________________
શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ અને પૂજ્યશ્રી બ્રહ્મચારીજી
બધો વખત આત્મહિત માટે ગાળવો
પૂજ્યશ્રી—“અહીં આશ્રમમાં રહીએ ત્યાં સુધી બધો વખત લેખામાં આવે એવું કરવું. કંઈક આત્મઠિત થાય તેમ કરવું, અહીં સાંભળીએ, પછી વિચારીએ, યાદ કરીએ કે આજે વાંચવામાં શું આવ્યું હતું ? શું ચર્ચા થઈ હતી ? યાદ રહે તો આપણા પર વિચાર આવે. નહીં તો કાલે શું વાંચ્યું તેની ખબર ન રહે. શ્રવણ, મનન અને નિદિધ્યાસન એમ ત્રણ કહ્યાં છે. શ્રવણ કરવું કે વાંચવું, પછી મનન કરવું એટલે વિચારવું અને પછી નિદિધ્યાસન એટલે ભાવના કરવી; એ ત્રણ ભેદો વેદાંતમાં છે. એનો પાછો ઘણો વિસ્તાર છે. પહેલી સાંભળવાની ઇચ્છા થાય તે શુશ્રૂષા. પછી શ્રવણ થાય. પછી ધારણા એટલે યાદ રાખવું અને પછી મનન થાય.
ઉહ એટલે શંકા કરવી. જેમકે ચોરી કરી હોય તો શું થાય? એવી શંકા થાય તે ઉહ છે. પછી એવી શંકા દૂર કરે કે ચોરી કરવાથી પાપ બંઘાય છે. અધોગતિ થાય છે. તે અપોહ છે. એમ ઉહાપોહ કરી વસ્તુનો નિર્ણય કરે કે આમ જ છે, તે નિર્ણય છે. અને પછી તત્ત્વાભિનિવેશ એટલે જે વસ્તુનો નિર્ણય થયો હોય તે છૂટી ન જાય, પકડ થાય. એવા આ બુદ્ધિના આઠ ગુણ કહેવાય છે. ત્રીજી વૃષ્ટિમાં શુશ્રૂષા ગુણ પ્રગટે છે. પછી એને સાંભળવાનું મળે ત્યારે બહુ ઉલ્લાસ આવે છે,”
મુખપાઠ કરેલું ગમે ત્યાં ઉપયોગી થાય
સં.૨૦૦૯, માગશર વદ ૮ આહોર જતાં —
“ભક્તિ, વાંચન, સ્મરણ વગેરે જે વખતે જેમાં ચિત્ત તન્મય થાય તે પ્રકારે તેમ થવા દેવું. મુખપાઠ કરવાનો અભ્યાસ રાખવો; કારણ મુખપાઠ કરેલું હોય તેથી કોઈ વખતે ઘણો લાભ થાય તેમ છે, ગમે ત્યારે ગમે તેવા સંજોગોમાં પણ મુખપાઠ કરેલ ઉપયોગી થઈ પડે છે; કારણ પુસ્તક હમેશાં પાસે હોય નહીં.’’
૧૦૨
શ્રી નિર્મળાબહેન