________________
સંપાદકીય નિવેદન
પૂજ્યશ્રી બ્રહ્મચારીજીના નિર્વાણ અર્ધ શતાબ્દી મહોત્સવ નિમિત્તે તેઓશ્રીનું ‘સચિત્ર જીવન દર્શન’ પ્રગટ કરતા અંતરમાં આનંદ અનુભવાય છે.
આર્ય ભારતદેશમાં, સો વર્ષના અંતરાલમાં આવા ત્રણ મહાપુરુષો જન્મ લઈ ભગવાન મહાવીર દ્વારા ઉપદિષ્ટ મૂળ વીતરાગ મોક્ષમાર્ગને પ્રગટ કરી, વિસ્તારીને ચાલ્યા ગયા, એ આપણા મહાભાગ્યનો પરમ ઉદય સૂચવે છે. સૌથી પ્રથમ સંવત્ ૧૯૧૦માં પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીનો જન્મ, પછી સંવત્ ૧૯૨૪માં જ્ઞાનાવતાર પરમકૃપાળુદેવનો જન્મ તેમજ સંવત્ ૧૯૪૫માં ૫.ઉ.પ.પૂ. બ્રહ્મચારીજીનો જન્મ થયો. અને પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીનો જન્મ સંવત્ ૧૯૧૦માં તથા પ.ઉ.પ.પૂ.બ્રહ્મચારીજીનો દેહવિલય સંવત્ ૨૦૧૦માં થવાથી બરાબર સો વર્ષના અંતરાલમાં ત્રણ સમકાલીન સત્પુરુષોનો સુમેળ થઈ વીતરાગ માર્ગનો પરમ ઉદ્યોત થયો છે.
આવા મહાપુરુષોના પવિત્ર જીવનને જાણી, શ્રદ્ધી તે પ્રમાણે જીવન જીવી મુમુક્ષુઓ પણ પોતાનું કલ્યાણ કરે એ આ ગ્રંથ પ્રગટ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે. તેથી આ ગ્રંથમાં સૌથી પ્રથમ પૂજ્યશ્રી બ્રહ્મચારીજીનું સચિત્ર જીવન ચરિત્ર મૂકવામાં આવેલ છે. આ સચિત્ર જીવન દર્શનમાં બધા મળીને કુલ ૪૦૧ દર્શનીય ફોટાઓ છે.
ત્યારબાદ જે મુમુક્ષુઓ પૂજ્યશ્રીના સમાગમમાં આવેલા તેમના દ્વારા લિખિત અથવા કથિત પ્રસંગોને ‘પ્રેરક પ્રસંગો’નામના વિભાગમાં ચિત્રો સહિત આપવામાં આવેલ છે. જેથી વાંચનારને તે પ્રસંગ તાદૃશ્ય નજર સમક્ષ જણાય.
ઇસ્વી સન્ ૨૦૦૧માં પરમકૃપાળુદેવનું સચિત્ર જીવનદર્શન બહાર પાડ્યું તે વખતે મુમુક્ષુઓએ એવી ભાવના દર્શાવેલી કે પૂજ્યશ્રી બ્રહ્મચારીજીનું પણ આવું કલર સચિત્ર જીવન દર્શન તથા પ્રસંગો બહાર પડે તો ઘણાને લાભનું કારણ થાય. તે વિચારને ઝીલી લઈ તે કામનો આરંભ કરેલ. તેની પૂર્ણાહુતિમાં લગભગ બે વર્ષનો સમય પસાર થયો. આપણી દોરવણી પ્રમાણે શ્રી પ્રફુલ્લભાઈ તથા શ્રી ભાર્ગવે આ કામ પૂરું કરી આપ્યું. આ તાદૃશ્ય બનેલ ચિત્રોની અસર માનવના માનસ ઉપર જાણે કોતરાઈ જાય છે. જ્યારે જ્યારે પ્રસંગ યાદ આવે કે તે ચિત્ર સ્મૃતિપટમાં આવી ખડું થઈ જાય છે. જેની અસર લાંબા કાળ સુધી ટકી રહે છે.
