________________
પૂ.શ્રી બ્રહ્મચારીજી ભરતજીના પહાડ ઉપર સત્સંગમાં મુમુક્ષુ ભાઈ-બહેનો સાથે
બપોરે ગામના મંદિરમાં ભટ્ટારકજીએ સ્ફટિકમણિ વગેરે વિવિધ રત્નોની પ્રતિમાઓના દર્શન કરાવ્યા હતા.
ત્યાંથી વેણુર, મુડબિદ્રિ અને કા૨કલમાં દર્શન ભક્તિ કરી પાછા હુબલી પધાર્યા. ત્યાંથી ઘણા મુમુક્ષુઓ આશ્રમમાં પાછા ફર્યા. અને પૂજ્યશ્રી થોડા મુમુક્ષુઓ સાથે હુબલીથી બલારી જઈ રાયચૂર આવ્યા. રાયચૂરમાં શ્રી સીતાબહેનને ત્યાં ત્રણ દિવસ રોકાયા હતા. રાયચૂરથી એક માઈલ દૂર ટેકરી ઉપર શ્રી ભદ્રબાહુસ્વામીના પાદુકાજી છે, ત્યાં દર્શન કરી ‘અપૂર્વ અવસર’ બોલ્યા અને તળાવના કિનારે બે દેરીઓ છે ત્યાં ભક્તિ કરી હતી.
શ્રી કુલપાકજી
રાયચૂરથી હૈદ્રાબાદ થઈ કુલપાકજી આવ્યા. મંદિરમાં પ્રતિમાઓ ચમત્કારી છે. કુલપાકજીથી ત્રણ માઈલ દૂર એક પહાડની તળેટીમાં ત્રણ પ્રતિમાઓ છે. ત્યાં દર્શન કરી પાછા કુલપાકજી આવ્યા.
કુલપાકજીથી પૂજ્યશ્રી ગુડિવાડા પધાર્યા. શ્રી ધર્મચંદજી વગેરે મુમુક્ષુઓનો ઉલ્લાસ ઘણો હતો. સ્ટેશનથી બેંડવાજા સાથે વાજતે ગાજતે પૂજ્યશ્રીને ધર્મશાળાએ લઈ ગયા. બાજુમાં જિનમંદિર છે. ત્યાં દર્શન ભક્તિ કરી. મંદિરમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા ચમત્કારી છે.
શ્રી ધર્મચંદભાઈના મકાનમાં ચિત્રપટોની સ્થાપના પૂજ્યશ્રીના હસ્તકમળે કરવામાં આવી. છ દિવસ ત્યાં રોકાઈ વિજયવાડા, ભાંડુકતીર્થ થઈ અંતરીક્ષ પાર્શ્વનાથ આવ્યા.
ત્યાંથી પૂજ્યશ્રી ધૂળિયા પધાર્યા. તેના ઉલ્લાસમાં શ્રી મગનભાઈ લક્ષ્મીદાસ વગેરે ત્રણે ભાઈઓએ પ.પૂ.પ્રભુશ્રીજીનો બોધ છપાવવા માટે રૂા. એક હજારનો ડ્રાફ્ટ કઢાવી આશ્રમમાં મોકલ્યો. છ દિવસ ધૂળિયા રોકાઈ અંજડ આવ્યા. ત્યાં શ્રી ચીમનભાઈ ઘણા ઉલ્લાસથી બેંડવાજા સાથે પૂજ્યશ્રીને પોતાના ઘેર લઈ ગયા. અને તેઓશ્રીના કરકમળે ચિત્રપટોની સ્થાપના કરાવી. ઇન્દોરથી શ્રી મંગળદાસશેઠ અને શ્રી સાકરબેન વગેરે અંજડ આવ્યા હતા.
૧૮૯