________________
ઉત્તમ ભાવનાથી રોગનું શમન
આવી સંસારત્યાગની ઉત્તમ ભાવનાથી, વટામણ ગામમાં જ એક ઠાકર દવાનાં પડીકાં વેચતો હતો. તેને ત્યાંથી કસલીબાએ થોડાં પડીકાં લાવી પુત્રને ખવરાવ્યા. તેથી ઝાડા થયા અને રોગ ઉપશમી ગયો. સર્વને આનંદ થયો. પણ લલ્લુભાઈ અને દેવકરણજીએ જે ગુપ્ત વિચાર કરી રાખ્યો હતો તે હવે પાર પાડવા ખંભાતવાળા ગુરુ શ્રી હરખચંદજી પાસે જવા ઠરાવ્યું. તે સુરતમાં હતા. સુરત જઈ ગુરુને વંદન કરી બન્નેએ દીક્ષા લેવાના ભાવ દર્શાવ્યા. પણ મા-બાપની રજા મળ્યા વિના દીક્ષા આપવાની તેમણે ના કહી. દીક્ષાની વાત માતાને કાને આવી કે તે શંકર નામના મુનીમને સાથે લઈ રોતા-કકળતાં સુરત ગયા અને બે વર્ષ સંસારમાં હજી રહે અને પછી જો વૈરાગ્ય ઉપજે તો પોતે રોકશે નહીં. એમ ગુરુની સાક્ષીએ માતાજીએ જણાવ્યું. હવે કોઈ ઉપાય રહ્યો નહીં. તેથી લલ્લુભાઈ માતાજી આદિ સાથે ઘેર આવ્યા અને ઘર્મધ્યાનમાં ઘણો ખરો વખત ગાળવા લાગ્યા. સંસાર છોડવો જ છે એમ દ્રઢ નિશ્ચય થયા પછી પણ પરવશપણે તેમાં પ્રવર્તવાનું બે વર્ષ સુધી બન્યું.
સં. ૧૯૪૦માં શ્રી લલ્લુભાઈની ત્રીસ વર્ષની ઉમ્મરે તેમના પત્ની નાથીબાઈએ એક પુત્રને જન્મ આપ્યો. તેનું નામ મોહન રાખવામાં આવ્યું. સર્વત્ર આનંદ ફેલાયો. પરંતુ લલ્લુભાઈ અને દેવકરણજીને દીક્ષા સંબંધીના વિચાર તરંગો ઊઠ્યા. સવા માસનો પુત્ર થયો તેટલામાં તો બન્ને ગુરુને વાંદવા ગોઘરા ગયા અને દીક્ષા આપવા વિનંતી કરી. પણ ગુરુએ માતાજીની આજ્ઞા સિવાય દીક્ષા આપવાની ફરીથી ના કહી. તેથી ગુરુને વટામણ પઘારવા જણાવ્યું. ગુરુજીએ વટામણ આવી એક માસની સ્થિરતા કરી. ત્યાં વૈરાગ્યનો બોઘ માતાજીએ સાંભળીને દીક્ષાની સમ્મતિ આપી.
૬