________________
પ્રથમવૃત્તિનું નિવેદન
પરમાત્મદશાને પામેલા એવા પરમકૃપાળુ પરમગુરુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુની અનન્ય શ્રદ્ધા ભક્તિ કરીને જે સ્વયં પરમાત્મદશાને પામ્યા એવા શ્રીમદ્ લઘુરાજ સ્વામી (પ્રભુશ્રીજી)નું આ સચિત્ર જીવન દર્શન પ્રગટ કરતા આનંદ થાય છે. જે પૂજ્યશ્રી બ્રહ્મચારીજી દ્વારા રચિત શ્રીમદ્ લઘુરાજ સ્વામીના જીવન ચરિત્રના આધારે બનાવેલ છે.
પરમકૃપાળુદેવે પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીને સં.૧૯૫૪માં વસો ક્ષેત્રે આત્મજ્ઞાન પ્રાપ્ત કરાવી બીજા જીવોના ઉદ્ધાર માટેની આજ્ઞા કરેલ. તે આજ્ઞાને ઉઠાવવા ભગવાન મહાવીરનો મૂળમાર્ગ પરમકૃપાળુદેવના વચનામૃતો દ્વારા પ્રગટમાં લાવનાર એવા પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીનો આપણા ઉપર અનન્ય ઉપકાર છે. જો ૫.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીની હયાતી ન હોત તો પરમકૃપાળુદેવ દ્વારા પ્રકાશિત મૂળમાર્ગ આપણા સુધી પહોંચવો મુશ્કેલ હોત. પણ પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીની અદ્ભુત યોગબળવાળી મુનિદશા હોવાથી આપણને પરમકૃપાળુદેવના વચનો ઉપર શ્રદ્ધા થઈ અને વર્તમાનમાં બહુ લોપ એવા મૂળ વીતરાગમાર્ગની પ્રાપ્તિ થઈ; જેથી આપણા મહાભાગ્યનો ઉદય થયો.
પ..દેવે જણાવ્યું છે કે “તેવું સ્થાન ક્યાં છે કે જ્યાં જઈને રહીએ? તે પણ ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીના યોગબળે આ અગાસ આશ્રમ બની આવ્યું. જ્યાં આવી આપણે અપૂર્વ શાંતિનો અનુભવ કરીએ છીએ. તે ઉપકાર પણ પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીનો જ છે. વળી જેમના નિમિત્તે, સ્મરણ મંત્રો, છ પદનો પત્ર તથા આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના થઈ એવા પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીનો અનંત ઉપકાર સર્વથા અવર્ણનીય છે. તેવા ઉપકારની કિંચિત્ સ્મૃતિરૂપે એવા મહાપુરુષની ભવ્યજીવોને ઓળખાણ થાય, શ્રદ્ધા થાય, તથા તેમનો આત્મલક્ષી બોઘ જીવનમાં ઊતરી જીવોનું કલ્યાણ થાય તે અર્થે તેમના આ સચિત્ર જીવન દર્શનની ઝાંખીઓ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. આ સચિત્ર જીવન દર્શનમાં બઘા મળીને ૫૧૧ દર્શનીય ફોટાઓ છે. | સંવત્ ૨૦૦૧માં જ્યારે પરમકૃપાળુદેવનું સચિત્ર જીવન દર્શન બહાર પાડ્યું તે વખતે અનેક મુમુક્ષુઓની એવી ઇચ્છા થઈ કે પ.પૂ.પ્રભુશ્રીજીનું સચિત્ર જીવન દર્શન પણ એવું થાય અને સાથે એમના પ્રેરક પ્રસંગોના પણ ચિત્રો જો બને તો ઘણાને ભક્તિભાવ અને શ્રદ્ધાની દ્રઢતાનું કારણ થાય. એ ભાવનાને લક્ષમાં લઈ, તેમના કેટલાં ચિત્રો બની શકે તેની નોંધ કરી, તે તે ચિત્રો બનાવવાનું કામ શરૂ કર્યું, જે લગભગ અઢી વર્ષે પૂરું થયું. આપણી દોરવણી અનુસાર શ્રી પ્રફુલ્લભાઈએ તથા શ્રી ભાર્ગવે બહુ પ્રેમથી આ કામ કરી આપ્યું.
એમાં જે પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજી સાથેના મુમુક્ષુઓના પ્રસંગો છે, તે મેં મુમુક્ષુઓને પૂછી પૂછીને લખેલા, તથા કોઈએ પોતે જાતે લખીને આપેલા છે. અમુક પ્રસંગો શ્રી જીતુભાઈએ મુમુક્ષુઓ પાસે સાંભળીને કે પૂછીને લખેલા હતા, તેમાંથી પણ લીધા છે. શ્રી ભાવનાબેને પણ ઘણા મુમુક્ષુઓની પાસે બેસીને પ્રસંગો લખ્યા છે. કોઈ પ્રસંગો મુમુક્ષુઓએ સ્વયં લખેલા તેના લખાણો મળેલા તેના ઉપરથી લીધા છે. એ બધા પ્રસંગો સચિત્ર છપાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય આ છે કે પ.પૂ.પ્રભુશ્રીજી સાથે બનેલ વાસ્તવિક ઘટનાઓને જાણી મુમુક્ષુઓને અત્યંત ઉલ્લાસભાવ થાય છે અને શ્રદ્ધા થવાનું પણ તે પ્રબળ કારણ બને છે.
કોઈને લાગશે કે આમાં ચમત્કારના પણ પ્રસંગો છે. તે લેવાનું કારણ એ છે કે લોકોને મોટે ભાગે બાહ્યનું ઓળખાણ હોવાથી તે વાતો સાંભળીને તેમના પ્રત્યે આકર્ષણ થાય, માહાભ્ય લાગે કે ઓહો! આવા તેઓ મહાત્મા હતા! જેમકે પૂ.શ્રી બ્રહ્મચારીજીએ
જીવનકળા'માં શ્રી ટોકરશી મહેતાનો પ્રસંગ લખ્યો છે. તે ટોકરશી મહેતાને સન્નિપાતનો રોગ હતો; તે હાથના ઈશારામાત્રથી પરમકૃપાળુદેવે દૂર કર્યો. છેલ્લે તેમની વેશ્યા પણ બદલાવી અદ્ભુત અનુભવ કરાવ્યો. તે વાંચીએ ત્યારે લાગે છે કે જ્ઞાની પુરુષોમાં કેવી કેવી અદ્ભુત શક્તિઓ રહેલી છે. જ્યારે જરૂર પડે અને સામાને લાભનું કારણ જણાય તો તેનો ઉપયોગ કરે છે અને તેનું પાછું પ્રાયશ્ચિત લે છે. માટે એવા મહાપુરુષોની ભક્તિમાં મંડ્યા રહીએ એમાં આપણું પરમ કલ્યાણ છે.
આ ગ્રંથના ચિત્રો બનાવવાનો બધો ખર્ચ શ્રી છીતુભાઈ વલ્લભભાઈ પટેલ આસ્તાવાળાએ બહુ ઉલ્લાસભાવથી આપી ઘર્મપ્રેમ દર્શાવ્યો છે; તે બદલ તેમને ઘન્યવાદ ઘટે છે. આ જીવન દર્શન, સૌને સત્ શ્રદ્ધાવંત બનાવવામાં સહાયરૂપ થાઓ; એવી શુભેચ્છા સહ અત્રે વિરામ પામું છું.
-આત્માર્થ ઇચ્છુક, પારસભાઈ જૈન
(૩)