________________
વાદ કરીને તેને હરાવ્યો અને માથે કૂંડીની રાખ નાંખી સંઘબહાર કર્યો. ત્યાર બાદ રોહગુપ્ત વૈશેષિક દર્શન પ્રગટાવ્યું. આપણે ગમે તેટલા ચઢિયાતા હોઇએ પણ ‘ગુરુ કરતાં ચઢિયાતા છીએ' એવો ભાવ આવે એટલે આપણા પતનની શરૂઆત થાય.
ત્યાર બાદ ગોષ્ઠામાહિલની વાત કરી છે. ગોષ્ઠામાહિલને આચાર્યપદવી ન મળી તેથી તેને માઠું લાગ્યું અને તેણે જુદા સિદ્ધાંતની સ્થાપના કરી. તે વખતે દુર્બલિકાપુષ્યમિત્ર નામના સાધુ જ્ઞાનથી ગરિષ્ઠ હોવાથી આચાર્યપદવીને યોગ્ય હતા. પરંતુ તે વખતે તેમને પદવી આપે તો તેમનું પુણ્ય અલ્પ હોવાથી કોઇ અમાન્ય ન કરે અથવા તો વિરોધ ન ઉઠાવે તે માટે ગુરુએ સંઘ સમક્ષ એક ઘીનો, એક તેલનો અને એક વાલનો : એમ ત્રણ ઘડા મંગાવ્યા તથા સાથે બીજા ખાલી ત્રણ ઘડા મંગાવ્યા અને ક્રમસર પેલા ઘડા એક એક ખાલી કર્યા. પછી જણાવ્યું કે – આ ઘીનો ઘડો ખાલી કર્યો તો પહેલા ઘડામાં ઘણું ઘી રહી ગયું, બધું ખાલી નથી થયું, તેમ કેટલાક શિષ્યોએ મારી પાસેથી જે જ્ઞાન લીધું તેમાંથી તો ઘણુંખરું મારી પાસે જ રહ્યું. જ્યારે આ તેલના ઘડામાંથી તો મોટા ભાગનું ખાલી થઇ ગયું, તેમ કેટલાક શિષ્યોએ મારી પાસેથી જે જ્ઞાન લીધું તેમાં મારી પાસે થોડું રહી ગયેલું અને આ વાલનો ઘડો જેમ નિર્લેપપણે ખાલી થયો છે તેમ આ દુર્બલિકાપુષ્યમિત્રે મારી પાસેથી પરિપૂર્ણ જ્ઞાન મેળવી લીધું છે તો હવે આચાર્યપદ કોને અપાય ? ત્યારે સંઘે કહ્યું કે જેણે વાલની જેમ જ્ઞાન ગ્રહણ કર્યું હોય તેને જ પદવી આપવી જોઇએ. આ રીતે તેમની પદવી થઇ, ત્યારે ગોઠામાહિલને માઠું લાગ્યું. તમે પણ શું કહો ? ‘ગમે તેમ તોય માણસ છે ને ? માઠું તો લાગે !' એમ જ ને ? પરંતુ એ વખતે જો એવું થાય કે ‘ગમે તેમ તો ય સાધુ છે ને ? તો માઠું લાગવું ન જોઇએ.’ તો તેમનો બચાવ કરવાનું મન નહિ થાય. આ રીતે દુભાયેલા ગોઠામાહિલે કર્મગ્રંથ ભણાવતાં કર્મ ઋષ્ટ, બદ્ધ, નિધત્ત, નિકાચિત હોય છે – આ વિષયમાં અશ્રદ્ધા ધરીને એવું પ્રતિપાદન કર્યું કે – કર્મ કંચુકીની જેમ સ્પષ્ટ જ હોય છે, જો આત્મા સાથે બદ્ધ, ૪૩૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
નિધત્ત કે નિકાચિત હોય તો તે આત્મા ઉપરથી છૂટું પડી ન શકે. આ મતનો પ્રચાર કરવો શરૂ કર્યો. ગુરુએ સમજાવ્યા છતાં ન માન્યા તેથી તેમને સંઘબહાર કર્યા. આ રીતે સાત નિહ્નવોની વાત પૂરી થઇ.
આજના દિવસે આપણે કુદરતી શ્રદ્ધાની દુર્લભતાની વાત આવી છે. મૌન એકાદશીનો મહિમા તો લગભગ બધા જાણે છે ને ? કૃષ્ણમહારાજાએ શ્રી નેમનાથ ભગવાનને થોડો ધર્મ કરીને ઘણું ફળ મેળવી શકાય એવો આરાધનાનો ઉપાય પૂછ્યો ત્યારે ભગવાને આ મૌન એકાદશીની આરાધના જણાવી અને સુવ્રતશ્રેષ્ઠીની જેમ આરાધવાનું જણાવ્યું. સુવ્રતશ્રેષ્ઠીની કથા પણ પ્રસિદ્ધ છે. તેઓ જ્યારે ગર્ભમાં હતા ત્યારે તેમની માતાને વિરતિ લેવાનું મન થયેલું તેથી જમ્યા પછી તેમનું નામ સુવ્રત પાડેલું. પૂર્વે પણ આ મૌન એકાદશીની આરાધના કરેલી હતી તેના પ્રભાવે અગિયાર કન્યા પરણ્યા. મૌન એકાદશીના દિવસે પૌષધ લઇને ઘરમાં કાઉસ્સગ્નધ્યાનમાં ઊભા હતા. શેઠ પૌષધમાં મૌન ધારણ કરીને કાઉસ્સગ્નમાં ઊભા રહ્યા છે – એમ જાણી ચોરો તેમને ત્યાં ચોરી કરવા આવ્યા. શેઠ જાણવા છતાં મૌન તોડતા નથી. તમે હોત તો ઘરના લોકોને કહેત ને કે હું પૌષધમાં છું, તમારે તો પૌષધ નથી ને?' જ્યારે આ શેઠ તો ધ્યાનમાં જ ઊભા છે. તેમના વ્રતના પ્રભાવથી દેવોએ ચોરને ખંભિત કરી નાંખ્યા. ચોરો કશું લઇને જઇ શક્યા નહિ. સવારે મુદ્દામાલ સાથે પકડાઇ જવાથી રાજાએ ચોરોને કેદખાનામાં નાંખ્યા. શેઠને પૌષધ પાર્યા પછી ખબર પડી તો તેઓ રાજા પાસે ભેટશું લઈને ગયા. કારણ કે ઘરે આવેલા ચોરોને છોડાવ્યા વિના પારણું ન કરાય - એમ તેઓ માનતા હતા. ચોરને પણ છોડાવે તે સમ્યગ્દર્શન ટકાવી શકે, ચોરને પકડાવે તે સમ્યકત્વ ક્યાંથી પામે ? રાજા કહે ચોરને છોડી મૂકું તો રાજય કેવી રીતે ચલાવું ? શેઠ કહે છે ‘બીજી વાર ચોરી ન કરે – એની ખાતરી હું આપું, પણ મારે ત્યાં આવેલાને છોડાવ્યા વિના હું પારણું નહિ કરું.’ તેમના આગ્રહથી રાજાએ ચોરોને છોડી મૂક્યા, હવે આ ચોરો ચોરી કરે ?
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૪૩૧