વળી આ ગ્રંથમાં પૂજ્યશ્રી બ્રહ્મચારીજીનો સાહિત્ય સર્જન વિભાગ જે ઘણો વિશાળ છે, તેને તે તે પુસ્તકોના ચિત્રો સહિત મૂકવામાં આવેલ છે. તથા તે તે ગ્રંથો સંબંઘી સંક્ષિપ્ત વર્ણન પણ કરવામાં આવ્યું છે. પૂજ્યશ્રીનું વિશાળ સાહિત્ય પરમકૃપાળુદેવના વચનામૃતોને સમજવામાં પરમ આધારરૂપ છે. તેથી તેઓશ્રીનો આપણા ઉપર પરમ ઉપકાર છે.
તદ્ઉપરાંત ‘પૂજ્યશ્રી બ્રહ્મચારીજીના બોધ વચનો' નામના વિભાગમાં નીચે પ્રમાણેના વિષયો ઉપર તેમના દ્વારા લિખિત બોઘ લેવામાં આવેલ છે. પરમકૃપાળુદેવ પ્રત્યેની પરમભક્તિ, નિત્યનિયમના ત્રણ પાઠ વિષે, સ્મરણમંત્રનું અદ્ભુત માહાત્મ્ય, સાત વ્યસન અને સાત અભક્ષ્ય વિષે, સત્પુરુષની આજ્ઞા, સત્સંગ એ સર્વ સુખનું મૂળ, સમાધિમરણ પોષક અલૌકિક તીર્થ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ અગાસ, પૂજ્યશ્રીનું અપ્રગટ વચનામૃત વિવેચન તથા અપ્રગટ બોધ પણ એક વિભાગમાં થોડો આપવામાં આવેલ છે.
પૂજ્યશ્રી બ્રહ્મચારીજીની દિનચર્યા કેવી હતી તે પણ ચિત્રો સાથે આલેખવામાં આવી છે, જે મુમુક્ષુઓને પુરુષાર્થ પ્રેરક છે. વળી તેમના પરિચયમાં આવેલ મુમુક્ષુઓના લેખો પણ ચિત્રો સાથે આપવામાં આવેલ છે.
હે પ્રભુ અને યમનિયમના અર્થ પણ આમાં લેવામાં આવ્યા છે. અંતમાં પૂજ્યશ્રી બ્રહ્મચારીજી કયા કયા તીર્થોમાં યાત્રાર્થે કે સ્થાપનાર્થે પધારેલા તે તે ગામોના કે મંદિરોના ચિત્રો ‘પૂજ્યશ્રી બ્રહ્મચારીજીની તીર્થયાત્રાના સંસ્મરણો' નામના લેખમાં આપવામાં આવ્યા છે. તેમજ તેમની દેહોત્સર્ગ અર્ધશતાબ્દીના દૃશ્યો પણ મૂકવામાં આવેલ છે.
આ ગ્રંથના ચિત્રો બનાવવાનો બધો ખર્ચ શ્રી છીતુભાઈ વલ્લભભાઈ પટેલ આસ્તાવાળાએ ખરા ખંતથી આપી ઉપકારી પ્રત્યેનો પ્રેમ દર્શાવ્યો છે તે બદલ તેમને ધન્યવાદ ઘટે છે.
આ પરોપકારી સત્પુરુષ કે જેણે અનેક પ્રકારે બોધ આપી પરમકૃપાળુદેવનું શરણ દૃઢ કરાવ્યું તથા તેમની ભક્તિમાં જોડ્યા એવા આ મહાપુરુષનો ઉપકાર કદી ભુલાય નહીં એમ ઇચ્છી અત્રે વિરામ પામું છું.
—આત્માર્થ ઇચ્છક, પારસભાઈ જૈન
(૩)