________________
ખડખડાટ હસી પડીને એકલવ્ય બોલ્યો, “પ્યારા ગુરુદેવ ! આપ જ મારા ગુરુ છો છતાં આવું કેમ પૂછો છો ? આપ જ મને જ્ઞાન આપો છો, પ્રેરણા અને બળ આપો છો. ક્યારેક નિરાશ થઈ જાઉં ત્યારે આપ જ માત્ર ચક્ષુથી મારી ઉપર સ્નેહ છલકાવી દઈને મને બળ આપો છો અને છતાં કેમ પૂછો છો કે તારા ગુરુ કોણ છે? જેવા આ અર્જુનદેવના આપ ગુરુ તેવા મારા પણ આપ જ ગુરુ છો ને ?”
અર્જુન દ્રોણાચાર્યની સામે વેધક નજર નાંખીને પૂછતો હતો કે, “ગુરુદેવ ! હવે જવાબ આપો કે આપ તેના ગુરુ છો કે નહિ ?”
દ્રોણાચાર્યે એકલવ્યને કહ્યું, “ભાઈ ! ધનુર્વિદ્યાનું શિક્ષણ મેં શી રીતે તને આપ્યું? તે હજી મને સમજાતું નથી.”
તે વખતે એકલવ્ય બાજુના જ વૃક્ષ તરફ આંગળી કરીને દ્રોણાચાર્યની પોતે બનાવેલી માટીની પ્રતિમા દેખાડીને કહ્યું, “કહો, ગુરુદેવ ! આ આપ નથી ? આપની જ પાસેથી હું પ્રેરણા, જ્ઞાન, ઉલ્લાસ મેળવીને હું વિદ્યોપાર્જન કરી રહ્યો છું. હવે મારી વાત સમજાઈ ગઈ ને ?”
પ્રતિમાની પ્રચંડ તાકાત માત્ર પ્રતિમાનું આલંબન લઈને એકલવ્ય સવાયો અર્જુન બની ગયો હતો એ સત્ય કટુ લાગતું હોય તો ય હવે દ્રોણાચાર્ય અને અર્જુનને માન્યા વિના છૂટકો ન હતો.
ના, એ સાક્ષાત્ દ્રોણ ન હતા, પણ સાથોસાથ એ પથ્થર પણ ન હતો. એ દ્રોણાચાર્યની પ્રતિમા હતી. જૈનો જેને સ્થાપનાનિક્ષેપ કહે છે તે હતો.
જેને એ નિક્ષેપમાં જે દેખાય છે તેવો બની જાય. પથ્થર દેખાય તે પથ્થર બને. ભગવાન દેખાય તે ભગવાન બને.
પ્રતિમાએ આપણી ઉપર કશું જ કરવાનું હોતું નથી. ભગવાને કે ગુરુને ય આપણી ઉપર કશું કરવાનું નથી. એમનું આલંબન લઈને આપણે જ તેમના પ્રત્યે દાસભાવ કેળવવાનો છે.
એ આપણો ભાવ જ આપણા હૈયે બિરાજમાન થયેલો ભગવાન છે. એની હાજરી માત્રથી અનંત કર્મોના ભુક્કા નીકળી જાય છે. ના, “આલંબન લીધા વિના એ ભાવ જાગવો મુશ્કેલ છે. આકર્ષક નારીને જોતાં જો વાસનાના ભાવો ભડકે બળતા હોય; અન્યથા નહિ, તો તે તમામ વ્યક્તિઓને મારે કહેવું છે કે તમે જો સારું આલંબન લેશો તો તમારા હૈયે ટનબંધ શુભ ભાવોની પેદાશ થયા વિના રહેવાની નથી.
અશુભ આલંબને-નિમિત્તે જો અશુભ ભાવોનું જાગરણ, અન્યથા નહિ, તો શુભ આલંબનેનિમિત્તે શુભ ભાવોનું જાગરણ શા માટે નહિ ? આલંબન વિના જ શુભ ભાવો શી રીતે જાગી શકે
સબૂર ! જેને આલંબન વિના પણ શુભ ભાવો જાગ્રત થતા હોય તેણે સંસાર ત્યાગીને સાધુ બની જવું રહ્યું. અમુક કક્ષા પછી ત્યાં આલંબનની પણ જરૂર રહેવાની નથી. સહજ રીતે જ એ ખસી જવાનું છે.
દ્રોણાચાર્યને ક્યાં કશોય ભાવ હતો એકલવ્ય ઉપર...છતાં પણ એકલવ્ય સવાયો અર્જુન એટલા માટે બન્યો કે એકલવ્યને દ્રોણાચાર્ય ઉપર અસીમ બહુમાનભાવ હતો. આવો ભાવ પ્રતિમાનું આલંબન લઈને જ જગાડી શક્યો હતો.
જૈન મહાભારત ભાગ-૧