________________
વ્યવહારકુશળતા ગામના લોકોમાં તેમની આબરૂ સારી. ગરાસીયા, પટલીયા, રબારી તેમજ બ્રાહ્મણ, વાણિયાઓ સાથે ઉચિત વર્તાવ રાખી સર્વની પ્રસન્નતા પ્રાપ્ત કરવાની કશળતા નાની ઉમ્મરથી તેમણે પ્રાપ્ત કરી હતી.
યોગ્ય વયે તેમના લગ્ન થયા. સગર્ભાવસ્થામાં ઘણાં જામફળ ખાવાથી પત્નીનો દેહ છૂટી ગયો. તેથી વરતેજ ગામના ભાવસારની પુત્રી નાથીબાઈ સાથે તેમના બીજીવારના લગ્ન થયાં. આમ સાંસારિક સુખમાં સત્તાવીશ વર્ષ સુધીની તેમની ઉમ્મર વ્યતીત થઈ.
તેમનો વ્યવસાય નાણા ઘીરઘારનો હતો. તેથી નાણા ઘીરતા. ગામડાના લોકોની પ્રમાણિકતા અને સરળતાથી પાછા વ્યાજ સહિત નાણા ભરી પણ જતાં કે અનાજ, ગોળ વગેરે વસ્તુઓ આપી, દેવું પતાવી જતાં. કોઈ માણસ નાણા ન આપે તો આકરા શબ્દોથી સતાવીને કે સરકારમાં ફરિયાદ કરીને કે જતી કરી પૈસા માટે વૈર બાંધવું એ તેમને બિસ્કુલ પ્રિય નહોતું; તેથી બીજા ગૃહસ્થો દ્વારા શરમાવી, સમજાવીને કામ કાઢી લેતાં. છતાં લાંબી ઘીરઘાર થઈ જવાથી અને લોકોની વૃત્તિઓ ફરતી જોઈને પૈસા આપી વૈર વઘારવા જેવા આ ઘીરઘારના ઘંઘાથી તેઓ કંટાળી ગયા હતા.
વ્યાધિનો ઉપદ્રવ
સં.૧૯૩૭માં સત્તાવીસ વર્ષની ઉમ્મરમાં તેમને પીપાંડુ નામનો રોગ થયો. અનેક પ્રકારે ઉપચારો કરતાં છતાં તે બઘા વ્યર્થ ગયા. બાર માસમાં શરીર બહુ ક્ષીણ થઈ ગયું. એક વૈદ્ય પર્પટીની માત્રા ખવરાવીને કહ્યું કે જો આયુષ્ય હશે તો શરીરનો બાંધો બહુ મજબૂત થશે. તેથી પણ વ્યાધિ અટક્યો નહીં. ઘોળકાનાં એક પ્રખ્યાત વૈદ્ય વિષે એવી લોકવાયકા હતી કે જે બચવાનો હોય તેની જ તે દવા કરે છે. ત્યાં ગયા ત્યારે તેણે પણ દવા કરવાની ના પાડી દીધી. એટલે ચોક્કસ થયું કે હવે શરીર ટકશે નહીં.