________________
ત્યાંના પંડિતે, આ મૂર્તિ કોણે અને કેવી રીતે બનાવી હતી, તે સંબંધી દંતકથા નીચે પ્રમાણે જણાવી –
બાહુબળીજીની આ પ્રતિમા શ્રી મુનિસુવ્રત સ્વામીના વખતમાં મંદોદરીએ પોતાને દર્શન કરવા માટે એક વિદ્યાધર પાસે રત્નવડે કોતરાવેલ. રામ, સીતાજી અને રાવણે પણ આ પ્રતિમાજીના દર્શન કરેલ છે.
પ્રતિમા બહુ સુંદર, શાંત અને ભવ્ય
કાળાંતરે બાહુબળીજીની આ પ્રતિમા ત્યાં આગળ પહાડ ઉપર જમીનમાં દટાઈ ગયેલ. આજથી તેરસો વર્ષ પૂર્વે શ્રી ચામુંડારાયને આ બાહુબળીજીની મૂર્તિ સંબંધી સ્વપ્ન આવ્યું કે સામેના ભરતજીના પહાડ ઉપરની અમુક જગ્યાએથી અમુક દિશામાં બાણ મારવાથી એ બાણ જ્યાં પડે ત્યાં ખોદવું, એટલે મૂર્તિ નીકળશે અને ત્યાં મંદિર બંધાવવું. આ પ્રમાણે કરવાથી મૂર્તિ નીકળી એટલે મંદિર બંધાવી શ્રી ચામુંડરાયના હસ્તે પ્રતિષ્ઠા કરવામાં આવેલ છે. કમળ અને મૂર્તિ બન્ને એક પથ્થરમાંથી કોતરેલા છે. પ્રતિમા બહુ સુંદર, શાંત અને ભવ્ય છે.
ભરતજીની પ્રતિમા
ભરતજીના પહાડ ચંદ્રગિરિ ઉપર ૧૪ મંદિરો છે. બાજુની ખુલ્લી જગ્યામાં ભરતજીની પ્રતિમા સાથળ સુધી જમીનમાં ઊતરી ગયેલી છે. આ પ્રતિમાજીની ઊંચાઈ ૧૫ ફૂટની છે. ભદ્રબાહુસ્વામીનું સમાધિસ્થાન અહીં ગુફામાં છે, ત્યાં તેમના ભવ્ય પાદુકાજી છે. ચંદ્રગુપ્ત રાજા અહીંથી દેવલોક પામેલ છે. બધા સ્થાને દર્શન ભક્તિ કરી વેણુર ગયા.
વેણુરમાં પાંચ મંદિર અને બાહુબળીજીની પાત્રીસ ફૂટ ઊંચી ઊભી પ્રતિમાના દર્શન કરી મૂડબિદ્રિ આવ્યા. ત્યાં અઢાર
મંદિરો છે, જેમાં એક ત્રણ માળનું મોટું મંદિર છે. બધે દર્શન ભક્તિ કરી ત્યાંથી કારકલ ગયા. ત્યાં ચૌદ મંદિરો છે અને એક નાની ટેકરી ઉપર બાહુબળીજીની ચાળીસ ફૂટ ઊંચી પ્રતિમા છે. ત્યાં દર્શન કરી વારંગ ગયા.
૧૬૭
વારંગમાં તળાવની વચ્ચે મોટું મંદિર છે. નાવમાં બેસી ત્યાં ગયા. બધે ભક્તિ ચૈત્યવંદન વગેરે કરી પાછા મુબિદ્રિ આવ્યા અને સિદ્ધાંતમંદિરના દર્શન કરવા ગયા. ત્યાં શાસ્ત્રીજીએ પ્રથમ ‘ધવલ’, ‘જયધવલ’, ‘મહાધવલ’ આદિ શાસ્ત્રોના દર્શન કરાવ્યા. પછી હીરા, માણેક આદિ રત્નોની ૩૫ પ્રતિમાઓ એક પછી એક હાથમાં રાખી પાછળ દીવો ઘરી બતાવી અને દરેક રત્નના ગુણધર્મની સમજણ પાડી. દરેક રત્નનું માહાત્મ્ય વર્ણવતી વખતે સાથે એમ પણ બોલતા કે ભગવાનની દૃષ્ટિમાં તો આ પથ્થર જ છે, કે જેને આપણે મોટું મહત્વ આપીએ છીએ. પણ મહાપુરુષોના ગુણોની સ્મૃતિ લાવવા આ આકાર છે. આત્મા ભણી દૃષ્ટિ કરી દર્શન-લાભ લેવાનો છે.
દક્ષિણની યાત્રા આ પ્રકારે સુખપૂર્વક પૂર્ણ થઈ.
રાજકોટ
શ્રીમદ્ રાજચંદ્ર નવીન સમાધિમંદિર
સં.૧૯૯૬ના મહા સુદ ૧૩ના પ્રતિષ્ઠા નિમિત્તે પૂજ્યશ્રી મુમુક્ષુઓ સાથે રાજકોટ પધાર્યા. ત્યાં આજી નદીના કાંઠે સ્મશાનભૂમિની બાજુમાં આવેલ પરમકૃપાળુદેવના સમાધિમંદિરમાં પૂ.શ્રી બ્રહ્મચારીજીના વરદ હસ્તે પરમકૃપાળુદેવના ચિત્રપટની સ્થાપના ઘણા ઉલ્લાસપૂર્વક જયધ્વનિ સાથે કરવામાં આવી.
સં.૧૯૯૬ના વૈશાખ સુદ ૩ના શુભ દિવસે સડોદરામાં ચિત્રપટોની સ્થાપના પૂજ્યશ્રીના સાન્નિધ્યમાં હર્ષોલ્લાસપૂર્વક કરવામાં આવી હતી.