________________
બ્ર. શ્રી સાકરબેન પ્રેમચંદ શાહ
અગાસ આશ્રમ
(શ્રી સાકરબેન સાથે ભાવનાર્બન પારસભાઈને થયેલી વાતચીત મુજબ
પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીના પ્રથમ દર્શન મને મુંબઈમાં થયા હતા. પ.પૂ.પ્રભુશ્રીજી મુંબઈ પધારેલા. ત્યાં મારા મામા મણિભાઈ કલ્યાણજીએ વાતચીતના પ્રસંગમાં પ્રભુશ્રીજીને કહ્યું કે મારી ભાણી મદ્રાસ ભણે છે તે હમણાં અહીં આવેલ છે. ત્યારે પ્રભુશ્રીજી કહે ક્યાં છે? વગેરે વાતો થઈ. પછી કેસરમામીના કહેવાથી હું પ્રભુશ્રીજીના દર્શન કરવા ગઈ. તેમના બોઘના પ્રસંગથી મહાત્મા સારા છે એવો મને ભાવ ઉત્પન્ન થયો. પ્રભુશ્રીજીએ મને વાંચવા માટે વચનામૃત આપ્યું. તે લઈ હું મદ્રાસ ગ. ત્યાં વચનામૃત પુસ્તક વાંચ્યું. બહુ આનંદ થયો.
મારે અગાસ આશ્રમ જવું છે
મદ્રાસ ભણવાનું પૂરું થવાથી હું મુંબઈ આવી. મુંબઈમાં મારા ભાઈ પદમશીભાઈ સાથે રહેવા લાગી. ભાઈ કામે લાગ્યા પણ લગ્ન થયા નહોતા. તેથી રસોઈ વગેરે ઘરનું કામ હું કરતી હતી. મેં સર્વીસ ચાલું કરી નહોતી. મારા માતાપિતા ગુજરી ગયા હતા. મારા બા મારી નવ વર્ષની ઉંમરે, પિતાશ્રી બાર વર્ષની ઉંમરે ગુજરી ગયા હતા. પછી મારા દાદાએ મને અમદાવાદ, સુરત, મુંબઈ જ્યાં સારી સ્કૂલ હોય ત્યાં ભણવા મોકલી. કૉલેજ માટે મદ્રાસમાં ઇંગ્લીશ સારું હોવાથી ત્યાં ભણવા મૂકી. દાદાનો મારા ઉપર પ્રેમ ઘણો હતો. તેમનો પણ દેહ મારા કૉલેજના છેલ્લા વર્ષમાં છૂટી ગયો.
એકવાર પદમશીભાઈ કાઠીયાવાડ જતા હતા. ત્યારે મેં કહ્યું ભાઈ હું પણ તમારી સાથે આવું? મારે અગાસ આશ્રમ જવું છે. હું આશ્રમ આવી ત્યારે મામા મણિભાઈ અને મામી કેસરબેન આશ્રમમાં જ હતા. મને કેંસરમામી પૂ.પ્રભુશ્રીજીના દર્શન કરવા લઈ ગયા. શાંતિસ્થાનમાં ચિત્રપટની સ્થાપનાની બાજુમાં પૂ.પ્રભુશ્રીજી પાટ ઉપર બિરાજેલ હતા. મુમુક્ષુઓ બેઠા હતા.
અમને ન માનો પરમકૃપાળુદેવને માનો
બોઘમાં પૂ.પ્રભુશ્રીજીએ જણાવ્યું કે અમને ન માનો, પરમકૃપાળુદેવને માનો. એમ ત્રણવાર કહ્યું. તેથી મારા મનમાં એવી છાપ પડી કે આ મહાત્મા કેવા નિસ્પૃહ છે કે જે પોતાને મનાવા ઇચ્છતા નથી. જ્યારે બીજા સાધુઓ તો પોતાને મનાવે. પછી અમે ઘેર ગયા. થોડીવારમાં પૂ.પ્રભુશ્રીજીએ અમને ઉપર બોલાવ્યા. હું તથા કેસરમામી ઉપર ગયા. દર્શન કરીને બેઠા. પછી પૂ.પ્રભુશ્રીજીએ કલાક દોઢ ક્લાક એવો બોધ આપ્યો કે હું
તો તે સાંભળીને ઠરી જ ગઈ. દાદા જવાથી મનમાં દુઃખ હતું તે દૂર થયું અને લાગ્યું કે બાપા કહો, દાદા કહો મારા માટે સર્વસ્વ એ જ છે, પ્રભુશ્રીજી પ્રત્યે એવો ભાવ મનમાં પ્રગટ થયો.
પ્રભુશ્રીજીની આજ્ઞા પ્રમાણે વાંચન, મનન
પછી પૂ.પ્રભુશ્રીજીએ મને મંત્ર આપ્યો, તત્ત્વજ્ઞાન આપ્યું અને આત્મસિદ્ધિ, છ પદનો પત્ર વગેરે મુખપાઠ કરવાની આજ્ઞા આપી. ચાર પાંચ દિવસ પછી મુંબઈ ગઈ. ત્યાં આખો દિવસ દરવાજો બંધ કરી અંદર ગોખવાનું કે વાંચવાનું કર્યાં કરું. પદમશીભાઈ કામેથી ઘરે આવે ત્યારે દરવાજો ખોલું. પાડોશી કહે આખો દિવસ અંદર એકલી બેસીને શું કર્યા કરે છે.
પછી મેં સ્કૂલમાં પ્રિન્સીપાલની સર્વીસ ચાલુ કરી. બે ચાર દિવસ રજા હોય ત્યારે આશ્રમ આવી જાઉં. વ્રતના પ્રભાવે ભાવોમાં ફેરફારનો સાક્ષાત્ અનુભવ એક વખત આશ્રમ આવી ત્યારે બ્રહ્મચર્ય વિષે વાંચન કેટલાય દિવસથી ચાલતું હતું. તે વખતે પ્રભુશ્રીજીએ મને કહ્યું વ્રત લેવું છે ? મેં કહ્યું હા પ્રભુ. પછી મને બે વર્ષ માટેનું બ્રહ્મચર્ય વ્રત આપ્યું. એ વ્રત લઈ હું મુંબઈ ગઈ. વ્રતના પ્રભાવથી ભાવમાં પણ ફેરફાર જણાયો. વ્રતનું માહાત્મ્ય કેવું છે તેનો મને સાક્ષાત્ અનુભવ થયો. પછી કોઈ પણ વ્રત કે નિયમ પ્રભુશ્રીજી લેવાનું કહે તે મારે લેવું એવો મનમાં નિશ્ચય કર્યો. પ્રભુશ્રીજી મળ્યા પહેલા પણ મારે લગ્ન કરવાનો વિચાર નહોતો.
૧૯૭