SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ન પાળે અને જેઓ કુશીલ છે તેઓ મૃદુ-શાંત એવા ગુરુને પણ ચંડકોપાયમાન કરે છે. આવા શિષ્યો અવિનીત કહેવાય છે. શિષ્ય હોય તો કેવો હોવો જોઇએ - એ હવે આગળના ઉત્તરાર્ધથી જણાવે છે. ગુરુને આવા શિષ્યની અપેક્ષા હોય એવું નથી. સાધુભગવંતો તો પોતાના શરીર પ્રત્યે પણ નિઃસ્પૃહ હોય છે તો તેમને શિષ્યનો લોભ તો ક્યાંથી હોય ? અવિનીત શિષ્ય ગુરુની સાથે એ રીતે વર્તે કે સમતાધારી ગુરુને પણ ગુસ્સો આવ્યા વિના ન રહે. જયારે વિનીત શિષ્યો તો કોપાયમાન થયેલા ગુરુને પણ વિનયપૂર્વકના વર્તનથી શાંત કરે છે. આ વિનીત શિષ્યો ગુરુના ચિત્તનું અનુસરણ કરે છે. લઘુ-સૂક્ષ્મ વ્રત પાળનારા હોય છે અને શીલના અઢાર હજાર ભાંગાનું પાલન કરવામાં દક્ષ હોય છે. અહીં ‘ચિત્તાનુગ'નો અર્થ ‘ગુરુવચનનું અનુસરણ કરનારો' આવો કર્યો છે એના ઉપરથી જ સમજાય છે કે “અનાશ્રવ’નો અર્થ ‘ગુરુવચનને નહિ અનુસરનારો” આવો થાય છે. અહીં અવિનીત શિષ્ય માટે કોઇ દૃષ્ટાંત નથી આપ્યું કારણ કે એમાં તો આપણે પોતે જ દષ્ટાંતભૂત છીએ. આથી વિનીતને જણાવવા એક દૃષ્ટાંત જણાવે છે. જે શિષ્યો ગુરુના વચનમાં સ્થિત હોય તેઓ કોપાયમાન ગુરુને પણ શાંત કરે છે. જ્યારે ગુરુના વચનમાં રહેલા ન હોય તેઓ શાંત ગુરુને પણ કોપાયમાન કરે છે – આપણો નંબર શેમાં લાગે ? આજે ‘લોકો આપણી ઉપર ગુસ્સો કરે છે - એની ફરિયાદ આપણે ઘણી કરી પણ આપણે કેટલાને ગુસ્સે કરીએ છીએ – એનો તો આપણે વિચાર પણ કરતા નથી. જગત મને હેરાન કરે છે - આ આપણી ફરિયાદનો સૂર છે. પણ આપણે જગતને હેરાન કરીએ છીએ – એની તરફ નજર જ નથી કરી. બીજાનો સ્વભાવ ખરાબ છે – એવી ફરિયાદ રાતદિવસ કરી, પણ આપણો સ્વભાવ ખરાબ છે - એવું જોવાની ફુરસદ પણ નથી ને ? આપણો સ્વભાવ બેકાર હશે તો આપણે બીજાને સુધારી નહિ શકીએ, આપણો સ્વભાવ સારો હોય તો બીજાનો સ્વભાવ આપણને ખરાબ લાગવાનો જ નથી. આપણને આપણો જ સ્વભાવ નડે છે – આટલું સમજાઇ જાય તો વાત શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર પૂરી થઇ જાય. પણ તકલીફ એ છે કે આપણો સ્વભાવ ખરાબ લાગતો નથી, બીજાનો જ ખરાબ લાગ્યા કરે છે તેથી સુધારાની શરૂઆત જ થતી નથી. આજે બીજાની તો વાત જવા દો, ગુરુના સ્વભાવની પણ ફરિયાદ કરવાની તૈયારી છે. શાસ્ત્રકારો કહે છે કે ગુરુની ફરિયાદ કરવી – એ સાધુપણાનું લક્ષણ નથી. ગુરુનું વચન આદેય ન બનતું હોય તો તેમાં એમનું અનાદેયનામકર્મ કામ કરે છે એવું નથી, એમાં આપણી અયોગ્યતા જ કામ કરે છે. જે સામાનું અનાદેયનામકર્મ જોયા કરે તે પોતે ક્યારેય આદેય કોટિના બની ન શકે. ગુરુની ભૂલ જુએ તે સાધુપણું પાળી ન શકે. આજે તમને નિયમ આપી દઉં કે તમારા સગામાં કોઇએ દીક્ષા લીધી હોય અને ગુરુની ફરિયાદ કરે તો સાંભળવી નહિ, આટલું તો બને ને ? અહીં તો જણાવે છે કે – જે ગુરુના વચનને અનુસરનારા હોય તેઓ દુષ્ટ આશયવાળા ગુરુને પણ શાંત કરે છે. દુષ્ટ આશયવાળા એટલે સારાસારનો વિવેક કર્યા વિના વાતવાતમાં તપવાનો સ્વભાવ જેમનો હોય તે. આવા ગુરુને પણ શાંત કરનારા એવા એક શિષ્યનું કથાનક અહીં આપ્યું છે. કથા તો બે મિનિટમાં જ પૂરી થઇ જાય એવી છે. પણ આ કથાના પાત્ર સાથે તાલ મેળવવા માટે આપણને ભવોભવ લાગશે. સૌથી વધારે ગુસ્સો જેમનો હતો તેવા આચાર્યનું નામ તો પ્રસિદ્ધ છે ને ? એ ચંડરૂદ્રાચાર્યનું નામ શાસ્ત્રના પાને આવ્યું છે, આપણું નથી આવ્યું. એમાં પણ ચમત્કાર છે. આપણા કરતાં તેમનો ગુસ્સો વધારે ભલે હોય પણ તે ક્ષણ વારમાં શાંત થઇ જાય, ક્ષય પામે એવો હતોઆપણો ગુસ્સો ઓછો હોવા છતાં લાંબા કાળ સુધી ચાલે છે. આથી જ આપણો ગુસ્સો વધારે ખરાબ છે. તેમના શિષ્યને દીક્ષા કેવા સંયોગોમાં મળી હતી, તે તો ખ્યાલ છે ને ? ઇચ્છાથી મળી હતી કે બળાત્કારે આપી હતી ? ભલે દીક્ષા આ રીતે મળી, પણ મળી ગઇ ને ? સારી વસ્તુ મળે એ જોવાનું કે કઇ રીતે મળે એ જોવાનું ? દીક્ષા કઇ રીતે મળી - એ મહત્ત્વનું નથી, દીક્ષા મળી જાય – એ મહત્ત્વનું છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
SR No.009158
Book TitleUttaradhyayana Sutra Pravachano
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2012
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy