ડૉક્ટરનો પટાવાળો ત્યારે વહેલો આવીને દવાખાનું સાફ કરતો હતો ત્યાં તેની નજર દરજી ઉપર પડી. તેની નજીક ગયો. જીવ જણાતાં ડૉક્ટરને બોલાવી
લાવ્યો.
ઉપચાર કરતાં દરજી થોડોક ભાનમાં આવ્યો. તેનું ‘ડાઇંગ ડેકલેરેશન” તૈયાર થયું. તેમાં તેના છેલ્લા ત્રુટક શબ્દો હતા, “મારી પત્નીએ તેના ભાઈને કહ્યું જોજે કાચો ન રહી જાય.”
જૈન મહાભારત ભાગ-૧